આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ સહિત રાજ્યમાં જળાશયોમાં પાણીની ઘટતી સપાટીએ વધારી ચિંતા

રાજ્યના બંધમાં સરેરાશ ૫૮.૮૪ ટકા પાણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાણીપુરવઠો કરનારા જળાશયોમાં પાણીની ઘટતી સપાટીથી મુંબઈ સહિત રાજ્યમાં આગામી દિવસમાં પાણીનું સંકટ ગંભીર બનવાના એંધાણ જણાઈ રહ્યા છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં શનિવારે સવારના ૬૨.૯૭ ટકા પાણીનો સ્ટોક હતો. તો સમગ્ર રાજ્યમાં હાલ બંધમાં ફક્ત ૫૮.૮૪ ટકા જેટલો જ પાણીનો સ્ટોક બચ્યો છે.

ગયા વર્ષે રાજ્યમાં ચોમાસું નબળું રહેતા પાણીપુરવઠો કરનારા જળાશયોમાં તળિયાથી અત્યારથી દેખાઈ રહ્યા છે. ચોમાસાના હજી છ મહિનાનો સમય બાકી છે ત્યારે મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશય સહિત રાજ્યના જળાશયોમાં પાણીની ઘટતી સપાટીએ ચિંતા વધારી દીધી છે. રાજ્યના પાણીના સ્ટોકમાં છેલ્લા ૧૦ દિવસમાં જ ત્રણ ટકાનો ઘટાડો થયો છે. બંધમાં હાલ માત્ર ૫૮.૮૪ ટકા પાણીનો સ્ટોક બાકી રહ્યો છે.

રાજ્યભરમાં પાણીની સમસ્યા ગંભીર થઈ રહી છે. સરકારના પાણીપુરવઠા વિભાગના આંકડા મુજબ હાલ ૪૫૮ ગામ અને ૧,૦૫૬ વાડામાં કુલ ૪૮૦ ટેન્કરના માધ્યમથી પાણી પુરવઠો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં હાલ કુલ ૨,૯૯૪ નાના-મોટા બંધમાં પાણીની સપાટીને જોતા ચોમાસાના આગમન સુધીના દિવસો કાઢવા મુશ્કેલ થઈ રહ્યા છે.

હાલ રાજ્યના તમામ બંધમાં કુલ ૫૮.૮૪ ટકા જેટલો જ પાણીનો સ્ટોક છે, જેમાં સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ છત્રપતિ સંભાજી નગર વિભાગની છે. ત્યારબાદ નાગપૂર વિભાગમાં પાણીનો સ્ટોક પણ છે. અહીં કુલ ૩૮૩ બંધમાં ૬૬.૦૩ ટકા પાણીનો સ્ટોક છે. રાજ્યના મોટા બંધ તરીકે ગણાતા સોલાપુરના ઉજની બંધમાં તળિયા દેખાવા માંડ્યા છે. હાલ ઉજનીમાં પાણીનો સ્ટોક ૮.૦૩ ટકા છે. ગયા વર્ષે આ જ સમયે પાણીનો જથ્થો ૧૦૦ ટકા હતો. જાયકવાડીમાં હાલ ૪૨.૧૧ ટકા પાણી છે, ગયા વર્ષે આ સમયે ૮૯.૮૭ ટકા પાણી હતું. કોયનામાં હાલ ૭૨.૧૮ ટકા પાણીના સ્ટોક સામે ગયા વર્ષે આ જ સમયે ૮૨.૯૭ ટકા પાણીનો સ્ટોક હતો. કોંકણ વિભાગમાં થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ ભાગમાં જોકે સમાધાનકારક પાણીનો સ્ટોક છે.

મહાનગર મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયમાં હાલ ૯,૧૧,૪૪૯ મિલિયન લિટર એટલે કે ૬૨.૯૭ ટકા પાણીનો સ્ટોક છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૬૭.૧૪ ટકા પાણીનો સ્ટોક હતો. તો ૨૦૨૨માં આ સમયે જળાશયોમાં ૬૯.૩૮ ટકા પાણીનો સ્ટોક હતો. નોંધનીય છે કે મુંબઈને પ્રતિદિન ૩૮૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button