એક નામ લખાયા પહેલા જ ભૂંસાઈ ગયું
મહેશ્ર્વરી
કોઈપણ સ્ત્રી માટે માતૃત્વ એ જીવનની એવી મધુર અવસ્થા છે જેનું વર્ણન કરવા ગમે તેવો ભાષા વૈભવ ટૂંકો પડે. સંતાન સુખ સામે સગર્ભાવસ્થાની સમસ્યા કે પ્રસૂતિની પીડા નગણ્ય લાગે. પપ્પાની મરજીથી કરેલાં લગ્ન, ‘હું તારી બહેનને પ્રેમ કરું છું’ એવા લગ્નના ત્રણ દિવસ પછી પતિના મોઢે સાંભળેલા વેણ જેવી બીજી કેટલીક વ્યથા મને જાણે કે આણામાં મળી હતી. આ બધું જાણે ઓછું હોય એમ મા બનવાની વાત મને પીડા આપવા લાગી. મને એનો કોઈ આનંદ નહોતો. જોગેશ્ર્વરીના ઘરમાંથી મને કાઢી મૂકવા માસ્તર મને મારતા હતા એ જ રીતે પ્રેગ્નન્સી દરમિયાન પણ માસ્તર મારી મારપીટ કરી રહ્યા હતા. આવી અવસ્થામાં બાળકને લઈ હું ક્યાં જઈશ એ વિચાર મને કોરી ખાતો હતો. ઈડર તાલુકાના નાનકડા ગામ જાદરમાં નાટકો કરી રહી હતી ત્યારે ડિલિવરીનો સમય નજીક આવી ગયો. જાદર સાવ નાનકડું ગામ. હૉસ્પિટલ નહોતી. પ્રસૂતિ ઘરમાં જ કરવાનું નક્કી થયું. આખા ગામમાં એક જ ડૉક્ટર, પણ હતા ઘણા હોશિયાર. ગામની ઘણી સ્ત્રીઓના સંતાનોને જન્મ આપવામાં તેમણે સફળતા મેળવી હતી. જોકે, મારી ડિલિવરી નોર્મલ નહોતી થઈ રહી. એ સમયે ‘સિઝેરિયન’ જેવી પ્રક્રિયાથી ગામડાના લોકો તો સાવ અજાણ હતા. ડૉક્ટરે ‘ચિંતા નહીં કરતા’ એમ કહી મને હૈયાધારણ આપી. પછી એક દોરડી થાંભલા સાથે બાંધી એનો બીજો છેડો મારા હાથમાં પકડાવી ‘દોરી જોરથી ખેંચ’ એમ મને કહ્યું. મેં ડૉક્ટરના આદેશનું અક્ષરસ: પાલન કર્યું અને પ્રસૂતિ થઈ ગઈ. બધાએ હાશકારો અનુભવ્યો અને હું એક દીકરીની મા બની ગઈ. ડિલિવરી થઈ ગયા પછી ડૉક્ટર મારી પાસે આવ્યા ત્યારે તેમના ચહેરા પર આનંદ કરતા વિસ્મય વધુ નજરે પડી રહ્યું હતું. મને એમ કે ડૉક્ટર અભિનંદન આપી આશીર્વાદ આપશે, પણ… ‘જન્મે ત્યારે તો છોકરું ભેંકડો તાણે, પણ તારી આ છોકરી તો ખી ખી ખી કરી હસતી હતી. સંભાળજે.’ ડૉક્ટર જાણે ચેતવણી આપી રહ્યા હોય એમ કહી રહ્યા હતા. આનંદથી છલકાતા બધા જ ચહેરા ડૉક્ટરની વાત સાંભળી ગંભીર થઈ ગયા.
