ઉત્સવ

ખાખી મની-૧૧

‘પૈસા જગ્ગીના હતા જ નહીં. પૈસામાં એનો થોડો હિસ્સો હતો… ખાલિસ્તાની મૂવમેન્ટ માટેનું યોગદાન હતું’

અનિલ રાવલ

આ તો ખૂનીને જ ખૂની પકડી પાડવાનું કામ સોંપવા જેવો ઘાટ થયો. જગ્ગીએ કરેલા ધડાકાથી ઉદયસિંહ અને લીચી હચમચી ગયાં. લીચીને જગ્ગીની વાતો પરથી શંકા તો ગયેલી જ કે એના દિમાગમાં કાંઇક રમી રહ્યું છે…પણ વાત પૈસાની બેગ લૂટનારાને શોધી આપવાની હશે એની કલ્પના નહતી.

જગ્ગી દા ધાબામાંથી નીકળ્યા બાદ બંને ચૂપ હતાં. ઉદયસિંહને ૪૪૦ વોટના બે આંચકા લાગ્યા હતા. જગ્ગીએ મને જ પૈસા લૂટનારાને શોધવાનું કામ શા માટે સોંપ્યું.? શું એને કોઇ શંકા ગઇ.? બીજો આઘાત એટલા માટે કે લીચીની સામે એની પોલ ખુલ્લી પડી ગઇ હતી. જગ્ગીએ ડ્રગ્સ અને બે કરોડની વાત કાઢીને લીચીની સામે એને સંપૂર્ણ નિર્વ કરી નાખ્યો હતો. જોકે ચબરાક લીચીએ એને દસ કરોડના ડ્રગ્સની વાત ઘડી કાઢીને ઉદયસિંહને ઉગારી લીધો હતો…ઉદયસિંહ એને થેન્ક યુ કહેવા માગતો હતો, પણ જીભ ઊપડતી નહતી.

આખરે લીચીએ મૌન તોડ્યું: ‘સર, એક વાત નક્કી થઇ ગઇ કે નાણાંની બેગ જગ્ગીની હતી ને એમાં વીસ કરોડ હતા. બીજું આ નાણાં જગ્ગીના ડ્રગ્સના ધંધાના હતા.’ અને ત્રીજું…બોલીને લીચીએ થોડો પોઝ લીધો. ઉદયસિંહે એની સામે જોયું કે તરત જ એ બોલી: ‘તમે પણ ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા છો.’

‘આપણે બેગની વાત કરીએ?’, ઉદયસિંહે કહ્યું.

‘સર, આપણે બેગની જ વાત કરીએ છીએ. જગ્ગીએ પંજાબી કનેક્શનને લઇને પૈસા ભરેલી બેગ મહેન્દરસિંઘ બસરાને આપી….અને બસરાએ અનવરને કામ સોંપ્યું.’ સસ્પેન્સ વાર્તાઓ વાંચનારી લીચી સત્ય ઘટનાની આ વાર્તામાં ગોથું ખાઇ રહી હતી. પૈસા જગ્ગીના હતા જ નહીં. પૈસામાં એનો થોડો હિસ્સો હતો…ખાલિસ્તાની મૂવમેન્ટ માટેનું યોગદાન હતું. એણે પોતાના પૈસા માનીને બંનેને વાત કરી હતી.

‘લીચી, આપણા નસીબ જો કે જગ્ગીએ બેગ શોધવાનું કામ આપણને જ સોંપ્યું.’

‘સર, જગ્ગીએ આપણને કામ સોંપ્યું નથી…ફરજ પાડી છે…કેમ કે સર, તમારે એને ડ્રગ્સના બે કરોડ ચૂકવવાના છે, તમારો હાથ પથ્થર નીચે છે,’ લીચી બોલી.
‘આપણે જગ્ગીને ગલ્લાંતલ્લાં કર્યા કરશું કે શોધીએ છીએ….અને વખત આવ્યે એને હું મારા હિસ્સામાંથી એને પૈસા ચૂકવી દઇશ…વાત પૂરી’ ઉદયસિંહે કહ્યું.
‘સર, એ પહેલાં બસરાને પકડો….મને એ માણસ..’ લીચી અટકી ગઇ.

