ED પર હુમલા અંગે પશ્ચિમ બંગાળ પોલીસે લીધું એક્શન, વધુ 2 લોકોની ધરપકડ
પશ્ચિમ બંગાળ: ઉત્તર 24 પરગણામાં દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર હુમલાની ઘટનામાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બશીરહાટ પોલીસની એક ટીમે અમુક આરોપીઓના લોકેશનની માહિતી મેળવ્યા બાદ દરોડા પાડ્યા હતા અને 2 લોકોને ઝડપી લીધા હતા. આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીની પણ માગ કરવામાં આવી છે.
શુક્રવારે એજન્સીની કેટલીક ટીમો કોલકાતા અને ઉત્તર 24 પરગણામાં અલગ અલગ જગ્યાએ તપાસ કરવા નીકળી હતી. તેમણે અનેક જગ્યાએ તપાસ હાથ ધરી હતી અને કાર્યવાહીમાં અનેક સામગ્રીઓ પણ જપ્ત કરી હતી. ED પશ્ચિમ બંગાળમાં નાગરિક સંસ્થાઓમાં ભરતી કૌભાંડ મામલે તપાસ અભિયાન ચલાવી રહી છે. આ તપાસમાં TMC સરકારના નેતાઓના ઘરમાં પણ દરોડા પાડી EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ED એક ટીમ રાજ્યના અગ્નિશમન સેવા પ્રધાન સુજીત બોઝ, ટીએમસીના પ્રવક્તા અને ધારાસભ્ય તાપસ રોય અને ઉત્તર દમદમ નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ સુબોધ ચક્રવર્તીના ઘરે દરોડા પાડી શોધખોળ હાથ ધરી હતી.
પશ્ચિમ બંગાળમાં ગત 5 જાન્યુઆરીએ ઉત્તર 24 પરગણામાં ટીએમસી નેતા શાહજહા શેખની ભરતી કૌભાંડમાં સંડોવણીની તપાસ માટે EDની ટીમ નીકળી હતી ત્યારે તેમના પર લોકોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં EDના અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા, તેમનો સામાન પણ છીનવી લેવામાં આવ્યો હતો. આ પછી કોર્ટમાંથી સુરક્ષાની પરવાનગી મેળવી EDની ટીમને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.