જોકે, જીવનમાં આઘાત મારા માટે કોઈ નવી વાત નહોતી. મુસીબત ન આવે તો શું એ મારું સરનામું ભૂલી ગઈ છે એવી જાત સાથે મજાક હું ક્યારેક કરી લેતી. નાટક મંડળીના કલાકાર માટે ‘જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ – ઓ – શામ’ એ જીવનમંત્ર હોય છે. જાદરથી નીકળી માધવપરા ગામ જવાનું નાટક મંડળીનું ફરમાન આવ્યું એ દિવસ મારી દીકરીની છઠ્ઠીનો હતો. જે સમયે મા દીકરીને સોડમાં તાણી એને વહાલ કરતી અને આરામ કરતી હોય ત્યારે હું એની સાથે બીજે ગામ જવા નીકળી હતી. માધવપરા જવા અમે નીકળ્યા ત્યારે અમારી બાજુમાં રહેતી એક મહિલાએ કહ્યું પણ ખરું કે ‘તું બહાર કેમ જાય છે? આજે તો તારી દીકરીની છઠ્ઠી છે. આ દિવસે પુત્રીને લઈને બહાર ન નીકળાય, કારણ કે આ દિવસે તો વિધાતા લેખ લખવા આવે,’ પણ આ બધી વાત હું નહોતી જાણતી. ખેર. કદમાં ભલે નાનકડું ગામ રહ્યું, જીવનના બહુ મોટા સંભારણાંનું ભાથું આ ગામે મને બાંધી આપ્યું. અમે રહેતા હતા ત્યાં બાજુમાં જૈન પરિવાર રહેતો હતો. હું પ્રેગ્નન્ટ હતી ત્યારે એ ઘરની મહિલા મેથીના લાડુ બંધાવી ગઈ અને સાથે શિખામણ આપતી ગઈ કે ‘રોજ એક લાડુ ખાઈશ તો જિંદગી આખી કમર નહીં દુખે.’ એમની વાત સોળ આના સાચી હતી. આજે ૮૧ વર્ષની ઉંમરે પણ કમર નથી દુખતી એ હકીકત છે. જાદર માટે દિલમાં આદર છે. જીવનની રંગભૂમિનો એક મહત્ત્વનો અંક પૂરો કરીને અમે નીકળ્યા અને ત્યાં ૧૨મે દિવસે બારસં (વિશેષ કરી મહારાષ્ટ્રીયન પરિવારમાં બાળકના જન્મ પછીના બારમા દિવસે નામકરણ વિધિ કરવામાં આવે છે) નામનો નામકરણ વિધિ કરવા બધા ઉત્સુક હતા. જોકે, બે દિવસ પહેલા થોડી માંદી પડેલી દીકરીની તબિયત અચાનક ૧૧મે દિવસે વધુ બગડી. એ દિવસે બહુ ઠંડી હતી એટલે માસ્તરને ડૉક્ટરને લાવવા મોકલ્યા. એ વખતે અમારા ગ્રૂપમાં અભિનેત્રી રજની (હવે રજની શાંતારામ) પણ હતી. આખી રાત મારી પાસે બેઠી હતી. માસ્તર ડૉક્ટરને બોલાવવા ગયા, પણ એકલા પાછા આવ્યા. બધાએ તરત સવાલ કર્યો એટલે માસ્તરે ખુલાસો કર્યો કે ‘બહુ ઠંડી છે અને આ ઠંડીમાં મને કંઈ થઈ ગયું તો? એવું કારણ આપી ડૉક્ટરે આવવાની ના પાડી.’ એટલે અમે તરત ઈલાજ કરાવવા હિંમતનગર પહોંચ્યા, પણ એનો ઈલાજ થઈ રહ્યો હતો ત્યારે તેનું અવસાન થયું. નામથી ઓળખ મળે એ પહેલા આ ધરતી પરથી જ એની ઓળખ ભૂંસાઈ ગઈ. જે નામ લખાય પહેલા જ ભૂંસાઈ ગયું એ આઘાતની મારા મન પર એવી અસર પડી કે ત્યાર પછી ત્રણ સંતાનને મેં જન્મ આપ્યો પણ એકેયનું બારસં – નામકરણ વિધિ મેં કર્યો જ નથી.
