શિંદેએ કૉંગ્રેસનો પતંગ કાપ્યો
મિલિંદ દેવરા વર્ષો જૂનો સાથ છોડીને શિંદેની શિવસેનામાં જોડાયા
મુંબઇ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા પોતાના (દેવરા) પરિવારનો કૉંગ્રેસ સાથેનો ૫૫ વર્ષ જૂનો સાથ છોડીને રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. લોકસભાની આગામી ચૂંટણીની પહેલાં મુંબઈમાં કૉંગ્રેસને આ બહુ જ મોટો ફટકો પડ્યો છે.
દક્ષિણ મુંબઈમાંના લોકસભાના ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરા મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે રવિવારે બપોરે શિવસેનામાં જોડાયા હતા.
કૉંગ્રેસની રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના પ્રારંભના થોડા સમય પહેલાં જ મિલિંદ દેવરા શિંદેની શિવસેનામાં જોડાયા છે અને તેથી રાજ્યમાં, ખાસ કરીને દેશની આર્થિક રાજધાનીમાં કૉંગ્રેસને ભારે નુકસાન થયું છે. કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમારી આ યાત્રાને નુકસાન પહોંચાડવા માટે અમારા અગ્રણી નેતાને છીનવી લેવાનો ‘ચોક્કસ સમય નક્કી’ કર્યો છે. મિલિંદ દેવરાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ‘એક્સ’ પર
રવિવારે સવારે લખેલી પોસ્ટમાં કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે મેં કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીને મારા (દેવરા) પરિવારના કૉંગ્રેસ સાથેના ૫૫ વર્ષ જૂના સંબંધનો અંત આણ્યો છે. હું મને ટેકો આપનારા બધા નેતાઓ અને કાર્યકરોનો આભારી છું.
મિલિંદ દેવરાએ પ્રભાદેવીના સિદ્ધિ વિનાયક મંદિરે જઇને પૂજા કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હું વિકાસના પંથે આગળ વધી રહ્યો છું.
મિલિંદ દેવરાની તાજેતરમાં જ અખિલ ભારત કૉંગ્રેસ સમિતિના સંયુક્ત ખજાનચી તરીકે નિમણૂક કરાઇ હતી. દક્ષિણ મુંબઈમાં તેમના ઘણાં ટેકેદારો છે. મિલિંદના પિતા મુરલી દેવરા કૉંગ્રેસના અગ્રણી નેતા હતા.
અગાઉની સંયુક્ત શિવસેનાના નેતા અરવિંદ સાવંતે ૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં દેવરાને હરાવ્યા હતા.
દેવરા એક સમયે મુંબઈ કૉંગ્રેસના વડા પણ હતા.
મુંબઈ કૉંગ્રેસનાં પ્રમુખ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મણિપુરથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શરૂ થઇ રહી છે, ત્યારે જ મિલિંદ દેવરાએ પક્ષનો સાથે છોડ્યો, તે કમનસીબ ગણાય. (એજન્સી)