નામ ભલે વાઈબ્રન્ટ ગુજરાત, ખરેખર તો વાઈબ્રન્ટ ભારત
ગુજરાતનો આર્થિક-સામાજિક નકશો કેવો બદલાવાનો છે અને વિકાસના નવા શિખર સર કરવાનો છે એ સમજવા માટે આ વખતની વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટના માત્ર સમાચારની ઝલક જોઈ જવી પણ કાફી છે. કરોડો-અબજો રૂપિયાના જંગી રોકાણ અને નવા પ્રોજેક્ટસ સાથે ગુજરાતની સાથે-સાથે ભારત પણ નવા સ્વરૂપે ઊભરશે.
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
ભારત “વિશ્ર્વમિત્ર તરીકે ઊભરી રહ્યું છે, વિશ્ર્વ ભારતને ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ એન્જિન, વિશ્ર્વસનીય મિત્ર અને સ્થિરતાનો આધાર માનવા લાગ્યું છે. આગામી અમુક જ વરસમાં ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે એવો આશાવાદ છે અને મારી ગેરન્ટી પણ છે… આ શબ્દો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના, જે તેમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉચ્ચાર્યા હતા.
વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દર વરસે સતત એક ઐતિહાસિક ઘટના બનીને ઊભરી છે. અગાઉ તેની મજાક-મસ્તી-કટાક્ષ કરનારા તેને બોલ બચ્ચન ગણાવતા કે ઈન્વેસ્ટમેન્ટના આંકડાઓની માયાજાળ ગણાવતા, એમઓયુ (સમજૂતી કરાર) ને માત્ર દાવાઓ ગણાવતા હતા. હાલ પણ આવા ઘણા હશે, જેમને વાઈબ્રન્ટ ગુજરાત હજી પણ એક ગ્રેટ શોમેનશિપ લાગતી હશે અને તેઓ હાલ પણ તેને ટીકાની નજરે અને વાતોના વડા તરીકે જોતા હોઈ શકે, કિંતુ સત્ય કોઈની પરવા કરતું નથી, સત્ય ખુલાસા કરતું નથી, સત્ય નજર સામે હોય છે અને ઘણીવાર પરિણામ પછીથી આપે છે. આ પરિણામ આ વરસે કંઈક નોખા અને ઊંચા સ્વરૂપે જોવાયું છે. ભારતીય ઈકોનોમી વિશ્ર્વની ફાસ્ટેસ્ટ ઈકોનોમી બની ગઈ છે ત્યારે ગુજરાત સહિત દેશમાં રોકાણનો પ્રવાહ ક્યાંથી, કોના દ્વારા, કેટલો અને કેવા સેક્ટર્સમાં આવવાનો છે તેની પતંગો આકાશમાં ઊડીને લહેરાઈ રહી છે. આ પતંગો હવામાં છે, પરંતુ હકીકત જમીન પર છે.
ક્યાં અને કયા જંગી રોકાણ આવશે?
વાઈબ્રન્ટ સમિટમાં ઈન્વેસ્ટમેન્ટની જે નક્કર સાહસિકો તરફથી જાહેરાત થઈ તેના પર નજર કરીએ અથવા માત્ર તેની ઝલક પણ જોઈએ તો ગુજરાત અને તેની સાથે દેશનો વિકાસ કેવો થશે તેનો અંદાજ સામાન્ય માનવી પણ લગાવી શકશે અને સમજી શકશે. દેશના ટોચના બિઝનેસ સાહસિક મુકેશ અંબાણીએ પોતાના વક્તવ્યમાં ગુજરાતી ભાષાને પણ માન આપ્યું એ આપણે સૌએ જોયું-સાંભળ્યું. આ વાતને કમસે કમ ગુજરાતીઓએ તો નાની કે સામાન્ય ગણવી જોઈએ નહીં. આની નોંધ તો વિશ્ર્વના ગુજરાતી અને બિન-ગુજરાતીઓ પણ લેશે. મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપે ગુજરાત ગ્રીન પ્રોજેક્ટસમાં જંગી રોકાણની જાહેરાત કરી છે, રિલાયન્સ ગ્રુપ આગામી દસ વરસમાં ગુજરાતમાં ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ કરવાનું છે. જેમાં હઝીરામાં દેશનું પ્રથમ કાર્બન ફાઈબર એકમ હશે તેમ જ જામનગરમાં ૫૦૦૦ એકરમાં ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્ષ આ વરસે તૈયાર થશે. બીજીબાજુ અદાણી ગ્રુપે આગામી પાંચ વરસમાં રૂ. બે લાખ કરોડના રોકાણની જાહેરાત કરતા કહ્યું છે કે તે કચ્છના રણમાં વિશ્ર્વનો સૌથી વિરાટ ગ્રીન એનર્જી પાર્ક ઊભો કરશે. તાતા ગ્રુપ ધોલેરામાં સેમિક્ધડક્ટર ફેબ માટે સજજ થયું છે, મારુતિ સુઝુકી બીજો ઉત્પાદન પ્લાન્ટ નાખીને રૂ. ૩૫૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરવા કટિબદ્ધ બની છે.વેલસ્પન ગ્રુપ ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિઆ ઈકોસિસ્ટમમાં રૂ.૪૦ હજાર કરોડનું રોકાણ કરશે, સેમિક્ધડક્ટર માટે જાણીતી સાઉથ કોરિયન કંપની સિમટેક માઈક્રોન સાથે મળી રોકાણ પ્લાન કરી રહી છે, આર્સેલર મિત્તલ ઈન્ડિયા હઝીરામાં આગામી પાંચેક વરસમાં વિશ્ર્વનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માગે છે, ડીપી વર્લ્ડ ગુજરાતમાં ક્ધટેઈનર ટર્મિનલ ઊભું કરશે. આવા તો નવા ઈન્વેસ્ટમેન્ટના અનેક નક્કર દાખલા એકથી પાંચ વરસમાં આકાર પામશે. આના સીધા-સરળ અર્થ કરીએ તો ગુજરાતમાં મોટાભાગના સેક્ટર્સમાં દરેક પ્રકારની ટેલેન્ટ માટે મોટેપાયે રોજગાર સર્જન થશે, નવી તકો ઊભી થતી જશે, નવા બિઝનેસ ડેવલપ થશે, આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને વ્યવહારો વધશે. ગિફટ સિટી આમ પણ ગ્લોબલ રોકાણ અલગ રીતે આકર્ષી રહ્યું છે. આ બધાને કારણે ગુજરાતનો પોતાનો જીડીપી કેવો વધશે એ સમજી શકાય છે. હા, બીજી એક નોંધવા જેવી વાત એ કે ગુજરાતમાં વિદેશીઓની અને સાહસિકોની અવરજવર વધવા સાથે હોટેલ-ટુરિઝમ ઉદ્યોગને સીધો લાભ થશે. આમાંથી એક તારણ અથવા નિરીક્ષણ એ પણ થઈ શકે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનું ઋણ અદા કરી રહ્યા છે. તેથી જ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બન્યું છે અને તેથી જ વાઈબ્રન્ટ ભારત પણ ગ્લોબલ બની રહ્યું છે.