દીકરીના અંતિમ સંસ્કારની સાંસારિક ફરજ પૂરી કરી મન મક્કમ કરી નાટક મંડળીની ફરજ બજાવવા – નાટકો કરવા સજ્જ થઈ ગઈ. પુત્રી ગુમાવ્યાનું દુ:ખ ભૂલી નાટકના પાત્રમાં ઢળી ગઈ અને મારી જવાબદારી નિભાવવા લાગી. શો મસ્ટ ગો ઓન. પછી અમે ઈડર ગયા. ગુજરાતના આ શહેરનું ઐતિહાસિક મહત્ત્વ જાણીતું છે અને આ શહેરમાં અમે ઘણા દિવસ ઐતિહાસિક નાટકો ભજવ્યાં અને જનતાનો રિસ્પોન્સ પણ સારો મળ્યો. એ પછી અમારો રસાલો પહોંચ્યો ખેડબ્રહ્મા. અહીં પણ નાટકો જોવા પબ્લિક આવતી હતી એટલે અમારો પણ ઉત્સાહ વધ્યો. જોકે, કંપની ચાલે એવા સંજોગો ઊભા થઈ રહ્યા હતા ત્યાં જ વરસાદ શરૂ થયો અને નાટક કંપનીએ બેગ બિસ્તરા બાંધી લેવા જણાવ્યું અને અમે મુંબઈ પાછા ફર્યા. દીકરી ગુમાવી હોવાનો ઘા ધીમે ધીમે રૂઝાઈ રહ્યો હતો. મુંબઈમાં ફરી ગણપતિ ઉત્સવમાં નાટકો, પૂજાના પ્રસંગે ગીત ગાવાની હારમાળા શરૂ થઈ ગઈ. એક દિવસ સારી ઓફર આવી અને હું નવી કંપનીમાં જોડાઈ ગઈ. ગુજરાતની ટૂર સાબરકાંઠાના ભદ્રેસરથી શરૂ કરી. આ વખતે નાટકની ભજવણીમાં નવો નિયમ દાખલ થયો હતો. એની હજી આદત પડે ત્યાં એક પત્ર આવ્યો. ‘તું અમારા માટે મરી ગઈ છે’ એવું કહેનારા પપ્પાની ચિઠ્ઠી હતી જેમાં તેમણે લખ્યું હતું કે…
…તો ખબર પડે કે વન્સમોર કેમ અપાય છે?
ગુજરાતી નાટ્યકાર ડાહ્યાભાઈ ધોળશાજીનો નાટક અને રંગભૂમિના ક્ષેત્રે પ્રવેશ નાટ્યાત્મક બનેલો. શ્રીમંત ઝવેરી પરિવારમાં જન્મેલા ડાહ્યાભાઈને નાટકો જોવાનો જબરો શોખ હતો. તેમણે સંગીત ‘લીલાવતી’ નાટકનો ખેલ પંદરથી વીસ વાર જોયો હતો. તેમને એનાં ગીતો અત્યંત પ્રિય હતા. વારંવાર ગણગણતા રહેતા. એક વાર એ નાટક જોતાં જોતાં તેમણે પોતાના પ્રિય ગીતનો બેત્રણ વાર ‘વન્સમોર’ માગ્યો ને પછી પણ માગણી ચાલુ રાખી. તેમની વારંવારની માગણીથી કંટાળી ગયેલા ગાનાર કલાકારે કહ્યું કે એક વાર નાટક કંપની કાઢી જુઓ તો ખબર પડે કે વન્સમોર કેમ અપાય છે.’ ડાહ્યાભાઈને કદાચ આ પડકાર ઝીલી લેવાનું મન થયું હશે એટલે દેશી નાટક સમાજના ભાગીદાર બન્યા અને ત્યારબાદ ૧૮૯૧-૯૨માં નાટક કંપનીના સંપૂર્ણ માલિક બન્યા. રંગમંચને જીવનમંચ બનાવી ડાહ્યાભાઈએ નાટકો લખ્યાં, ભજવાવ્યાં અને ઉચ્ચ કોટીની સંસ્કાર-પ્રવૃત્તિ તરીકે તેની સ્થાપના કરી. નાટકના વ્યવસાયમાં પડવાથી જુવાન ડાહ્યાભાઈને પિતા સાથે ક્લેશ થતાં ગૃહ ત્યાગ કરવો પડ્યો હતો. પોતે ‘ઝવેરી’ અટક તજીને ‘દલાલ’ અટક રાખી અને આર્થિક સંકડામણ ભોગવીને પણ નાટક અને રંગભૂમિની એકનિષ્ઠ સેવા કરી. તેમણે રચેલાં નાટકો સૌપ્રથમ દેશી નાટક સમાજ દ્વારા ભજવાતાં હતા. (સંકલિત)