‘મને હવે બસરા નહીં જગ્ગીનું જોખમ વધુ લાગે છે,’ ઉદયસિંહે કહ્યું.

સર, એક ગુનો બીજા સાત ગુના કરાવે અને એક ખૂન બીજા સાત ખૂન.

‘જરૂર પડ્યે આપણે જગ્ગીનું મર્ડર પણ કરવું પડે’….લીચીની વાત સાંભળીને ઉદયસિંહે કારને અચાનક બ્રેક મારી.

‘લીચી, મને લાગે છે કે તું બહુ વિચારે છે.’

‘સર, હું બહુ નહીં, પણ વહેલું વિચારી લઉં છું…અને આ દુનિયામાં વિચાર કર્યા વિના કોઇ કામ થાય છે ખરું. ડ્રગ્સની હેરાફેરીનું કામ કરતા પહેલાં તમે કાંઇક તો વિચાર્યું હશેને.?’ ઉદયસિંહ પાસે આનો કોઇ જવાબ નહતો.

‘ઓહ, તો તેં વરસાદી રાતે વાહનો રોકીને ચેકિંગ કરવાની વાત કરી તે પહેલાં ઘણુંબધું વિચારી લીધું હશે નહીં..?’
‘ના એ વખતે ખાલી ગમ્મત ખાતર એ કામ કરવાનું મનમાં આવેલું, પણ પૈસાની બેગ જોઇ કે તરત જ એનાં ખતરનાક પરિણામો વિશે વિચારી લીધું હતું.’
‘શું વિચારેલું.?’

‘એના જોખમો વિશે….ખાસ કરીને અનવરનું શું કરવું એ વિશે.’

‘અનવરનું શું..?’

‘એનું મર્ડર કરવાનો વિચાર કરી નાખેલો….કારણ પૈસાની બેગ અને આપણી આડે માત્ર એ એક જ માણસ હતો, પણ આપણા સારા નસીબે એનું લોકઅપમાં નેચરલ ડેથ થયું.’
‘લીચી, એ ભૂતકાળ થઇ ગયો. હવે વર્તમાનમાં શું કરવું છે.?’

‘અમદાવાદ જવાની તૈયારી. સર, તમે એકલા નથી…હું તમારી સાથે છું.’


લીચીની માએ ટીવીમાં એવું શું જોયું કે એને ગભરામણ થઇ. લીચીએ માને અલગ અલગ રીતે….ફરી ફરી પૂછ્યું, પણ એણે જવાબ આપવાનું ટાળ્યું. લીચીની મૂંઝવણ વધી ગઇ હતી. ટીવી જોયા પછી એનું વર્તન બદલાઇ ગયું હતું. એ ગૂમસૂમ રહેવા લાગી હતી. વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી. લીચીની હાજરીમાં ટીવી ઑન કરવાનું બંધ કરી દીધું. એકવાર લીચીના ગયા પછી એણે ટીવી ચાલુ કર્યું….એક પછી એક બધી ન્યૂઝ ચેનલો બદલી પણ એને જોવા હતા એ ન્યૂઝ ન દેખાયા.

‘હા, એ જ હતો..મારી આંખો ધોકો ન દે….હું એને ન ઓળખું.? ભલેને એ વખતે ન ઓળખી શકી…એ જ હતો.’ લીલી પટેલ બબડતી રહી…લીલીની આંખોમાં તરી રહેલાં ઝળઝળિયામાં એનો ઝળહળતો ભૂતકાળ તરવરવા લાગ્યો.

બરોડાના અલકાપુરીમાં આવેલી સરદાર ડેરી….એના થડા પર બેઠેલો એક ફુટડો પંજાબી છોકરો. ગુજરાતી બોલવામાં ફાંફાં મારતો અલ્લડ છોકરો. અડધો લિટર દૂધને બદલે ભૂલથી એક લિટર દૂધ જોખી આપતો નાદાન છોકરો. દૂધની થેલી આપતી વખતે જાણીબૂઝીને હાથને સ્પર્શી લેતો લુચ્ચો છોકરો. લીલીને ગમતું દૂધ લેવા જવાનું…એની નાદાનિયત માણવાનું….એની પાસે જબરજસ્તીથી ગુજરાતી બોલાવવાનું….એના લુચ્ચાઇભર્યા સ્પર્શ પછીની ઝણઝણાટી અનુભવવાનું. એ ઉંમરે ગમવું જોઇએ એ બધું જ લીલીને ગમતું….ગમવા લાગ્યું હતું. ભાષાના ભેદ વચ્ચે સ્પર્શથી કામ ચાલતું રહ્યું, પણ ક્યાં સુધી. આખરે એક દિવસ છોકરાએ હિમ્મત કરી.

