પ. બંગાળના પુરુલિયામાં પાલઘર પાર્ટ-ટૂ
સાધુઓને નિર્વ કરી ઢોરમાર મરાયો: ૧૨ની ધરપકડ
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના પુરુલિયામાં મહારાષ્ટ્રના પાલઘર જેવો જ બનાવ નોંધાયો હતો. ત્રણ વર્ષ અગાઉ પાલઘરમાં આ જ રીતે સાધુઓ પર હુમલો કરી તેમને મારી નાખવામાં આવ્યા હતા.
શનિવારે મહારાષ્ટ્ર સરકારે મૃત સાધુઓના પરિવારજનોને રૂ. પાંચ લાખ આપવાની જાહેરાત કરી છે ત્યારે જ પ. બંગાળમાં આ બનાવ નોંધાયો છે.
સાધુના વેશમાં અપહરણકર્તાઓ હોવાની શંકાએ ટોળાં દ્વારા સાધુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ટોળાને પોલીસોએ પણ સાથ આપ્યો હતો અને સાધુઓને નિર્વ કરીને ઢોરમાર મારવામાં આવ્યો હતો તે વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયો બહાર આવ્યા પછી રાજકીય વિવાદ સર્જાયો છે અને વિપક્ષ ભાજપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ દરમિયાન ટીએમસીએ ભાજપ પર ઘટનાને સાંપ્રદાયિક વળાંક આપવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે, પશ્ર્ચિમ બંગાળમાં “તુષ્ટીકરણની રાજનીતિ પર ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કંઈ કરી રહી નથી. તૃષ્ટિકરણની રાજનીતિ પશ્ર્ચિમ બંગાળને ક્યાં લઈ જઈ રહી છે? આ હિન્દુ વિરોધી
વિચાર પ્રક્રિયા શા માટે બનાવવામાં આવી રહી છે?
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મમતા બેનર્જીના શાસનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.
વીડિયોમાં, ગંગાસાગર મેળામાં જઈ રહેલા સાધુઓને કાશીપુરમાં લોકોના જૂથ દ્વારા મારઝૂડ કરતા જોઈ શકાય છે.
પુરુલિયા પોલીસે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ઘટના ગેરસમજને કારણે બની હતી.
હકીકતો ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે આ સંદર્ભમાં ચોક્કસ કેસના આધારે બાર જણની ધરપકડ કરવામાં આવી છે.