વેપાર

ટકી રહેવું તે જ સૌથી મોટી સિદ્ધિ છે?

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

જિંદગી ક્યારેય સીધી લીટી જેવી હોતી નથી પણ હંમેશાં ઝીગઝાગ અથવા કાર્ડિયોગ્રામ જેવી હોય છે. ઉપર અને નીચે થયા કરે છે કયારેક ચડતી પડતીની દિશા સરખી હોય છે પણ ક્યારેક તેમાં બહુ મોટો ડીપ પણ આવી જાય છે. કેટલાક બદનશીબીઓએ આ અનુભવ ૧૯૪૭ના ભાગલામાં અનુભવ્યો હશે. જયારે એક સેટલ્ડ લાઇફ છોડીને રાતોરાત બીજા દેશમાં પનારો લેવાનો વારો આવેલો અને કંઇક અંશે આનાથી પણ ખરાબ અનુભવ પ્રથમ અને દ્વિતીય વિશ્ર્વ યુદ્ધમાં ભાગ લેનારા સૈનિકોએ અનુભવેલો હતો. પ્રથમ અને દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં બનેલી કેટલીક ઘટનાઓની લેખોની શૃંખલામાં આ અંતિમ લેખમાં આપણે મોત સામે લડીને મોતને માત આપનારા અસંખ્ય યુદ્ધવિરોમાંથી કેટલાકની વાત કરશું જે ઘણું બધું શીખવી જાય છે.

સબુરો સકાઇ: ઇમ્પિરિયલ જાપાનીઝ નેવીનો મેમ્બર અને એક કુશળ ફલાઇંગ પાઇલોટ સબુરો સકાઇ જયારે ૧૯૪૨માં ફાઇટર પ્લેન ઉડાવી રહ્યો હતો ત્યારે તેનું પ્લેન દુશ્મનના બૉમ્બનો શિકાર થઇ ગયો અને ગોળીઓના વરસાદમાં એક ગોળી તેને લાગતા ચાલતા પ્લેને તેણે તેની જમણી આંખ ગુમાવી દીધી તેટલું જ નહીં પણ તેના શરીરનો ડાબો ભાગ ખોટો થઇ ગયો હતો. શરીર સાથ છોડવા મંડયું હતું. પણ હિંમત અને આત્મવિશ્ર્વાસ નહીં તે કોઇપણ સંજોગોમાં તે કોઇપણ રીતે સફળ લેન્ડિંગ કરશે અને આત્મવિશ્ર્વાસ સાથે તેણે ૧૦૪૦ કિલોમિટરનું ઉંડાણ પૂરું કરીને જીત મેળવી અને આ વાત છે ૧૯૪૨ની ત્યારે આજના આધુનિક શક્તિશાળી અને ઊંચી સ્પીડ ધરાવતા પ્લેનો નહીં બનતા આવા સંજોગોમાં ૧૦૪૦ કિલોમિટરનું ઊંડાણ ભરનાર સબુરો સકાઇને બધાએ વધાવી લીધેલો. આજના સમયમાં ફયુચર અને ઓપશનમાં એકાદ મોટો લોસ સહન કરીને નાસીપાસ થઇને વ્યથિત થઇ ખોટા વિચારે ચડી જતા કેટલાક લોકોનું દુ:ખ કે દર્દ સબુરોની તકલીફ સામે કંઇ નથી.