‘નામ ક્યા હૈ તુમ્હારા.?’ પહેલીવાર છોકરાનો અવાજ સાંભળીને લીલીનો ચહેરો ગુલાબી થઇ ગયો.

‘લીલી’ ધીમે સાદે પોતાનું નામ બોલીને એણે દૂધની થેલી લેતાં છોકરાના હાથને જાણીબૂઝીને સ્પર્શ કર્યો.

તારું નામ શું છે.? ગામ કયું તારું.?’ અલ્લડ મનમાં રમ્યા કરતો મીઠો અવાજ રણક્યો…પણ છોકરાને તો ગુજરાતી સમજવાના-બોલવાના વાંધા હતા.

‘ક્યા? ક્યા.? ક્યા?’ છોકરો ત્રણ વાર બોલ્યો ને એ જ વખતે એના મામા દુકાનમાં પ્રવેશ્યા.

‘દૂધ દિયા…પૈસા લિયા કી નહીં.?’ મામા બોલ્યા.

દૂધ દિયા, દિલ લિયા છોકરો બોલવા ગયો, પણ મામાની સામે એવી મજાક કરવાની એની હિંમત ન ચાલી.

લીલીએ ફટ દઇને પૈસા આપ્યા ને નજર ચુરાવીને નીકળી ગઇ. ફોનની ઘંટડી અને મામાની એન્ટ્રીથી લીલી થથરી ગઇ. એણે રીમોટ હાથમાં લીધું, પણ થરથર કાંપતા હાથે એ ન તો ટીવી બંધ કરી શકી ન તો વોલ્યુમ ઓછું કરી શકી. ટીવીના મોટા અવાજની વચ્ચે એણે સતત વાગી રહેલો ફોન ઊચક્યો..
‘હે…લો’ ધ્રૂજતા અવાજે એ બોલી.

‘મા, તું ટીવી જુએ છે…?’ લીચીની શંકા સાચી ઠરી.

‘હા.’ એ બોલી.

‘મા, જો ટીવીના ન્યૂઝ આપણા ઉંબરા સુધી આવવાના હોય તો તું મને બેધડક કહી દે….જેથી મને એ પગલાંને અટકાવવાની ખબર પડે.’ લીચીના મનમાં હજી પણ હાઇવે પરની ઘટનાના ન્યૂઝ ટીવી પર બતાવ્યા હોવાની જ શંકા રમ્યા કરતી હતી.


અલિયાપુર પોલીસ ચોકીમાં ફોનની ઘંટડી રણકી. સોલંકીએ સારી વારે ફોન ઊંચક્યો. સામે બેઠેલા રાંગણેકર ચા પી રહ્યા હતા.

હેલો અલિયાપુર પોલીસ ચોકી.?’ સામેથી પૂચ્છા થઇ.

‘હાં બોલિયે’ સોલંકીએ કહ્યું.

‘મેં છાપામાં એનો ફોટો જોયો.. હું મરનારને ઓળખું છું.’
‘શું નામ તમારું. ? ક્યાંથી બોલો છો.?’ સોલંકીએ પૂછ્યું.
‘હું મરહૂમ અનવરનો સાળો અબુ હુસૈન બોલું છું..સુરતથી.’
રિસિવર પર હાથ મૂકીને સોલંકીને કહ્યું મરનારનો સાળો છે….રાંગણેકરે એને વાત ચાલુ રાખવાનો ઇશારો કર્યો.

‘અનવરની લાશનો કબજો લેવા શું કરવું પડશે. ?’ અબુએ પૂછ્યું.

