ઉત્સવ

મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરનો તાજો ચુકાદો : શિંદેને સત્તા.. ઉદ્ધવને સહાનુભૂતિ?

સ્પીકરના ચુકાદા પછી લોકોની સહાનુભૂતિ ઉદ્ધવ તરફ વધી છે એવું કહેવાય છે,પરંતુ ખરેખર આવી સહાનુભૂતિની ખરી કસોટી તો માથે તોળાઈ રહેલી વિધાનસભાનાં ચૂંટણી પરિણામો વખતે થશે…

કવર સ્ટોરી -વિજય વ્યાસ

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિતના ૧૬ ધારાસભ્યને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની અરજી ફગાવી દેવામાં આવી છે તેથી ભાજપ-શિવસેના સરકારના માથેથી મોટી ઘાત ટળી ગઈ.
આમ તો આ નિર્ણય અપેક્ષિત જ હતો કેમ કે એકનાથ શિંદે માટે ‘ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં’ જેવો ઘાટ હતો તેથી નાળિયેર પોતાના ઘર ભણી ફેંકાશે એ બહુ પહેલાંથી નક્કી હતું.

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર ભાજપના છે ને ભાજપ એકનાથ શિંદેની સરકારમાં ભાગીદાર છે. માથે લોકસભાની ચૂંટણી છે ને તેના છ મહિના પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે. આ સંજોગોમાં રાહુલ નાર્વેકર ભાજપ – શિવસેનાની સરકારના મુખ્યમંત્રીની વિરૂદ્ધ ચુકાદો આપે એવી કોઈને જરાય આશા જ નહોતી.

જો કે,રાહુલ નાર્વેકરે પક્ષપાતી અને બંધારણથી વિરૂદ્ધ નિર્ણય લીધો છે એવો આક્ષેપ શિવસેનાએ કર્યો છે ,પણ આપણાથી આવું ના કહી શકાય, કેમ કે એ નક્કી કરવાનું કામ દેશની સુપ્રીમ કોર્ટનું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના સ્પીકરના નિર્ણય સામે કોર્ટમાં જવાની જ છે ને એ વખતે સુપ્રીમ કોર્ટ શું કહે છે એ જોવું જોઈએ,પણ અત્યારે તો શિંદે જૂથ જીતી ગયું છે. નાર્વેકર મહેરબાન તો શિંદે પહેલવાન જેવો ઘાટ થઈ ગયો છે.

સ્પીકર રાહુલ નાર્વેકરે પક્ષપાતી વલણ દાખવ્યું છે એવું સ્પષ્ટ રીતે ના કહી શકાય તેનું બીજું કારણ ચૂંટણી પંચે લીધેલો નિર્ણય પણ છે. શિવસેના કોની એ મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે થયેલા ઘમાસાણ જંગમાં ચૂંટણી પંચે શિવસેના શિંદેની હોવાનો ચુકાદ આપેલો. શિવસેનાનું ચૂંટણી ચિહ્ન પણ શિંદેને આપ્યું છે તેથી સ્પીકરે પણ તેને જ આધાર બનાવીને શિંદે સહિતના શિવસેનાના ૧૬ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કરીને ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી ફગાવી દીધી.

એકનાથ શિંદે પાસે શિવસેનાના ૫૫માંથી ૩૭ ધારાસભ્ય હોવાથી એમની આગેવાની હેઠળનું જૂથ અસલી શિવસેના છે તેથી એમને પક્ષપલટાનો નિયમ લાગુ ના પડે એવો નિર્ણય સ્પીકરે જાહેર કર્યો.
અહીં મજાની વાત પાછી એ છે કે ઉદ્ધવ ઠાકરે શિંદે સહિતના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા નીકળેલા, પણ હવે એમના જ ધારાસભ્યો ગેરલાયક ઠરે એવી હાલત થઈ ગઈ છે કેમ કે સ્પીકરે બધા ધારાસભ્યો શિવસેનાના છે ને શિવસેના શિંદેની છે એવું કહ્યું છે. ઉદ્ધવ સાથે બાકી રહી ગયેલા ૧૪ ધારાસભ્યોને શિંદે જૂથના ધારાસભ્યો સાથે બેસવા પણ અલ્ટિમેટમ આપ્યું છે એ જોતાં ઉદ્ધવ તો સાવ શૂન્ય પર આવી જાય એવી કટોકટી સર્જાઈ ગઈ છે.

