ધર્મનગરી ચિત્રકુટ પહોંચી પ્રભુ શ્રીરામની ચરણ પાદુકા યાત્રા..
ચિત્રકૂટ: 22 જાન્યુઆરીના રોજ યોજાનારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને પગલે દેશભરમાં ભક્તિભાવનો માહોલ છે ત્યારે અનેક જગ્યાએ લોકો વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમના આયોજન કરીને પ્રભુ શ્રીરામ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે.
પ્રભાત ફેરીઓ, પીળા અક્ષતનું વિતરણ સહિતના અનેક કાર્યક્રમો વચ્ચે શ્રીલંકાથી ભગવાન શ્રીરામની ચરણ પાદુકાની યાત્રા નીકળી છે. જેમાં અનેક રામભક્તો જોડાયા છે. આ યાત્રા તે જ રૂટ પર ચાલી રહી છે જે રૂટથી પ્રભુ શ્રીરામ અયોધ્યાથી શ્રીલંકા જવા નીકળ્યા હતા. આજે આ ચરણ યાત્રા પ્રભુ શ્રીરામની તપોસ્થલી ચિત્રકૂટ ખાતે પહોંચી હતી. જ્યાં કામતાનાથજીના દરબારમાં પૂરેપૂરી શ્રદ્ધા સાથે ચરણ પાદુકાઓની પૂજા-અર્ચના કરવામાં આવી.
ધર્મનગરી ચિત્રકુટ એ ભગવાન શ્રીરામની તપોસ્થળી ગણાય છે. રામાયણ સર્કિટ પર્યટન મંત્રાલયના અધ્યક્ષ ડૉ. રામ અવતાર આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રભુ શ્રીરામ જેવા ચરિત્રોની યુવાનોમાં સમજ વિકસે તે માટે તેમજ વનવાસ દરમિયાન તેમણે જે પ્રકારનું જીવન વિતાવ્યું હતું તેનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે પ્રભુ શ્રીરામ અને માતા જાનકીની પાવન ચરણ પાદુકા લઇને શ્રીલંકાથી અયોધ્યાધામ સુધી યાત્રા નિકાળવામાં આવી રહી છે.
હાલમાં આ યાત્રા ચિત્રકુટ પહોંચી છે. અહીં રામઘાટ પર ગંગા પૂજન તથા મત્યગેંદનાથજીનો જળાભિષેક તથા પ્રભુ કામતાનાથજીના દરબારમાં પાદુકાઓનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. તેમજ કામદગિરિની પરિક્રમા કરવામાં આવી હતી. આ યાત્રા ભરતકૂપ ધામ સહિત અનેક સ્થળોએ ફર્યા બાદ અયોધ્યા પહોંચશે. કુલ 44 દિવસ સુધી આ યાત્રા ચાલશે.