‘પહેલા તો અમારે તમારી થોડી પૂછપરછ કરવી પડશે…તમે અનવરની વાઇફને લઇને ઓળખ માટે અહીં આવી જાઓ….હા, તમારા ઓળખપત્રો સાથે લાવજો.’
‘ભલે સાહેબ, જરૂર સાહેબ.’

મરનારાનું નામ અનવર છે…એનો સાળો અબુ અનવરની બીવીને લઇને આવે છે.’ સોલંકીએ ફોન મૂકતા કહ્યું.


શાંત ચિત્તે તસ્બી ફેરવી રહેલા ઇમામે સામે બેઠેલા હરપાલસિંઘને અલિયાપુર પોલીસે છાપેલો અનવરનો ફોટો બતાવીને કહ્યું: ‘યહી વો આદમી હૈ જિસકો બસરાને કાર ઔર કામ સોંપ દિયા થા. કાર મિલી, લાશ મિલી લેકિન પૈસા ગૂમ હૈ.’ પોતાના માણસે કરેલી ભૂલનો જવાબ આપવાની હરપાલસિંઘ પાસે હિંમત ન હતી.

અબ યહ આદમી કા કોઇ રિશ્તેદાર પુલીસ કો બતાયેગા….શાયદ બસરા કે બારે મેં ભી બતાયેગા…..ફિર પાની અપને સર કે ઉપર બહેગા… હરપાલસિંઘ ચૂપ હતા.. ‘ઇસલિયે બસરા કા ઇલાજ કરના ઝરૂરી હૈ.’ ઇમામની એકની એક રેકર્ડ સાંભળીને હરપાલસિંઘનું માથું ફરી ગયું…એ ઊઠીને જતા રહ્યા.


બીજે જ દિવસે અબુ હુસૈન એની બહેન સલમાને લઇને અલિયાપુર પોલીસ ચોકી પહોંચી ગયો. રાંગણેકર અને સોલંકીએ એમને સૌથી પહેલા હોસ્પિટલ લઇ જઇને અનવરની લાશની શિનાખ્ત (ઓળખ) કરાવી. સલમા હૈયાફાટ રડી. મોર્ગમાં માતમ છવાઇ ગયો.

‘હું એને ના પાડતી રહી કે ન જા…..પણ એ ન માન્યો..’ અબુ એને માંડ માંડ સંભાળી શક્યો. રાંગણેકરે એમને કેન્ટિનમાં બેસાડ્યા. અબુએ સલમાને પાણી પીવડાવ્યું. સોલંકીએ ચા મગાવી. એ થોડી સ્વસ્થ થઇ પછી રાંગણેકરે પૂછવાનું શરૂ કર્યું.

‘કારમાં શું હતું.?’

‘મને ખબર નથી, પણ કારમાં એક બેગ છે અને કારને સહીસલામત મુંબઇ પહોંચાડવાની છે…એટલું મેં સાંભળ્યું હતું.’

‘કાર આપવા આવેલા એ માણસને તમે ઓળખી શકશો.?’ સોલંકીએ પૂછ્યું.

‘હા, એનો ચહેરો મને થોડો થોડો યાદ છે,’ સલમાએ અબુની સામે જોતા કહ્યું
એ જ વખતે રાંગણેકરના મોબાઇલ પર એક ફોન આવ્યો. એણે થોડે દૂર જઇને વાત કરી. એની આંખ સ્લોમોશનમાં અબુ અને સલમા પર ફરી.

‘તમે જઇ શકો છો.’ રાંગણેકર ફોન પતાવીને બોલ્યો. ‘હા, તમારો મોબાઇલ નંબર આપી રાખો. વધુ પૂછપરછ માટે ફરી બોલાવશું.’ રાંગણેકરની ઉતાવળ જોઇને સોલંકીને આશ્ર્ચર્ય થયું.
અબુ અને સલમાના ગયા પછી સોલંકીએ પૂછ્યું: ‘કોનો ફોન હતો.?’ ‘ચાંદખેડા પોલીસ સ્ટેશનમાંથી ઇન્સપેક્ટર ઝાલા સાહેબનો.’ આપણે અમદાવાદ જવું પડશે. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?