સ્પીકરના નિર્ણયથી મહારાષ્ટ્રની કટોકટી હાલ પૂરતી ટળી ગઈ ,પણ મહત્ત્વનો મુદ્દો તેની અસરનો છે. એમાં પણ ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ઉદભવે ત્યારે શું થાય અને આ નિર્ણયની રાજકીય અસર શું થાય એ બે જ મુદ્દા છે.

એકનાથ શિંદે જૂથ જેવી જ સ્થિતિ કાકા શરદ પવારને રઝળતા મૂકીને ભાજપની પંગતમાં બેસી ગયેલા અજિત પવારની છે. અજિત પવારે પણ એકનાથ શિંદેની સ્ટાઈલમાં બળવો કરીને એનસીપીમાં ભંગાણ પાડ્યું ને ૫૩માંથી ૪૦ ધારાસભ્યો સાથે ભાજપની સરકારમાં જોડાઈ ગયા.

બંધારણીય જોગવાઈ પ્રમાણે કોઈ પણ પક્ષના કુલ ધારાસભ્યોમાંથી બે તૃતીયાંશ કે તેનાથી વધારે ધારાસભ્યો ભંગાણ સર્જે તો પક્ષપલટા વિરોધી કાયદો લાગુ ના પડે. અજિત પવારે ભંગાણ પાડ્યું ત્યારે એમની પાસે ૩૫ ધારાસભ્ય હતા, પણ કાયદા પ્રમાણે ૩૬ ધારાસભ્ય જોઈએ તેથી એમને પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડે એવી શરદ પવાર જૂથની દલીલ છે. શરદ પવાર જૂથે પોતાની ‘એનસીપી’ અસલી હોવાનો દાવો કરીને ચૂંટણી પંચમાં પણ અરજી કરેલી છે.

આમ જુઓ તો અજિત પવાર અને એકનાથ શિંદેનો કેસ સરખો લાગે પણ વાસ્તવમાં સરખો નથી. શિવસેનાના કેસમાં ૨૦૧૮માં નવા બનાવાયેલા બંધારણની જાણ ચૂંટણી પંચને કરવામાં નહોતી આવી તેથી પંચે ૧૯૯૮ના બંધારણને આધાર માનીને ચુકાદો આપેલો. ‘એનસીપી’ ના કેસમાં પવાર પાકા ખેલાડી સાબિત થયા છે, કેમ કે એમણે ‘એનસીપી’ ના બંધારણમાં સમયાંતરે કરાયેલા ફેરફારોની જાણ ચૂંટણી પંચને કરી છે.

આ સંજોગોમાં ચૂંટણી પંચે શિવસેના શિંદેની એવો ચુકાદો આપ્યો એ રીતે ‘એનસીપી’ અજિત પવારની છે એવો ચુકાદો કદાચ ના આપી શકે. તેના કારણે સ્પીકર રાહુલ નાર્વેકરે પણ જુદું વલણ લેવું પડે એવું બને અથવા અત્યાર સુધીના સ્પીકરોના ઈતિહાસ પ્રમાણે સાવ બેશરમ બનીને શિંદેની જેમ અજિત પવારને પણ ‘એનસીપી’ના કર્તાહર્તા ગણાવીને બચાવી લેવા પડે. પછી કોર્ટમાં જે થવું હોય એ થાય, પણ હાલ પૂરતા તો અજિત પવાર અને એમના સાથીઓ બચી જાય. રાહુલ નાર્વેકર ભાજપના માણસ છે તેથી ભાજપને અજિત પવારની કેટલી ગરજ છે તેના આધારે અજિતના કેસમાં શું કરવું એ નક્કી થાય.

