મધ્ય પ્રદેશનું અદ્ભુત જંગલ: કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનચાલો કરીએ ડોકિયું ભારતના અદ્ભુત સાલનાં જંગલમાં!
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
કુદરતને સમર્પિત થઈને કુદરત જે આપે એ જ લઈએ એવી ભાવના કેળવીને વગડો ખૂંદવા નીકળી પડીએ તો મનને સ્પર્શે એવો અખૂટ આનંદ પામી જ શકીએ. કોઈ મોટી આશા, કલ્પના કે ગૂગલમાં દરિયામાં ખોજ કર્યા વિના માત્ર જે જોઈશું એ નવું અને આનંદદાયક જ હશે એવું ધારીને નીકળીએ તો નિસર્ગ કલ્પના બહારનો આનંદ દરેક જનોનાં ખોળામાં ધરી જ દે છે.
દુનિયાભરનાં કુલ વાઘોની સંખ્યામાંના ૮૦% ઉપરની સંખ્યા જેટલા વાઘ ભારત દેશ ધરાવે છે એમાં પણ મધ્ય પ્રદેશને તો વાઘની રાજધાની તરીકે જ ઓળખવામાં આવે છે. મધ્ય પ્રદેશનાં જંગલો જીવનનાં અવનવા પાઠ શીખવે તેટલા સમૃદ્ધ અને જીવંત છે. જંગલ એ એવી બુક છે જે વાંચો તો ગમતા વિષયો મળે જ.
જંગલથી સારો મિત્ર, માર્ગદર્શક કે પછી જીવનની રાહ ચીંધનાર ગુરુ બીજો કોઈ હોઈ જ ન શકે. રખડી જુઓ અલગારી માફક જંગલના રસ્તે, નિહાળી જુઓ ગેલ કરતા વાંદરાઓને, તાકી જુઓ પક્ષીઓના સામાજિક જીવનને, અનુભવી જુઓ હરણાંઓની નિર્દોષ મસ્તી અને સાવચેતીને અને પછી તમે જાતે જ અનુભવી શકશો કોઈ જ શાળા ન શીખવે એ બધું જ જંગલ શીખવે છે. હું જંગલમાં જતા પહેલા સાવ અધીરો અને અજ્ઞાની હતો પણ ધીરે ધીરે મને જંગલે અને અહીંના જીવોએ ઘડ્યો અને ગંભીર બનીને પાછો આવ્યો.
મધ્ય પ્રદેશમાં જબલપુરથી આશરે ચારેક કલાકનાં અંતરે આવેલ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનને હું ભારતનાં બધા જ જંગલ કરતા સુંદર જંગલ તરીકે ઓળખું છું. કાન્હા નેશનલ પાર્કનો ઉલ્લેખ અમૃતલાલ વેગડની નવલકથા “તીરે તીરે નર્મદા, ધ્રુવ ભટ્ટની નવલકથા “તત્ત્વમસિ અને એ સિવાય ઘણી બધી ચોપડીઓમાં વાંચ્યો ત્યારથી ઈચ્છા પ્રબળ હતી કે કાન્હા વનને જોવું અને માણવું. એમના શબ્દોમાં આ જંગલ વિષે લખાયું એ કરતા પણ વધુ સમૃદ્ધ જંગલને પામ્યો. કાન્હા વન સાથે પ્રાચીન કથા વાર્તાઓ અને પ્રસંગો પણ જોડાયેલા છે.
શ્રવણ અને દશરથ રાજાની વાર્તા પણ આ સ્થળ સાથે જ જોડાયેલી છે. સાતપુડા રેન્જમાં આવેલ આ જંગલ એક અલગ જ ખુબસુરતી ધરાવે છે, અહીં આવનાર દરેક મુલાકાતી પોતાની આંખો અને મનને પ્રકૃતિથી તરોતાજા કરીને જાય છે.
કાન્હા ઝોનથી શરૂઆત કરીને હું સીધો શ્રવણ તાલ ગયો. શ્રવણ તાલ રામાયણનાં રાજા દશરથ સાથે જોડાયેલું તળાવ છે. અહીં એક નર વાઘ પોતાનો ઇલાકો સંભાળીને રહે છે. કાન્હાની વિવિધ સફરમાં મારી મુલાકાત છોટા મુન્ના, સંગમ, નૈના, બજરંગ અને જુનિયર બજરંગ સાથે થઇ.
આ દરેક વાઘ અહીંનાં જાણીતા અને મુલાકાતીઓનાં માનીતા વાઘ છે. ગગનચુંબી સાલના વિશાળ જંગલમાં વાઘ સિવાય હું એક સાથે ત્રણ અલગ અલગ રીછને મળ્યો ત્યારે મને એના મોજીલા સ્વભાવનો ખરો પરિચય થયો. રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી એ કવિતાનાં શબ્દો માનસપટ પર તાજા થઇ ગયા.
પાણીનાં નાના પોઇન્ટ પાસે ભગવા રંગનાં હવામાં કરતબ કરતા દૂધરાજને ખૂબ જ નજીકથી મન ભરીને નિહાળ્યા. વાંદરાઓની તો વાત જ ન પૂછો. આખા જંગલનો ઠેકો જાણે એમણે જ લઇ રાખ્યો હોય એમ જ્યા જુઓ ત્યાં મળી જ જાય એ પણ અલગ અલગ મુદ્રાઓમાં. અહીંયા જોવા મળતા વાંદરાઓને હનુમાન લંગુર તરીકે ઓળખવામાં આવે છે.