એલેકસી મરેસી: એલેકસી મરેસી રશિયન પાઇલોટ હતો. જેનું પ્લેન જર્મન આર્મીએ ઉડાડી દેતા એલેકસી જર્મન ટેરીટરીમાં જમીન ઉપર પડી ગયો. બહુ ખરાબ રીતે ઘવાયેલો એલેકસી કે જના પગ પણ બહુ જખ્મી હતા. તેને ડર હતો કે જો તે જર્મન આર્મીના હાથે પકડાઇ જશે તો પ્રીઝનર ઓફ વોર થઇ જાશે અને જર્મન સેના તેના ઉપર જોર જુલ્મ કરવામાં કોઇ કમી નહીં રાખે તેથી તે ૧૮ દિવસ સુધી દુશમનની નજરથી છુપાતા રાતના અંધારામાં જંગલો, ખેતરોના કાદવમાં લંગડાતા ચાલીને આખરે સોવિયેટ ટેરીટરીમાં પહોંચ્યો ત્યારે તેનામાં ઊભા રહેવાની તાકાત તેના પગમાં નહોતી, પગ એકદમ ખલાસ થઇ ગયા હતા. તેથી ઓપરેશન કરીને કાપી નાખવામાં આવ્યા હતા. પણ સ્વસ્થ થતા જ તે આર્ટિફિશિયલ પગ પહેરીને ફરી યુદ્ધના મેદાનમાં ફાઇટર પ્લેનને લઇને ઉડી ગયો હતો. આને શું કહેવાય? જિંદગીમાં મોતને ચેલેન્જ આપનાર તો ખરો જ પણ સાથે લાઇફમાં દુશ્મનના ગઢમાં જઇને મરણિયા કરવાનું સાહસ પણ ખરું જ ને ! આની સામે તુચ્છ બનાવો જેવા કે દા. ત. કોઇ સી.એ.ની પરીક્ષામાં નાપાસ થનાર કે કોઇને આપેલી લોન ખોટી થઇ જાય તેમાં અપસેટ થવાનું કોઇ કારણ ખરું? જયારે ૧૯૮૦માં વિમ્બલ્ડન ટેનિસ મેચ ફાઇનલ કે જે રેકોર્ડ ૩ કલાક અને ૫૫ મિનિટ ચાલેલી જેમાં ૪ વખતથી ટાઇટલ જીતતા બોર્ગે પાંચમું ટાઇટલ જીતીને અમેરિકન ટેનિસ પ્લેયર જહોન મેકનરોને પરાજય આપેલો ત્યારે મેકનરોને પ્રશ્ર્ન પૂછતાં તેણે જવાબ આપેલો કે “ધેર ઇઝ ઓલવેઝ ટુમોરો અને બરાબર એક વર્ષ પછી સતત પાંચ વર્ષ ટાઇટલ જીતનાર બૉર્ગને વિમ્બલ્ડન ફાઇનલ મેચમાં ૧૯૮૧માં મેકનરોએ બૉર્ગને હરાવેલ હતો. આ હતું નેવર સે ડાઇ એટિટયૂડ! દરેકની જિંદગીમાં આવતીકાલ આવતી જ હોય છે જરૂર છે શ્રદ્ધા અને આત્મવિશ્ર્વાસની.

કેલવીન રોબર્ટ ગ્રાફ : કેલવીન ફર્સ્ટ સારજન્ટે આર્મ અમેરિકન સૈન્યમાં હતો પણ સદ્નસીબે જાપાનમાં સેક્ધડ વર્લ્ડવોરમાં યુદ્ધમાં પકડાઇ જતા પ્રીજનર ઓફ વોર બનાવીને જાપાનીઝ આર્મી તેની દરિયામાં શિપમાં બીજે સ્થળાંતર કરતી હતી. ત્યાં જ સામેથી અમેરિકન યુદ્ધજહાજને જોતા કેલવીનને આશા જાગી કે તેના બચાવ માટે કોઇ આવી રહ્યું છે પણ અમેરિકન યુદ્ધજહાજ એ હકીકતથી અજાણ હતું કે દુશ્મન જાપાનીઝની શિપમાં અમેરિકન પ્રીઝનર્સ ઓફ વોરને ટ્રાન્સપોર્ટ કરી રહ્યાં છે. એટલે તેણે જાપાનીઝ જહાજ ઉપર વર્ષા કરવા લાગ્યું. તેમાં જહાજના ભુક્કા બોલી ગયા જેમાં કેલવીન સિવાય બીજા ૧૭૭૪ અમેરિકન પ્રીઝનર એફ વોર હતા તે બધા મરી ગયા હતા, પણ કેલવીને હિંમત કરીને જાપાનીઝ શિપના ભંગારમાંથી એક લાકડાનો ટુકડો પકડીને તેના સહારે ૩૦૦ માઇલનું ડિસ્ટન્સ કાપીને ચીન પહોંચતા તેને બચાવી લેવામાં આવ્યો હતો.