બીજી તરફ, નાર્વેકરના નિર્ણયની બીજાં રાજ્યોમાં અસર થવાની શક્યતા ઝીરો પર્સેન્ટ છે. ભારતમાં રાજ્યપાલ અને ધારાસભાના સ્પીકર પક્ષાપક્ષીથી પર ગણાય છે. એક વાર રાજ્યપાલ બનો કે ધારાસભાના સ્પીકર બનો એટલે તમારે પોતાના
પક્ષને ભૂલીને બંધારણ પ્રમાણે વર્તવું જોઈએ એ આદર્શ સ્થિતિ છે, પણ અત્યાર લગી આઝાદ ભારતમાં કોઈ રાજકારણી એવો તટસ્થ પાક્યો જ નથી કે જે બંધારણને વફાદાર રહીને પોતાના પક્ષની વિરૂદ્ધ ચુકાદો આપી સત્યની પડખે રહે. વાસ્તવમાં રાજ્યપાલ ને સ્પીકર બંને જ આ દેશમાં બંધારણની સૌથી વધારે ઐસીતૈસી કરે છે ને હળાહળ પક્ષપાતી વલણ દાખવીને નિર્ણયો લે છે તેથી નાર્વેકરને અનુસરીને બીજા સ્પીકર નિર્ણય લે એવી આશા રાખવા જેવી નથી.

નાર્વેકરના તાજા નિર્ણયની બીજી અસર રાજકીય છે. ઉદ્ધવ વિધાનસભાના ફ્લોર પર જંગ હારી ગયા છે, પણ સુપ્રીમ કોર્ટ ને જનતાની અદાલતમાં ચુકાદો બાકી છે. સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે એ ખબર નથી, પણ જનતાની અદાલતમાં બહુ જલદી ચુકાદો આવશે. આ વરસના એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી છે ને એ પછી વિધાનસભાની ચૂંટણી છે. એકનાથ શિંદે આણિ મંડળીએ ગદ્દારી કરી છે એવું ઉદ્ધવ આણિ મંડળી કહ્યા કરે છે. આ વાત લોકોને ગળે ઊતરી છે કે નહીં તેની કસોટી વિધાનસભાની ચૂંટણીમાં થશે ને લોકો શું માને છે તેની પણ ખબર પડી જશે.

એકનાથ શિંદે આણિ મંડળીએ સત્તાને ખાતર બગાવત કરી તેમાં બેમત નથી. તેના કારણે લોકોની સહાનુભૂતિ ઉદ્ધવ તરફ હોવાનો મત વ્યક્ત કરાય છે. ખરેખર લોકોને ઉદ્ધવ તરફ સહાનુભૂતિ છે કે નહીં તેની કસોટી પણ એક વરસ કરતાં ઓછા સમયમાં થઈ જ જશે.

શિંદે આણિ મંડળીનું કહેવું છે કે, ઉદ્ધવે કૉંગ્રેસ સાથે હાથ મિલાવીને બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વના સિદ્ધાંતોને અભરાઈ પર ચડાવી દીધા તેથી અમારે બળવો કરવો પડ્યો. આ દલીલ પણ સાવ દમ વિનાની નથી, પણ મુખ્ય મુદ્દો લોકોને ગળે કઈ દલીલ ઊતરે છે તેનો છે.

ભાજપે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકારને તોડી છતાં તેની ફરી સરકાર આવી, જ્યારે કર્ણાટકમાં લોકોએ તેને નકારી કાઢ્યો. મહારાષ્ટ્રની પ્રજા શું કરશે એ ખબર નથી.
લેટ્સ વેઈટ એન્ડ વોચ….


આશરે ૯૧૫ શબ્દ.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker