અમેરિકા-બ્રિટને યમન પર હવાઈ હુમલા કરતાં સોનામાં સલામતી માટેની માગે ઉછાળો
કોમોડિટી -રમેશ ગોહિલ
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આગામી માર્ચ મહિનાથી કાપ મૂકે તેવી શક્યતા ધૂંધળી બનતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહેતાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. જોકે, ગત ગુરુવારે રાતા સમુદ્રમાં ઈરાન સમર્થિત હુતી દળો દ્વારા જહાજો પર થઈ રહેલા હુમલાઓનાં પ્રતિસાદમાં અમેરિકા અને બ્રિટને સમગ્ર યમન પર હવાઈ હુમલાઓ શરૂ કરતાં ઈરાને હુમલાની આકરી ટીકા કરવાની સાથે મધ્ય પૂર્વમાં અસુરક્ષા અને અસ્થિરતા સર્જાવાની ચેતવણી ઉચ્ચારતા સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ ખૂલી હતી અને ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. વધુમાં ગત શુક્રવારે અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં અનપેક્ષિતપણે ઘટાડો જોવા મળ્યો હોવાથી પુન: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં માર્ચ મહિનાથી કાપ મૂકેે તેવી શક્યતા પ્રબળ બનતાં સોનાની તેજીને ઈંધણ મળ્યું હતું. ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે એક ટકા વધીને ઔંસદીઠ ૨૦૪૮.૨૧ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૧.૬ ટકા વધીને ૨૦૫૩.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સ્થાનિક ઝવેરી બજારમાં વિતેલા સપ્તાહ દરમિયાન પાંચ સત્ર પૈકી ચાર સત્રમાં વૈશ્ર્વિક બજારને અનુસરતા નરમાઈનું વલણ રહ્યા બાદ સપ્તાહના અંતે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, ગત સપ્તાહમાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૨૧ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વિશ્ર્વ બજારથી વિપરીત ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫નો સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત પાંચમી જાન્યુઆરીના ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૫૪૦ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૬૨,૧૯૨ અને ઉપરમાં સપ્તાહના અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૨૫ના ઘટાડા સાથે રૂ. ૬૨,૫૧૫ની ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. એકંદરે સપ્તાહ દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર જ પ્રવર્તી રહ્યા હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ પાંખી રહી હોવાનું બજારનાં સાધનોએ જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે સંક્રાંત પૂર્વે કમુહૂર્તાનો સમયગાળો હોવાથી રિટેલ સ્તરેથી લગ્નસરાની પણ માગનો અભાવ રહ્યો હતો.
તાજેતરમાં હુતી દળોના હુમલાઓને કારણે રાતા સમુદ્રમાંથી માલની હેરફેર અટકવાને કારણે વૈશ્ર્વિક સ્તરે ફુગાવામાં વધારાની ભીતિ સપાટી પર આવવાની સાથે અમેરિકા અને બ્રિટને યમન પર હવાઈ હુમલાઓ પણ કર્યા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ ઉછાળો આવવાથી ફુગાવામાં વધારો થવાની ભીતિ સપાટી પર આવી છે. એકંદરે ગત ગુરુવારે જાહેર થયેલા અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં થોડો વધુ વધારો જોવા મળ્યો હતો. આથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકે તેવી શક્યતા ધૂંધળી બની હતી. પરંતુ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર હજુ વેપારી વર્તુળો આગામી માર્ચ મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૭૦ ટકા શક્યતા દર્શાવાઈ રહી છે. જોકે, અમેરિકી ફેડરલનાં ઘણાં અધિકારીઓએ પણ માર્ચ મહિનામાં વ્યાજદરમાં કપાતની શક્યતા ધૂંધળી દર્શાવી રહ્યા હોવાથી ટ્રેડરોની વહેલાસર કપાતની ધારણા અયોગ્ય હોવાનું ઈન્વેસ્ટિંગ ડૉટ કૉમના એક વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે ફેડરલ વ્યાજદરમાં કપાત ઈચ્છે છે, પરંતુ તેનો નિર્ણય લેવામાં ફુગાવાને નજરઅંદાજ નહીં કરે. ગત સપ્તાહના અંતે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધે તેવી ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગને ટેકે વૈશ્ર્વિક ભાવમાં સુધારો આવ્યો હતો. તેમ છતાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં વહેલી તકે ઘટાડા માટેની અપેક્ષાઓ ઓછી થવાને કારણે સોનાના ભાવમાં સતત બીજા સપ્તાહે સાપ્તાહિક ધોરણે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહ અમેરિકામાં ડિસેમ્બરના ગ્રાહક ભાવાંકમાં વર્ષાનુવર્ષ ધોરણે ૩.૪ ટકાની અને માસિક ધોરણે ૦.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી જે અનુક્રમે ૩.૨ ટકા અને ૦.૨ ટકાની અગાઉની આગાહીને વટાવી જાય છે. વધુમાં ક્લેવલેન્ડ ફેડના પ્રમુખ લોરેટા મેસ્ટરે જણાવ્યું હતું કે ફુગાવાના ડેટા વ્યાજદરમાં કપાત અંગે વિચારવાનું વહેલાસરનું હોવાનો નિર્દેશ આપે છે. તે જ પ્રમાણે રિચમૉન્ડ ફેડના પ્રમુખ થોમસ બાર્કીને જણાવ્યું હતું કે ફુગાવાના ડેટા વ્યાજદરમાં કાપની સ્પષ્ટતા માટે પર્યાપ્ત નથી. તાજેતરમાં મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ વધતાં સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આમ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૯૦થી ૨૦૬૦ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી ધારણા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧,૦૦૦થી ૬૨,૯૦૦ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.