આમચી મુંબઈ

BMCની એફડીમાં થયો આટલા કરોડનો ઘટાડો, પણ કારણ શું?

મુંબઈઃ આ વર્ષે લોકસભા ચૂંટણી યોજવામાં આવ્યા પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવ્યા પહેલા દરેક પક્ષોએ પણ તેની તૈયારીઓ શરુ કરી દીધી છે. મુંબઈમાં મહાનગર પાલિકાની ચૂંટણી પણ આ વર્ષે યોજાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે ત્યારે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે કે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની એફડીમાં ઘટાડો થયો છે.

ભારતની સૌથી ધનિક ગણાતી મહાપાલિકાની ફિક્સ ડિપોઝિટ (એફટી)ની રકમમાં રૂપિયા પાંચ હજાર કરોડનો ઘટાડો થયો છે. રિઝર્વ ફંડનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈ રહ્યો હોવાના કારણે આ ઘટાડો થયાનું સ્પષ્ટ થયું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં મહાનગરપાલિકાની ફિક્સ ડિપોઝિટ ૯૨ હજાર કરોડથી વધુ હતી. જોકે, ૨૦૨૨-૨૩માં તે ઘટીને ૮૬ હજાર કરોડ થઈ ગઈ હતી.

આ ફિક્સ ડિપોઝીટની માહિતી ‘વોચડોગ ફાઉન્ડેશન’ નામની સંસ્થાએ માંગી હતી. દરમિયાન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં માળખાકીય વિકાસ કાર્યો માટે ૧૫,૬૫૭ કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે.

મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની ફિક્સ ડિપોઝીટ સૌથી વધુ વ્યાજ આપતી બેંકોમાં થાપણોનું રોકાણ કરવામાં આવે છે. આ ફિક્સ ડિપોઝીટ પરથી પાલિકાની આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. નગરપાલિકાની આ ફિક્સ ડિપોઝીટમાંથી જ મહેકમ ખર્ચ અને નિવૃત્ત કર્મચારીઓની બાકી રકમ ચૂકવવામાં આવે છે. તેમજ આ ડિપોઝીટમાં કોન્ટ્રાકટરો પાસેથી વિવિધ વિકાસ કામો માટે લેવામાં આવેલ ડિપોઝિટનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી ૨૦૨૩માં મહાનગરપાલિકા પાસે ૮૮ હજાર કરોડની ફિક્સ ડિપોઝિટ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં મુંબઈની મુલાકાત દરમિયાન વિકાસ કાર્યો માટે તેનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આથી પાલિકાની ફિક્સ ડિપોઝિટનો મુદ્દો ચર્ચાયો હતો. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં પાલિકાના ૨૦૨૩-૨૪ના બજેટમાં વિવિધ પ્રોજેક્ટ માટે રિઝર્વ ફંડમાંથી ૧૨ હજાર ૭૭૬ કરોડ રૂપિયા ઉપાડવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું હતું કે ૫,૯૭૦ કરોડ રૂપિયાનું ભંડોળ કામચલાઉ આંતરિક લોન તરીકે લેવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી પાલિકાની ફિક્સ ડિપોઝીટનો એક હિસ્સો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અનામત રાખવામાં આવી રહ્યો છે.

સી કોસ્ટ પ્રોજેક્ટ, ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ, સીવરેજ પ્રોજેક્ટ જેવા ઊંચા ખર્ચ અને લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ્સ માટે જરૂરી ભંડોળ ફિક્સ ડિપોઝિટમાં અનામત ભંડોળ સાથે જોડવામાં આવ્યું છે.દર વર્ષે નગરપાલિકાની ફિક્સ ડિપોઝીટમાં વધારો થતો હોવાથી આ કરેલી રકમમાં પણ વધારો થાય છે. ગત નાણાકીય વર્ષમાં વિકાસના કામો પાછળ ૭૭૫૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

કોરોના સમયગાળા પછી, બાંધકામના પ્રીમિયમ પર છૂટ આપવામાં આવી હતી. આનાથી બાંધકામ ક્ષેત્રને મોટા પાયે વેગ મળ્યો અને નગરપાલિકાને માર્ચ ૨૦૨૨માં ૧૪ હજાર ૭૫૦ કરોડની આવક થઈ. તેથી, માર્ચ ૨૦૨૨માં પાલિકાની ફિક્સ ડિપોઝિટ રૂ. ૯૨ હજાર કરોડ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તે પછી આ ફિક્સ ડિપોઝિટમાં ઘટાડો થવા લાગ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button