વાઇબ્રન્ટ ટ્રેડ શૉમાં શિક્ષણ અને સાયન્સ ટેકનોલોજીમાં યુવાનોએ સૌથી વધુ રસ દાખવ્યો
અમદાવાદ:ગાંધીનગરમાં હેલીપેડ ખાતે યોજાયેલા ચાર દિવસીય વાઈબ્રેન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉમાં ઉદ્યોગકારો, મહાનુભાવો અને યુવાનો ઉત્સાહભેર મોટી સંખ્યામાં સહભાગી થઈને દરેક પેવેલિયનોને રસપૂર્વક નિહાળ્યા હતા એવું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ગ્રેડ શૉ ૨૦૨૪ની મુખ્ય જવાબદારી સંભાળનાર અને ઉચ્ચ- ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું. મુકેશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ ૨૦૨૪નું ૯મી જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી જ મુલાકાતીઓએ ભારે રસ દાખવ્યો હતો. આ ગ્લોબલ ટ્રેડ શૉમાં ૧૩ ડોમમાં થીમેટક એક્સ્પો રાખવામાં આવ્યા હતા. જેમાં ઇન્ટરનેશનલ પેવેલિયન,ઇ-મોબિલિટી, બ્લુ ઈકોનોમિ, મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારત, સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટ, એજ્યુકેશન એન્ડ સ્ટાર્ટઅપ ,ટેકએડ સહિતની થીમ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ખુલ્લી જગ્યામાં લેટેસ્ટ મિલિટરી વેપન પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં હતાં. ખાસ કરીને જે દુનિયામાં ઇમર્જિગ ઇકોનોમી અને બિઝનેસ સેક્ટરમાં પોટેન્શિયલ છે તથા આવનાર દિવસોમાં ઇમ્પેક્ટ થવાની છે, લીડિંગ રોલ પ્લે કરવાના છે તેમાં ખાસ ઇ- મોબીલિટી એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સ્ટુડન્ટ્સ અને લોકો નવા નવા આઈડિયા લઈને આવ્યા છે તેમને પ્રોત્સાહન માટે એજ્યુકેશન સેન્ટરના પેવેલિયનમાં મોટાપાયે સ્ટાર્ટઅપનું પ્રોત્સાહન જોવા મળ્યું હતું. જેમાં પોતાના અનુભવો શૅર કરવા માટે પ્લેટફોર્મ આપ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે. પેવેલિયનમાં વિવિધ આકર્ષણો બાબતે મુકેશ કુમારે જણાવ્યું કે ટેકેડ પેવેલિયનમાં ચંદ્રયાન -૩નું મોડલ રાખવામાં આવ્યું હતું જે મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.