આમચી મુંબઈ

‘ક્લીન મુંબઈ ’ માટે ફરી ક્લિન અપ માર્શલ રસ્તા પર

ડિજીટલી દંડ વસૂલાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા અનેક વર્ષથી દેશવ્યાપી સ્વચ્છ સર્વેક્ષણમાં મુંબઈ સતત ઉતરતા ક્રમમાં રહ્યું છે. ‘ડીપ ક્લીન’ જેવી ઝુંબેશની પણ જોઈએ તેવી અસર વર્તાતી નથી ત્યારે હવે મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડ મહામારી દરમિયાન ગંદકી ફેેલાવનારા સામે દંડાત્મક કાર્યવાહી કરનારા ક્લીન અપ માર્શલને ફરી એક મુંબઈને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થવા માટે તહેનાત કરવાની છે. અત્યાર સુધી પાવતી આપીને દંડ વસૂલ કરનારા ક્લીનઅપ માર્શલ હવે ઓનલાઈન દંડ વસૂલ કરવાના છે. આવતા મહિનાથી મુંબઈના રસ્તા પર ક્લીનઅપ માર્શલ જોવા મળે એવી શક્યતા છે. રસ્તા પર થુંકવું, ખુલ્લામાં કચરો ફેંકવો અથવા ગંદકી ફેલાવનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે પાલિકાએ ક્લીનઅપ માર્શલની નિમણૂક કરી હતી. પરંતુ કોવિડ મહામારી દરમિયાન ખોટી રીતે નાગરિકોને કનડગત કરીને પૈસા ખાધા હોવાના આરોપ તેમના પર થયા હતા. તેથી પાલિકાએ ક્લીનઅપ માર્શલ પૂરા પાડનારી સંસ્થા સાથેના કૉન્ટ્રેક્ટ પૂરા કરીને યોજનાનો વીટો વાળી દીધો હતો. જોકે હવે પાલિકાએ મુંબઈ સુશોભીકરણ પ્રોજેક્ટ અંતર્ગત આખી મુંબઈને સ્વચ્છ બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે. તેમ જ વાતાવરણમાં વધતા પ્રદૂષણ માટે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવા માટે ક્લીનઅપ માર્શલ આવશ્યકતા પાલિકાને જણાઈ રહી છે.

પાલિકા તેથી મુંબઈને અસ્વચ્છ કરનારાઓને પાઠ ભણાવવા માટે તેમની પાસેથી દંડ વસૂલ કરવા ક્લીનઅપ માર્શલ્સ નીમવાનો નિર્ણય લીધો છે. તે માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા. હવે પાલિકા આગામી દસથી પંદર દિવસમાં સંસ્થા પાસેથી નીમવામાં આવનારા દરેક માર્શલ્સના કેરેકટર સર્ટિફિકેટની તપાસ કરવાની છે. ત્યારબાદ તેમને ક્લીનઅપ માર્શલ્સ તરીકે નીમવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button