ચાર પ્લેયરની આક્રમક રમતને કારણે અફઘાનિસ્તાને ભારતને આપ્યો પડકારજનક સ્કોર
રોહિત 150મી ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમનાર વિશ્ર્વનો પહેલો ખેલાડી: અર્શદીપની 20મી ઓવરમાં ચાર વિકેટ પડી

ઇન્દોર: ત્રણ મૅચની ટી-20 સિરીઝમાં 1-0થી સરસાઈ ધરાવતી ભારતીય ટીમ રવિવારે બીજી ટી-20માં અફઘાનિસ્તાનને ખૂબ નાના સ્કોર સુધી મર્યાદિત રાખી શક્યું હોત, પરંતુ ચાર બૅટરની આક્રમક ઇનિંગ્સને લીધે પ્રવાસી ટીમ 20મી ઓવરના અંત સુધીમાં 172 રનના પડકારરૂપ સ્કોર સુધી પહોંચી શકી હતી અને ભારતને જીતવા 173 રનનો થોડો મુશ્કેલ લક્ષ્યાંક મળ્યો હતો. રોહિત શર્માની આ ઐતિહાસિક 150મી ટી-20 ઇન્ટરનૅશનલ હતી અને એમાં તે પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. તેને ફારુકીએ ક્લીન બોલ્ડ કર્યો હતો.
અફઘાનિસ્તાનની ઇનિંગ્સમાં વનડાઉન બૅટર ગુલબદિન નઇબ (57 રન, 35 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની એકમાત્ર હાફ સેન્ચુરી હતી, પરંતુ દાવની છેલ્લી ઓવરોમાં નજીબુલ્લા ઝડ્રાન (23 રન, 21 બૉલ, બે સિક્સર, એક ફોર), કરીમ જનત (20 રન, 10 બૉલ, એક સિક્સર, બે ફોર) અને મુજીબ-ઉર-રહમાન (21 રન, નવ બૉલ, બે સિક્સર, બે ફોર)ની ઇનિંગ્સની મદદથી અફઘાનિસ્તાન પોણાબસો રનના સ્કોરની નજીક પહોંચી શક્યું હતું. જનત-મુજીબની જોડીએ 19 બૉલમાં 41 રન ખડકી દીધા હતા.
પેસ બોલર અર્શદીપ સિંહને 20મી ઓવર અપાઈ હતી જેમાં કુલ ચાર વિકેટ પડી હતી. કરીમ જનત અને નૂર અહમદ કૅચઆઉટ થયા હતા, જ્યારે મુજીબ તથા ફારુકીએ રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. બિશ્ર્નોઈ અને અક્ષરે બે-બે તથા શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી. મુકેશ અને વૉશિંગ્ટન સુંદરને વિકેટ નહોતી મળી.
એ પહેલાં, કૅપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરતા પહેલાં પ્લેઇંગ-ઇલેવનની જે ટીમ-શીટ આપી હતી એમાં બે ફેરફાર કરાયા હતા. રોહિતની આ 150મી ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ હતી. દોઢસો ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમનારો તે પહેલો જ ખેલાડી છે. આયરલૅન્ડનો પૉલ સ્ટર્લિંગ 134 મૅચના આંકડા સાથે બીજા નંબરે છે. ભારતીયોમાં સૌથી વધુ ટી-20 રમેલાઓમાં વિરાટ કોહલી 116 મૅચના ફિગર સાથે બીજા સ્થાને છે.
ભારતે મૅચમાં જે બે ફેરફાર કર્યા હતા એમાંનો એક અપેક્ષિત ફેરફાર વિરાટ કોહલીને લગતો હતો. તેને તિલમ વર્માના સ્થાને લેવામાં આવ્યો હતો. કોહલીએ 14 મહિને ટી-20 ઇન્ટરનૅશનલમાં વાપસી કરી છે. યશસ્વી જયસ્વાલને ફરી રમવાનો મોકો મળ્યો હતો. તેને શુભમન ગિલના સ્થાને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાનના કૅપ્ટન ઇબ્રાહિમ ઝડ્રાને કહ્યું હતું કે તે ટૉસ જીત્યો હોત તો તેણે પણ ફીલ્ડિંગ જ પસંદ કરી હોત. તેની ટીમમાં ટૉપ-ઑર્ડર બૅટર રહમત શાહના સ્થાને લેફ્ટ-આર્મ સ્પિનર નૂર અહમદને સમાવાયો હતો.