ઉત્સવ

સાગરપેટા – કૂપમંડૂકો – તટસ્થો – તકવાદી નિરીક્ષકો

આજે આટલું જ -શોભિત દેસાઈ

(૧)
સાંપ્રત ભારતના સાગર જેવડી સીમાઓના પરમાત્માના આશીર્વાદથી પરિપ્લાવિત, મારી સીમિત સમજ પ્રમાણે શ્રેષ્ઠ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ રાશીદ ખાનસાહેબનાં જન્નતનશીન થવાને ‘મુંબઈ સમાચાર’ વતી વિનમ્ર વંદન. આજે ૧૦ જાન્યુઆરીએ એમના સુરમાં ખોવાયેલો હું તમારા માટે લખવા બેઠો છું, ખાસ તો રથિન કશ્યપ મહેતાએ મોકલેલી 24 News નામની ચેનલની ૨૦૧૬ની એક ક્લીપને મમળાવતો… મારી પોતાની એક ૧૭ વરસ જૂની ગઝલને આજે નવી, ચકચકિત કરી તમારી સમક્ષ મુકું સૌ પહેલાં; ઉસ્તાદ રાશીદ ખાન સાહેબની ખિદમતમાં… અર્થઘટન અને ઉસ્તાદ સાથેની ગઝલની સંલગ્નતા તમારા મન મુજબ કરવાના સ્વાતંત્ર્ય સાથે.
સૂરજ એવા સૂરજને પી જવાની પ્યાસ છે સાગર
રમે છે મન મૂકીને, ચાંદનીનો રાસ છે સાગર
અહીંથી વાદળાં બંધાઈને વરસે છે ધરતી પર
નદીનું ભાવિ સાગર છે અને ઈતિહાસ છે સાગર
જો હોત એ મુક્ત તો આરામથી પહોંચત ક્ષિતિજ સુધી
બધા કાંઠાની રેતીઓનો કારાવાસ છે સાગર
દરેક રહેવાસી સારી રીતે જાણે છે જ સૌ શરતો
છે મોજાની સીમા તટ, એમનો આવાસ છે સાગર
મિજાજી, અપ્તરંગી, રાજવીનો રાજવી છે પણ
કરે હિમ્મત કોઈ ખેડુ તો એનો દાસ છે સાગર
નથી ઔકાત પણ કેવી અલૌકિક આ અનુભૂતિ
છે ગાગર આવડી અમથી ને એનો પ્રાસ છે સાગર
આવા સાગરપેટા સુરસમ્રાટ ઉસ્તાદ રાશીદ ખાન સાહેબના કંઠથી નીકળી શાશ્ર્વતિમાં ઓતપ્રોત થઈ ગયેલી ભાતીગળ સ્વરલીપીના કાયમના ઉપાસક આપણે રહી શકીએને, તોયે ઘણું. પણ આજે અને હવે પછીના કેટલાક રવિવાર સુધી તમારી સાથે વાત છેડવી છે રાશીદ ખાન સાહેબે ખૂબ પ્રચલિત કરેલી ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં સાહેબની ઠુમરી ‘યાદ પિયાકી આયે’ની, રાશીદ ખાન સાહેબ સાથે જ આ ઠુમરીને એવી જ પ્રવીણતાથી રજૂ કરતાં પાકિસ્તાનના એક ઓટો રિક્શા ચલાવનારની, 24 News નામની પાકિસ્તાનની સાનંદાશ્ર્ચર્યજનક તટસ્થતા અને સ્પષ્ટવક્તાપણું ધરાવતી એક ખરેખર ખાનદાન News Channel ની, પાકિસ્તાનની દરેક પ્રકારની ગૂંગળામણ માટે જવાબદાર ૧૫% પાકિસ્તાન સામે બાકીની આમજનતા દ્વારા મુકાતી આક્રોશજન્ય આલબેલની.. ન્યૂઝ ચેનલ પર ફક્ત રાડારાડી કરીને, માત્ર રાજકીય મુદ્દાઓની વારંવાર રજૂઆત કરીને, ભાગ લેનારના સૌ અવાજો ઉપર સતત બદવર્ચસ્વ જમાવવાની ‘રસમ’ અજમાવવા બદલ ટેલિવિઝનના માધ્યમનો સદંતર દૂરુપયોગ થઈ રહ્યો હોવાથી ઘટતાં જતાં News Mediaના વર્ચસ્વની અને આ બધાં કારણોથી જ વધુ ને વધુ મુખ્ય પ્રવાહ બનતા જતાSocial Media ના Platformઅને એના ભયસ્થાનો વિષેની પણ ઘણી વાતો કરીશું. ઉસ્તાદના નિધનથી અને મને મળેલી ૨૦૧૬ની વીડિયો ક્લીપથી મારી તો કુંડલિની જાગૃતિ થઈ ગઈ છે. ખરાબ સમય વિષે માત્ર બળાપો વ્યક્ત કરવા કરતાં, આપણો સ્વભાવ જરાક તસ્દી લે અને શોધે તો સારો સમય અથવા સારા સમયનો સંકેત ત્યાં જ છુપાયો છે- ખરાબ સમયમાં. તસ્દી તો લઈએ?! મહિનાની ૧૨-૧૫ રાતો દરમ્યાન તારલાઓ ત્યાંથી જ ચમક લઈ આવે છે, આભને જ્યાંથી અંધારું મળે છે. આવતા ૫-૬ રવિવાર દરમ્યાન તમારે મારા જાગૃત સાથીઓ! તમારે માત્ર એક જ કામ કરવાનું છે: હોંકારો દેવાનું… મારી સાથે રહેવાનું છે સતત, મારા સહારા બનીને… શબ્દોને તમારી આંખોનો પ્રાણવાયુ પૂરો પાડીને…
આજે આટલું જ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button