ઇન્દોર: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચ આજે રમાશે. આ મેચ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝમાં અજેય સરસાઈ મેળવવા મેદાનમાં ઉતરશે. ભારતે મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચ 6 વિકેટે જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ભરાતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ બીજી T20 મેચ માટે ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે. વિરાટ અંગત કારણોસર પ્રથમ T20 મેચ રમી શક્યો ન હતો. આજે વિરાટ 14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલ મેચ રમવા જઈ રહ્યો છે. તેણે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2022માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.
આ વર્ષે જૂન મહિનામાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની આ છેલ્લી T20 સિરીઝ છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સામેનું સારું પ્રદર્શન કરવું દરેક ખેલાડી માટે ઘણું મહત્વનું છે. જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ આ T20 શ્રેણીમાં સારું પ્રદર્શન કરીને સિલેક્ટર્સ નજરમાં રહેવાની કોશિશ કરશે.
આ મેચમાં તમામની નજર ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર રહેશે, તે T20 ફોર્મેટમાં રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. રોહિત આ ફોર્મેટમાં 150 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બનશે. રોહિતે અત્યાર સુધી 149 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. રોહિત પછી આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ આવે છે, જેણે 134 મેચ રમી છે. આ પછી આયર્લેન્ડનો જ્યોર્જ ડોકરેલ (128), પાકિસ્તાનનો શોએબ મલિક (124), ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ (122) છે. વિરાટ કોહલીનીએ 115 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
ભારતીય ટીમ અફઘાનિસ્તાનને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે કારણ કે તેની પાસે પણ ઘણા સારા ખેલાડીઓ છે. રહેમાનુલ્લા ગુરબાઝ, અઝમતુલ્લા ઉમરઝાઈ અને અનુભવી મોહમ્મદ નબી ધુંઆધાર બેટિંગ કરી શકે છે. બોલિંગ વિભાગમાં અફઘાનિસ્તાન પાસે મુજીબ ઉર રહેમાન જેવો સ્પિનર છે. જ્યારે નવીન ઉલ હક અને ફઝલહક ફારૂકી ફાસ્ટ બોલિંગ વિભાગમાં સારી ભૂમિકા ભજવી રહ્યા છે.
ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પિચ સપાટ છે, આઉટફિલ્ડ ફાસ્ટ છે અને બાઉન્ડ્રી પણ ટૂંકી છે, જેનો અર્થ છે કે આ મેદાન બેટ્સમેન માટે વધુ મદદરૂપ બની રહી છે. અહીં યોજાયેલી તમામ વ્હાઈટ બોલની મેચોમાં રનનો વરસાદ થયો છે. આજે પણ કંઈક આવું જ થવાની શકયતા છે. આ મેદાન પર T20 ઈન્ટરનેશનલમાં સર્વોચ્ચ સ્કોર 260 રન છે.
ભારતના સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ/શુભમન ગિલ, વિરાટ કોહલી, શિવમ દુબે, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ , અવેશ ખાન/મુકેશ કુમાર.
અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઈંગ-11: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝાઝાઈ/રહેમત શાહ, ઈબ્રાહીમ ઝદરાન (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જન્નત, ગુલબદ્દીન નાયબ, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, ફઝાલહક. .