ઇન્દોર: ભારતે રવિવારે અહીં અફઘાનિસ્તાન સામેની ત્રણ મૅચની ટી-20 સિરીઝની બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો.
ભારતે 173 રનનો લક્ષ્યાંક 26 બૉલ બાકી રાખીને અને છ વિકેટના માર્જિનથી હાંસલ કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલ (68 રન, 34 બૉલ, છ સિક્સર, પાંચ ફોર) અને પહેલી મૅચના હીરો શિવમ દુબે (63 અણનમ, 32 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)એ પોણાબસો રન જેટલો ટાર્ગેટ જરાય અઘરો નહોતો લાગવા દીધો. કમબૅકમૅન વિરાટ કોહલીએ પણ 29 રનનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. રિન્કુ સિંહ નવ રને અણનમ રહ્યો હતો. જોકે એ પહેલાં, જિતેશ શર્મા ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
રોહિત શર્માની આ ઐતિહાસિક 150મી ટી-20 ઇન્ટરનૅશનલ હતી અને એમાં તે પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. તેને ફારુકીએ ક્લીન બોલ્ડ કર્યો હતો. પ્રવાસી ટીમના કરીમ જનતે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
Taboola Feed