‘અટલ સેતુ’ વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો પણ…
મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈ એમ બે શહેરો વચ્ચેનું અંતર ઓછું કરવા માટે દરિયાઈ પુલ બનાવવાનો વિચાર ઘણા વર્ષો પહેલા રજૂ કરવામાં આવ્યો હતો. આખરે એ યોજના વાસ્તવિક રીતે પાર પાડવામાં આવી છે. વડા પ્રધાન મોદીના હસ્તે અટલ બિહારી વાજપેયી શિવડી-ન્વાશેવા બ્રિજનું ઉદ્ઘાટન થયું. આ પુલના નિર્માણ માટે ૧૭,૮૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
જોકે અટલ સેતુ ખોલવામાં આવ્યો છે પણ હજુ વાહનચાલકોની મુશ્કેલી તો ચાલુ જ રહેશે. આ પુલને કારણે નવી મુંબઈ જતા મુસાફરો વધુ ઝડપે શિવડી પહોંચશે, પરંતુ પછી તેમને તેમના ઇચ્છિત મુકામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે આ પુલને જોડતા પ્રોજેક્ટનું કામ હજુ અધુરું છે.
એમએમઆરડીએ દ્વારા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (એમટીએચએલ) શિવડી-વરલી કનેક્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો આ કનેક્ટરનું કામ હજુ બાકી છે. શિવડીથી અવરજવર કરનારા વાહનો ઝડપથી ઉપનગરોમાં પહોંચી શકે, પરંતુ આ બાંધકામ હજુ ૬૫ ટકા પૂર્ણ થયું છે.
કનેક્ટરનું કામ પૂર્ણ થતાં હજુ એકથી દોઢ વર્ષનો સમય લાગશે. હાલમાં કનેક્ટર તૈયાર ન હોવાથી નવી મુંબઈથી આવતા અને ઉપનગરો તરફ જતા વાહનોને દક્ષિણ મુંબઈના માર્ગોનો ઉપયોગ કરવો પડશે.
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા માત્ર ૨૦થી ૨૫ મિનિટમાં મુંબઈ પહોંચી શકાય છે. પરંતુ શિવડીથી ઉપનગરો સુધી પહોંચવામાં ૩૦થી ૪૦ મિનિટ લાગી શકે છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકથી આવતા વાહનોને સમાન ઝડપે વરલી પહોંચવા માટે ૪.૫ કિમી લાંબો અને ૧૭.૨૦ મીટર પહોળા કનેક્ટરનું કામ ચાલુ છે. તે આગામી વર્ષે પૂર્ણ થશે, ત્યાં સુધી ટ્રાફિક જામની સ્થિતિ યથાવત રહી શકે છે.