માલદીવ સરકારે ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચી લેવા કહ્યું, તણાવ વધવાની આશંકા
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર ફરી પોતાનો અસલી રંગ દેખાડ્યો છે. ચીનથી પરત ફરતાની સાથે જ મુઈઝુએ કહ્યું છે કે ભારતે 15 માર્ચ પહેલા માલદીવમાંથી પોતાની સેના હટાવી લેવી જોઈએ. અગાઉ, તેમણે કોઈનું પણ નામ લીધા વિના કહ્યું હતું કે અમારી પર દાદાગીરી કરવાનું લાયસન્સ અમે કોઇને આપ્યું નથી.
છેલ્લા ઘણા સમયથી માલદીવમાં ભારતીય સેનાની નાની ટુકડી તૈનાત છે. માલદીવની અગાઉની ભારત તરફી કુણુ વલણ રાખવાવાળી સરકારની વિનંતી પર ભારત સરકારે ત્યાં પોતાના સૈનિકો તૈનાત કર્યા હતા. ભારતીય સેનાની ટુકડીને માલદીવમાં દરિયાઈ સુરક્ષા અને આપત્તિ રાહત કામગીરીમાં મદદ કરવા માટે તૈનાત કરવામાં આવી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેમના દેશને આશા છે કે ભારત લોકોની લોકતાંત્રિક ઇચ્છાનું સન્માન કરશે.
મુઈઝુ ચીનની પાંચ દિવસની મુલાકાતેથી શનિવારે જ સ્વદેશ પરત ફર્યા હતા. માલદીવ પહોંચતાની સાથે જ તેમણે કહ્યું હતું કે અમારો દેશ નાનો હોવા છતાં કોઈની પાસે અમારી પર દાદાગીરી કરવાનું લાયસન્સ નથી. જો કે, મુઈઝુએ કોઈનું નામ લઈને સીધું આ નિવેદન આપ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનું નિશાન ભારત તરફ છે.
ચીન તરફી ગણાતા મુઈઝુએ તેમની પાંચ દિવસની ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત એવા સમયે થઈ જ્યારે માલદીવ સરકારના ત્રણ પ્રધાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે.
માલદીવમાં ભારતીય સૈનિકોને લઈને શું છે વિવાદ?
માલદીવ ભારત અને ચીન બંને માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ભારતીય સૈનિકો 2013થી અહીં લામુ અને અડ્ડુ ટાપુઓ પર તૈનાત છે. માલદીવમાં ભારતીય મરીન પણ તૈનાત છે. ભારતીય નેવીએ ત્યાં 10 કોસ્ટલ સર્વેલન્સ રડાર લગાવ્યા છે. જોકે, માલદીવની હાલની સરકાર ચીન તરફી વલણ ધરાવે છે. કાર્યભાર સંભાળ્યા પછી, મુઇઝુએ જાહેરાત કરી હતી કે તેમની પ્રાથમિક જવાબદારી હિંદ મહાસાગર દ્વીપસમૂહમાં વિદેશી લશ્કરી હાજરીને દૂર કરવાની છે. ગયા વર્ષે માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુએ ભારતને માલદીવમાંથી સૈનિકો હટાવવાની ઔપચારિક વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો દેશ સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે કોઈપણ ‘વિદેશી લશ્કરી હાજરી’થી મુક્ત છે તેની ખાતરી કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.
મુઇઝુની ચીનની આ પ્રથમ રાજ્ય મુલાકાત હતી. મુઈઝુની ચીન મુલાકાત વિવાદાસ્પદ હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે માલદીવના ત્રણ પ્રધાનોએ લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી આ મામલાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. જ્યારે આ મામલાએ વેગ પકડ્યો ત્યારે માલદીવ સરકારે ત્રણ આરોપી પ્રધાનોને સસ્પેન્ડ કરી દીધા. બાદમાં વિદેશ મંત્રાલયે ભારતમાં માલદીવના દૂતાવાસને બોલાવીને આ બાબતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ યથાવત છે.
માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ તેમના ચૂંટણી ઢંઢેરામાં લગભગ 75 ભારતીય સૈનિકોની નાની ટુકડીને હટાવવાનું વચન આપ્યું હતું. ભારત અને માલદીવે ભારતીય સૈનિકો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા માટે કોર ગ્રૂપની રચના કરી છે. મુઈઝુનું સ્લોગન હતું ‘ઈન્ડિયા આઉટ’. ભારત અને ચીન બંને માલદીવમાં પ્રભાવ સ્થાપિત કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે, તેવા સમયે તેમણે માલદીવની ‘ઈન્ડિયા ફર્સ્ટ પોલિસી’માં ફેરફાર કરવાની પણ વાત કરી હતી.
વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સરકારના ત્રણ પ્રધાનોએ પીએમ મોદીની મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ મામલે વિવાદ વધ્યા બાદ આ ત્રણેય પ્રધાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.