સ્પોર્ટસ

રણજી ટ્રોફીમાં બરોડા જીત્યું, સૌરાષ્ટ્ર હાર્યું, ગુજરાત પણ હારી શકે: મુંબઈને આજે જીતવાનો મોકો

વડોદરા: રણજી ટ્રોફીમાં બરોડાએ રવિવારે ઘરઆંગણે પુડુચેરીને 98 રનથી હરાવીને એલીટ, ગ્રૂપ-ડીમાં 12 પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ચાર દિવસીય મૅચમાં ત્રીજા દિવસે પુડુચેરીને જીતવા 218 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પણ લેફ્ટ-આર્મ સ્પિનર ભાર્ગવ ભટ્ટની પાંચ તથા ઑફ સ્પિનર મહેશ પીઠિયાની ચાર વિકેટને કારણે પુડુચેરીની ટીમ માત્ર 119 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભાર્ગવે પ્રથમ દાવમાં પણ પાંચ વિકેટ લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. પીઠિયાની પહેલા દાવમાં ત્રણ વિકેટ હતી.

રાજકોટમાં સૌરાષ્ટ્રની ટીમે ત્રીજા જ દિવસે હરિયાણા સામે હાર ખમવી પડી હતી. સૌરાષ્ટ્રના બીજા દાવના 220 રન બનતાં હરિયાણાને 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે એણે 59.1 ઓવરમાં છ વિકેટના ભોગે મેળવી લીધો હતો. એમાં કૅપ્ટન અશોક મેનારિયાના 58 રન હાઇએસ્ટ હતા. સૌરાષ્ટ્રના લેફ્ટ-આર્મ સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાની ચાર વિકેટનો પર્ફોર્મન્સ એળે ગયો હતો. બીજા દાવમાં પાંચ વિકેટ લેનાર હરિયાણાના લેફ્ટ-આર્મ સ્પિનર નિશાંત સિંધુને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

અમદાવાદમાં કર્ણાટક સામે ગુજરાતની સ્થિતિ સારી નહોતી. બીજા દાવમાં ચિંતન ગજાની ટીમ 171 રનમાં સાત વિકેટ ગુમાવી બેઠી હોવાથી કર્ણાટકથી માત્ર 61 રન આગળ હતી અને આજે બીજો દાવ વહેલો પૂરો થઈ જશે તો કર્ણાટકને જીતવાની તક મળી શકશે.

મુંબઈના બીકેસીમાં અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈએ પ્રથમ દાવમાં 395 રન બનાવ્યા ત્યાર બાદ આંધ્રની ટીમે પ્રથમ દાવમાં 184 રન બનાવીને ફૉલો-ઑન થવું પડ્યું હતું અને રવિવારે બીજા દાવમાં 164 રનમાં પાંચ વિકેટ ગુમાવી ચૂકી હોવાથી એક દાવના પરાજયથી બચવા હજી એણે બીજા 47 રન બનાવવાના બાકી હતા. આજે મુંબઈને એક દાવથી અથવા મોટા માર્જિનથી જીતવાની તક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button