VIP Guestને આપવામાં આવનારી આ ખાસ Gift બનાવશે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને યાદગાર…
આખો દેશ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ ઘડીની હવે ઘડીઓ ગણાઈ રહી છે. આખરે નવ દિવસ બાદ એટલે કે 22મી જાન્યુઆરીના દિવસે રામલલ્લા અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેનારા અતિથિઓના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને હવે આ જ અનુસંધાનમાં એક મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેનારા VIP Guestને ખાસ ભેટ આપવામાં આવશે, જે આ ક્ષણને યાદગાર બનાવશે. ટ્રસ્ટ દ્વારા મહેમાનોને ભેટમાં રામરજ આપવામાં આવશે. આ સિવાય મહેમાનોને દેસી ઘીથી બનાવવામાં આવેલા ખાસ મોતીચૂરના લાડુ પણ પ્રસાદ તરીકે આપવામાં આવશે.
રામજન્મભૂમિની માટી એક ખાસ બોક્સમાં સાવધાનીપૂર્વક પેક કરવામાં આવશે અને આ માટીનો ઉપયોગ તમે ઘરના બગીચા કે છોડના કુંડામાં કરી શકાય છે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક જ્યુટની બેગમાં 15 મીટરનો રામ મંદિરનો ફોટો પણ ભેટમાં આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં એક લાખ લોકો ભાગ લેશે એવી આશા સેવાઈ રહી છે અને આ માટે ખાસ સુરક્ષાવ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ સહિત અનેક સેન્ટ્રલ એજન્સી પણ કાર્યક્રમને કારણે એલર્ટ મોડ પર છે. આ સાથે સાથે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા અસામાજિક તત્વો પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.