ડોંબિવલીમાં અંડર ક્ધસ્ટ્રક્શન બિલ્ડિંગમાં ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: ડોંબિવલી (પૂર્વ)માં પલાવા ફેઝ-બે, ખોણીમાં ૧૮ માળની એક અંડર ક્ધસ્ટ્રક્શન બિલ્ડિંગના ડક્ટમાં શનિવારે બપોરના અચાનક આગ ફાટી નીકળી હતી. ક્ષણભરમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં બિલ્ડિંગના પાંચમા માળથી ટેરેસ સુધીના માળા બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે આગમાં કોઈના જાનહાનિ કે જખમી થયા નહોતા.
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ પલાવા ફેઝ-બેમાં ટાટા ઓરોલિયા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેલા ડક્ટમાં શનિવારે બપોરના ૧.૨૩ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. પવનને કારણે આગ ઝડપથી ફેલાઈને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડ પાસે રહેલા વાહનોની મદદથી માત્ર સાતથી આઠ માળા સુધીની જ આગ બુઝાવી શકાઈ હતી. બાદમાં પર્યાયી યંત્રણાનો ઉપયોગ કરીને ઉપરના માળા સુધી ફેલાયેલી આગને નિયંત્રણમાં લાવવામાં આવી હતી. લગભગ એક કલાકની જહેમત બાદ આગ નિયંત્રણમાં આવી હતી.
પલાવામાં મોટી સંખ્યામાં હાઈરાઈઝ ઈમારતો ઊભી થઈ ગઈ છે, તેની સામે ફાયરબ્રિગેડ પાસે અત્યાધુનિક સાધનો અને ઊંચી ઈમારતોમાં લાગેલી આગ બુઝાવવાની યંત્રણાનો અભાવ હોવાની નારાજગી અનેક વખત સ્થાનિક નાગરિકો વ્યક્ત કરી ચૂક્યા છે.