અને અંતમાં….. શાર્કનું લોહી પીને જાન બચાવી: ચાઇનીઝ નાગરિક પુન લીમ એક બ્રિટિશ મરચન્ટ શિપમાં સ્ટુઅર્ડ હતો. તેનું શિપ સુરીનામ જઇ રહ્યું હતું. ત્યારે જર્મન સૈનિકોએ બૉમ્બમારો કરતા શિપ નાશ થઇને ડૂબી જાય તેના પહેલાં જ હિંમત કરીને પુન લીમે દરિયામાં ડૂબકી લગાવી દીધી. આ હાદસામાં શિપના બધા ખલાસીઓ માર્યા ગયા હતા, માત્ર પુન લીમ જ બચી ગયેલો.

લાકડાના મોટા ટુકડાને પ્લેટફોર્મ બનાવીને પુન લીમે સર્વાઇવ થવાની કવાયત શરૂ કરી દીધી પણ અફાટ દરિયામાં પાણી અને ખોરાકના અભાવે ટકવું મુશ્કેલ હતું. તેમાં તેણે રસ્તો શોધીને હવામાં ઉડતા પક્ષીઓને પકડીને મારીને તેનું લોહી દરિયામાં ફેંકીને શાર્કને તે પીવા માટે આકર્ષી અને ત્યારબાદ તેણે પોતા પાસે રહેલા ચાકુથી આ શાર્કનું માથું કાપીને તેનું લોહી પીને ખોરાક મેળવીને શરીરમાં શક્તિનો સંચાર કર્યો. દરિયામાં આવતા જતા અમેરિકન, જર્મન, જાપાનીઝ શિપોમાંથી કોઇ મદદે ના આવ્યું. ૧૩૩ દિવસના અંતે એક બ્રાઝીલીયન ફીશરમેનની તેના ઉપર નજર પડતા તેણે પુન લીમને બચાવ્યો. ધંધામાં નુકસાન, સ્ટોકના રોકાણમાં નુકસાન, અકસ્માતમાં શારીરિક ચોટથી આવેલી અપંગતા કે જન્મજાત અપંગતાના દુ:ખ દર્દથી પીડાતા લોકો કરતા પુન લીમની સર્વાઇવલની વ્યાખ્યા અલગ જ છે. કયાં સુધી દુ:ખને પકડીને રડયા કરશું? આપત્તિમાં જ ત્રીજું નેત્ર ખોલવાની જરૂર છે કારણ કે “બી ધેર ફોર અધર્સ બટ નેવર લીવ યોરસેલ્ફ બીહાઇન્ડ.
આ લેખ સાથે આ “ઓપિનિયન કોલમ ૧૫ વર્ષ પૂરા કરીને ૧૬માં વર્ષમાં પ્રવેશ કરે છે. ૧૫ વર્ષ અવિરત મળેલા પ્રેમ બદલ આ સૌ વાંચકોનો દીલથી આભાર. આપના દ્વારા દર રવિવારે લેખ ઉપર મોકલાતા અભિનંદનના સંદેશાઓ મારા માટે પ્રેરણાના ઝરણા સમાન છે જેના કારણે જ દરેક લેખને આગલા લેખથી વધારે સુંદર લખવાના પ્રયત્નો કરતો રહું છું. આપનો આવો જ પ્રેમ આવતા વર્ષોમાં મળતો રહેશે તેવી આશા રાખું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button