નેશનલ

કોહલીનું 14 મહિને કમબૅક: ભારત બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરવાના મૂડમાં

ઇન્દોર: કિંગ કોહલી ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 14 મહિને વાપસી કરી રહ્યો છે. તે શનિવારે બપોરે ઇન્દોર આવવા મુંબઈથી રવાના થયો હતો. ભારત વતી ટી-20માં છેલ્લે તે 2022માં ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં રમ્યો હતો. મોહાલીમાં ભારતે અફઘાનિસ્તાન સામે સિરીઝની પ્રથમ મૅચ કોહલી વિના પણ છ વિકેટના માર્જિનથી જીતી લીધી હતી, પરંતુ હવે તે ટીમમાં પાછો આવી ગયો છે. પુત્રી વામિકાના ત્રીજા બર્થ-ડે વખતે ફૅમિલી પાસે રહેવાના કારણસર કોહલી પ્રથમ ટી-20માં નહોતો રમ્યો.

બીજી બાજુ અફઘાનિસ્તાનની ટીમમાં મુખ્ય ઑલરાઉન્ડર રાશિદ ખાન નથી એ જોતાં નબળી મહેમાન ટીમ સામે રોહિત શર્મા ઍન્ડ કંપની રવિવારે પણ જીતીને ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ સાથે ટ્રોફી મેળવી શકે એમ છે.
માર્ચ-એપ્રિલની આઇપીએલ અને જૂન મહિનાના ટી-20 વર્લ્ડ કપ પહેલાં કોહલી ટી-20માં પાવર બતાવવા કોઈ કસર બાકી નહીં રાખે એ ખાતરીથી કહી શકાય, કારણકે વિશ્ર્વકપ પહેલાંની ભારતની આ આખરી ટી-20 સિરીઝ છે અને કોહલી એમાં ચમકીને વિશ્ર્વકપમાં પણ પોતે રમશે જ એનો અણસાર આપી દેશે.

ફિટનેસની બાબતમાં એવરગ્રીન તરીકે ઓળખાતો કોહલી શનિવારે મર્સિડિઝ બેન્ઝ કારમાં બેસીને મુંબઈ ઍરપોર્ટ આવ્યો હતો.

ભૂતપૂર્વ વિકેટકીપર સબા કરીમે સ્ટાર સ્પોર્ટ્સને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘કોહલી કદાચ રોહિત સાથે ઓપનિંગમાં રમશે. જોકે હું માનું છું કે કોહલીએ વનડાઉનમાં જ રમવું જોઈએ.’

ભારત-અફઘાનિસ્તાનની ત્રીજી ટી-20 બુધવારે બેન્ગલૂરુમાં રમાવાની છે અને કોહલી એમાં પણ રમવાનો છે.
ભારત ક્યારેય અફઘાનિસ્તાન સામે ટી-20 મૅચ હાર્યું નથી. તમામ પાંચેય મૅચ ભારતે જીતી છે. બંને રાષ્ટ્ર વચ્ચેની આ પહેલી જ ટી-20 સિરીઝ છે જે જીતીને ઇતિહાસમાં નામ અંકિત કરવાની ભારતીય ટીમને તક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button