ફક્ત અયોધ્યા જ નહીં, ભગવાન શ્રી રામના આ મંદિરો પણ છે ખૂબ જ પ્રસિદ્ધ….
પ્રભુ રામના મંદિરો: ભગવાન વિષ્ણુનો એક અવતાર એટલે કે પ્રભુ રામ જેમનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. અયોધ્યા શ્રી રામની જન્મભૂમિ હોવાથી હાલમાં ત્યાં એક ભવ્ય રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. આ મંદિર વિશે સમગ્ર વિશ્ર્વ જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રી રામના જન્મસ્થળ સિવાય ભારતમાં એવા ઘણા મંદિરો છે જ્યાં ભગવાન રામ બિરાજમાન છે. અને કહેવાય છે કે આ મંદિરોમાં પૂજા કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો આજે તમને ભગવાન રામના કેટલાક પ્રસિદ્ધ મંદિરો વિશે જણાવું.
કેરળનું ત્રિપ્રયાર મંદિરઃ
આ મંદિર કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલું છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અહીં પ્રભુ રામની મૂર્તિની સ્થાપના કરી હતી. અને ત્યારબાદ વર્ષો પછી ફરી તેની સ્થાપના કેરળના ચેટ્ટુવા પ્રદેશના એક માછીમાર દ્વારા કરવામાં આવી હતી. એવી પણ માન્યતા છે કે અહીં આવનારા ભક્તોને ભૂત પ્રેત જેવી ખરાબ આત્માઓથી પણ મુક્તિ મળે છે.
નાસિકનું કાલારામ મંદિર કાલારામ
મહારાષ્ટ્ર રાજ્યના નાસિકના પંચવટીમાં આ મંદિર આવેલું છે. અહીં શ્રી રામની 2 ફૂટ ઊંચી શ્યામ રંગની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે. એવી લોકવાયકા છે કે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં રહ્યા હતા. આ મંદિરનું નિર્માણ સરદાર રંગારુ ઓઢેકરે કરાવ્યું હતું. તેમને સ્વપ્નમાં ગોદાવરી નદીમાં શ્રી રામની કાળી મૂર્તિ જોઈ હતી જેને તેમણે બહાર કાઢીને મંદિરમાં સ્થાપિત કરી હતી.
તેલંગાણાનું સીતા રામચંદ્રસ્વામી મંદિરઃ
શ્રી રામનું આ મંદિર તેલંગાણાના ભદ્રાદી કોઠાગુડેમના ભદ્રાચલમમાં આવેલું છે. કહેવાય છે કે ભગવાન રામે માતા સીતાને લંકાથી પરત લાવતી વખતે અહીથી ગોદાવરી નદી પાર કરી હતી. અને ત્યારે તેમણે તેમનું ધનુષ અને બાણ અહી રાખ્યા હતા જે આજે આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
એમપીનું રામ રાજા મંદિરઃ
મધ્ય પ્રદેશના ઓરછામાં આવેલું આ મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન શ્રી રામની રાજા તરીકે પૂજા કરવામાં આવે છે. અહીં દરરોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને ભગવાન શ્રી રામને સશસ્ત્ર સલામી આપવામાં આવે છે.
કનક ભવન અયોધ્યાઃ
આ મંદિર શ્રી રામ જન્મભૂમિથી થોડાક જ અંતરે આવેલું છે. સોનાના આભૂષણો અને સુવર્ણ સિંહાસનને કારણે તેને કનક ભવન કહેવામાં આવે છે.
અમૃતસરનું શ્રી રામ તીર્થ મંદિરઃ
અમૃતસર આમતો સુવર્ણ મંદિર માટે જાણીતું છે. પરંતુ શ્રી રામનું વર્ષો જૂંનુ મંદિર પંજાબના અમૃતસરમાં પણ આવેલું છે. આ મંદિર તે સ્થાન પર બનેલ છે જ્યાં માતા સીતાએ લવ કુશને જન્મ આપ્યો હતો.
ચિકમંગલુરનું કોંડાંડા રામાસ્વામી મંદિરઃ
કર્ણાટકના ચિકમંગલુર જિલ્લામાં આવેલું આ મંદિર એકદમ અનોખું છે. એવું માનવામાં આવે છે કે હીરામગલુરમાં પરશુરામે ભગવાન રામને તેમના લગ્નના દ્રશ્યો બતાવવાની વિનંતી કરી હતી. અને એટલે જ ભગવાનની મૂર્તિઓ હિન્દુ લગ્ન વિધિની પરંપરા મુજબ એટલે કે લગ્ન કરતી હોય તેવી છે. આ એકમાત્ર મંદિર છે જ્યાં માતા સીતા ભગવાન રામ અને લક્ષ્મણની જમણી બાજુએ ઉભા છે.
તમિલનાડુનું રામાસ્વામી મંદિરઃ
આ મંદિરને દક્ષિણ ભારતનું અયોધ્યા કહેવામાં આવે છે. આ એકમાત્ર મંદિર છે જ્યાં રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ સાથે ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે.