નેશનલ

IMD Weather Update: પટિયાલાથી પ્રયાગરાજ સુધી મોસમમાં પહેલી વાર પારો શૂન્યની નીચે

નવી દિલ્હીઃ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેર ચાલુ છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, અને પંજાબમાં આજે સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. ધુમ્મસને કારણે વાહન વ્યવહાર અને વિમાનોના ઉડ્ડયનોને પણ અસર થઇ છે. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી બર્ફીલા પવનો ફૂંકાઇ રહ્યા છે, જેને કારણે તાપમાન સતત ગગડતું જઇ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે દિલ્હીમાં યલો એલર્ટ જારી કર્યું છે. ગાઢ ધુમ્મસને કારણ ેદિલ્હી આવતી અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે.

રાજસ્થાનના ગંગાનગર, પંજાબના પટિયાલા અને ચંદીગઢ, હરિયાણાના અંબાલા, પાલમ અને સફદરજંગ દિલ્હી, યુપીના બરેલી, લખનૌ, બહરાઈચ, વારાણસી, પ્રયાગરાજ અને તેજપુર (આસામ)માં ઝીરો મીટર વિઝિબિલિટી નોંધવામાં આવી છે.


હવામાન વિભાગે દિલ્હીમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે. ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણને કારણે રાત્રિના સમયે પારો વધુ ગગડી શકે છે. શનિવારે સવારનું દિલ્હીનું તાપમાન આ સિઝનમાં સૌથી ઓછું નોંધાયું હતું, જે સામાન્ય કરતા ચાર ડિગ્રી ઓછું હતું. ત્યાર બાદ સાંજ પડતાં જ તાપમાનમાં ઘટાડો થયો હતો. શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 18.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે. લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું છે.


ઉત્તર પ્રદેશ, લખનૌ અને તેની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો ત્યાંની સવાર પણ ગાઢ ધુમ્મસથી થઇ હતી. કેટલીક જગ્યાએ વિઝિબિલીટી શુન્ય હતી. સમગ્ર રાજ્યમાં ઠંડીની લહેર ફરી વળી છે. કાનપુર, શાહજહાંપુર, મુઝફ્ફરનગર અને મેરઠ જેવા સ્થળો પર લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button