ગાયકવાડે પુનર્વિચાર કરવા કહ્યું, પટોલેએ શાસક ગઠબંધનની ટીકા કરી
મુંબઈ: રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ સંઘર્ષગ્રસ્ત મણિપુરથી શરૂ થઈ એ સમયે જ મુંબઈમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ તે દિવસે પાર્ટી છોડી દીધી હતી. મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે રવિવારે કહ્યું કે એ કમનસીબ છે કે તેમના
સાથીદાર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ કૉંગ્રેસ સાથે આ દિવસે જ છેડો ફાડ્યો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડા નાના પાટોલેએ તેને ભારત જોડો ન્યાય યાત્રા પરથી ધ્યાન હટાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાવતરું ગણાવ્યું હતું અને દેવરાની “બે વાર પરાજિત ઉમેદવાર તરીકે ઠેકડી ઉડાવી હતી.
એક વીડિયો નિવેદનમાં ગાયકવાડે દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ લોકસભા સાંસદને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી કે તેમનો પરિવાર અને કૉંગ્રેસ પરિવાર એક છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે દેવરા દક્ષિણ મુંબઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે, પરંતુ (મહાવિકાસ અઘાડી) ગઠબંધન સમજે છે કે વર્તમાન સાંસદને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. ચવ્હાણે પીટીઆઈને જણાવ્યું હતું કે, “તેમને બીજી કોઈ તક મળી શકી હોત. પરંતુ પાર્ટી છોડવી એ તેમનો નિર્ણય છે.
દેવરા, જેમને તાજેતરમાં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સંયુક્ત ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના દ્વારા દક્ષિણ મુંબઈ લોકસભા બેઠક પર દાવો કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. અવિભાજિત શિવસેનાના અરવિંદ સાવંત, જે હવે ઠાકરે જૂથ સાથે છે, તેમણે ૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં દેવરાને હરાવ્યા હતા.
આ મુદ્દા પર બોલતા, મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડા નાના પાટોલેએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દિવસ દરમિયાન શરૂ થનારી ‘ભારત જોડો ન્યાય યાત્રા’થી ડરી ગઈ છે. “ભાજપ અફવા ફેલાવી રહ્યું હતું કે કૉંગ્રેસ વિભાજિત થશે. હવે ભાજપ અને તેના સાથી પક્ષો ભારત જોડો ન્યાય યાત્રા પરથી ધ્યાન હટાવવા માટે બે વખત પરાજિત ઉમેદવારને સાથે લઈ રહ્યા છે. આ પ્રયાસ સફળ થશે નહીં, તેમણે કહ્યું. આ યાત્રા મુંબઈમાં સમાપ્ત થશે અને તેની સાથે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અજિત પવાર જૂથના શાસક ગઠબંધનનો અંત લાવશે, એમ પાટોલેએ ભારપૂર્વક જણાવ્યું હતું.