સેમિક્ધડક્ટર માટે ગ્લોબલ હબ
મોદી ભારતને સેમિક્ધડક્ટર્સ માટે ગ્લોબલ હબ બનાવવાનું લક્ષ્ય રાખે છે, જેને ધ્યાનમાં રાખી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સરકારે દેશમાં ચિપ ફેબ્રિકેશન અને એસેમ્બલી પ્લાન્ટસ માટે ૧૦ અબજ ડૉલરની સબસિડી કાર્યક્રમની જાહેરાત કરી હતી. યુએસની અગ્રણી ચિપ ઉત્પાદક કંપની માઈક્રન આ માટે ગુજરાતના સાણંદ ખાતે ચિપ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપી રહી છે. આ તબક્કે માઈક્રન ભારતમાં રૂ. ૬૭૬૦ કરોડનું રોકાણ કરશે.
ત્રીજું વિરાટ અર્થતંત્ર
આ પ્રસંગે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ ભારતના અર્થતંત્ર વિશે ઊંચો આશાવાદ અને વિશ્ર્વાસ રજૂ કરીને ભારત ૨૦૪૭ સુધીમાં ૩૦ ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી થઈ જશે તેમ જ વિકસિત રાષ્ટ્ર બની જશે એમ કહ્યું તે નોંધવું રહ્યું. આ વિધાન હાલ ભલે દૂરનું અને ખૂબ લાંબું લાગતું, કિંતુ તે દિશામાં જવાની ભારતની યાત્રા સંગીન હશે, જેના લાભ પ્રજાને પણ ખરેખર મળતા જશે એવી આશા રાખીએ. આપણો દેશ વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી તો ૨૦૨૭-૨૮ સુધીમાં જ થઈ જશે એવું પણ તેમણે વિશ્ર્વાસપૂર્વક કહ્યું હતું. આ બધાં સંકેત હકીકત બનવા માટેના છે એ નોંધવું મહત્ત્વનું છે. આ દાયકો જ નહીં, આ સદી ભારતની બની રહેવાની છે એના આ બધા પુરાવા ગણી શકાય. ભારત વિકસિત
રાષ્ટ્ર બને અને વિશ્ર્વની ત્રીજા ક્રમની ઈકોનોમી બને એનો અર્થ સમજીએ તો આપણો દેશ પુન: એક એવી દિશામાં જઈ રહ્યો છે, જ્યાં એક સમયે હતી એ વાતો- ભારતમાં જહાં ડાલ-ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા યાદ આવી શકે, અલબત્ત, સદીઓ પહેલાં ભારત વિશ્ર્વમાં સમૃદ્ધ રાષ્ટ્ર હતું, જે ગરિમા પરત મેળવવાની યાત્રા શરૂ થઈ છે. આ વાતો યા ધારણાઓ ઘણા લોકોને હજી સપના યા વાયદા જેવી લાગી શકે, પરંતુ આ સપનાને સાકાર કરવા માટે માત્ર સરકાર એકલી જવાબદાર નહીં ગણાય, તેમાં પ્રજાએ પણ ફાળો આપવાનો રહેશે. વર્તમાન સરકાર પ્રજાને એક તખ્તો ઊભો કરીને આપવાના સધન પ્રયાસ કરી રહી છે ત્યારે દેશે મારી માટે શું કર્યું એના કરતા મેં દેશ માટે શું કર્યું એવું વિચારનારો મોટો વર્ગ જરૂરી બને છે. વાઈબ્રન્ટ ગુજરાત જ નહીં, વાઈબ્રન્ટ ભારત બનવું જોઈએ અને ભારતનો એકેક નાગરિક વાઈબ્રન્ટ બને તેમાં જ સફળતાની સાર્થકતાનું સ્તર ઊંચું જશે.
આ સમિટના પરિણામે એમ ચોક્કસ કહી શકાય કે હવે વાત માત્ર ગુજરાતની નથી, ભારતના વાઈબ્રેશનની પણ બની ગઈ છે. વિશ્ર્વ આખાની નજર ભારત પર છે.