મસ્તીખોર સ્વભાવ પણ સાવ સચેત રહીને વાઘ અને દીપડાઓ પર નજર રાખે જેથી હરણને જીવનાં ખતરા વિષે માહિતગાર કરી શકે. જંગલ એકમેકનાં સહકારથી જ જીવંત છે એવું આ પ્રાણીઓનાં રોજિંદા વર્તનને નિહાળીને સ્પષ્ટ પણે સમજી શકાય.
જંગલ દરેક મોડ પર અચંબામાં મૂકી દે એવી ઘટનાઓથી ભરેલું હોય છે. અહીં ઝાડ પર બેઠેલ કપિરાજ વાઘ કે દીપડા પર નજર રાખી રહ્યા છે જેથી એ જમીન પર રહેતા તેમના મિત્રો સાંભર અને ચિત્તલને ચેતવણી આપતી કોલ આપી શકે. તેઓ એકબીજાંને પરસ્પર આ રીતે મદદ કરીને કુદરતમાં જીવન ટકાવી રાખવા માટે સતત સંઘર્ષ કરતા જ રહે છે છતાં તેઓ કિલ્લોલ કરતા રહે છે. સામાન્ય રીતે વાંદરાઓ ઊંચાઈ પરથી દૂરનું જોઈ શકે છે અને સાંભર તથા ચિત્તલ પોતાની ઘ્રાણેન્દ્રિય થકી સૂંઘીને અંદાજ લગાવી શકે છે. તેઓ એકબીજાને ચેતવણી આપીને મિત્રતા નિભાવે છે… છે ને જંગલની વાર્તાઓ રસપ્રદ?
આ જંગલ કાન્હા, કિસલી, સરહી અને મુક્કી એમ ચાર ઝોનમાં વહેંચાયેલ છે. આ જંગલ શિયાળામાં તો એક અલગ જ અનુભૂતિ આપે છે. બધા જંગલમાં વાઘની આશા લઈને લોકો જતા હોય છે, પણ અહીં આવ્યા પછી વાઘ ના મળે તો પણ કોઈ નિરાશ થઈને જતું નથી. આ જંગલ જ એક અલગ પ્રકારના તરંગો મનમાં છોડી જાય છે. કાન્હાનું મુખ્ય આકર્ષણ સહુથી મોટી ઉંમરનો વાઘ મુન્ના હતો, પણ હવે કમનસીબે ઉંમરનાં કારણે મુન્નાને પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો હતો અને ત્યાં જ તેણે અંતિમ શ્ર્વાસ લીધા. મુન્નાને કાન્હાના બફર ઝોનમાં એક વખતે નદીના પટમાં જોયો હતો ત્યારે તે ઉંમરના લીધે જંગલ છોડી ચૂક્યો હતો અને ગામના પાલતુ પ્રાણીઓ પર નભતો હતો. એ પછી ઉંમરના કારણે શિકાર નહિ કરી શકવાના કારણે સુરક્ષા ખાતર એને ભોપાલ વનવિહાર પ્રાણીસંગ્રહાલયમાં મૂકવામાં આવ્યો હતો. કિસલી ઝોનમાં સંદૂકખોલ નામની વાઘણે મુન્નાનાં બચ્ચાઓને ઉછેરીને જંગલને ઠેર ઠેર ત્રાડથી ગજવી મૂકે એટલા સક્ષમ બનાવ્યા.
હું એટલું ચોક્કસ કહીશ કે જે લોકો જંગલ નથી જતા એ લોકો ડિઝનીલેન્ડ જઈને પણ જીવનમાં ઘણું ગુમાવે છે. હું જંગલ જાઉં એટલે મને વાઘ તો મળે જ છે એ સિવાય એવી વિરલ ઘટનાઓનો હું સાક્ષી બન્યો છું જે ભાગ્યે જ હું ભવિષ્યમાં પણ જોઈ શકીશ. જંગલથી મોટી કોઈ જ શાળા નથી, પ્રકૃતિથી મોટો કોઈ જ ગુરૂ નથી. જંગલના દરેક સજીવ તત્ત્વોને પ્રથમ વાર જોયા અને જાણ્યા પછી જાણે મને એવું જ લાગ્યું કે કોઈ વૃક્ષ પણ મારી સાથે બેસીને બે ઘડી વાતો કરે છે તો ક્યારેક કોઇક પક્ષી પોતાની કળા મને બતાવે છે. એ અલગ જ વિશ્ર્વના નિ:સ્વાર્થ જીવોની દુનિયામાં ગયા પછી હું હંમેશા કોલાહલમાં આવીને તેઓનો સાથ ઝંખું. તેઓ ખરેખર અચરજ પમાડે તેવા જ હોય છે. જંગલ આખું જ એક રહસ્ય છે. આવી ચર્ચાઓમાં મને ખુબ જ રસ પડે અને મને કોઈ કહે કે જંગલની વાર્તા માંડ તો તો હું ઝાલ્યો ન રહું. મને છેલ્લા ઘણા વર્ષોથી જંગલમાં અચરજ પમાડે તેવા અનુભવો થયા છે. આપના બાળકોને પ્રકૃતિ સાથે વાતો કરવાની પ્રેરણા આપો. ચોક્કસ એના પર કુદરતનો રહેમ આપોઆપ ઊતરી આવશે અને જીવનનાં શ્રેષ્ઠ પાઠ એ ખૂબ સરળતાથી શીખી શકશે. માત્ર બાળકો જ નહિ પણ ખરા આનંદને ઝંખતા દરેક જનોએ જંગલ છાશવારે જવું જ જોઈએ. કુદરતથી વિશેષ આ સૃષ્ટિમાં કશું જ નથી અને હોઈ જ ન શકે એવું હું દૃઢપણે કહી શકું.