શમીનો ભાઈ કાનપુરમાં ધૂમ મચાવી રહ્યો છે: ભુવનેશ્વરે પણ કમાલ કરી નાખી…….
કાનપુર: રણજી ટ્રોફીની નવી સિઝનમાં શરૂઆતમાં જ કેટલાક સનસનાટીભર્યા પર્ફોર્મન્સીઝ જોવા મળ્યા છે. ભારતના ટોચના પેસ બોલર મોહમ્મદ શમી હમણાં પગની ઈજાને કારણે ટીમ ઇન્ડિયાથી દૂર છે, પરંતુ તેનો નાનો ભાઈ મોહમ્મદ કૈફ બેન્ગાલ વતી ધૂમ મચાવી રહ્યો છે. બીજી બાજુ, બેન્ગાલની હરીફ ટીમ ઉત્તર પ્રદેશ વતી દેશનો જૂનો ને જાણીતો પેસ બોલર ભુવનેશ્ર્વર કુમાર શનિવારે છવાઈ ગયો હતો. તેણે 17 વર્ષની કરીઅરનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને 41 રનમાં આઠ વિકેટ લીધી હતી.
કાનપુરમાં રણજી ટ્રોફીની એલીટ (ગ્રુપ-બી)ની ચાર-દિવસીય મૅચમાં ગુરુવારે પ્રથમ દિવસ હતો જેમાં ઉત્તર પ્રદેશને માત્ર 60 રનમાં ઑલઆઉટ કરાવવામાં મોહમ્મદ કૈફની મુખ્ય ભૂમિકા હતી. તેણે 5.5 ઓવરમાં ફક્ત 14 રનમાં ચાર વિકેટ લીધી હતી. સૂરજ સિંધુ જયસ્વાલે ત્રણ અને ઇશાન પોરેલે બે વિકેટ લીધી હતી.
બેન્ગાલના દાવમાં પણ અનહોની જોવા મળી હતી. બેન્ગાલે 188 રન બનાવીને 128 રનની લીડ લીધી હતી, પરંતુ ઉત્તર પ્રદેશ વતી ભુવનેશ્ર્વર કુમારે ધૂમ મચાવી હતી. તેણે 41 રનમાં આઠ પ્લેયરને આઉટ કર્યા હતા. માત્ર છઠ્ઠી અને દસમી વિકેટ યશ દયાલે લીધી હતી, જ્યારે બાકીની તમામ આઠ વિકેટ ભુવનેશ્ર્વરે પોતાના નામે કરી હતી. જોકે શમીના ભાઈને ભુવી આઉટ નહોતો કરી શક્યો. મોહમ્મદ કૈફ 79 બૉલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી 45 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ભુવીના આઠ શિકારમાં ત્રણ પ્લેયર કૅચઆઉટ, ત્રણ એલબીડબ્લ્યુ અને બે ક્લીન બોલ્ડ થયા હતા. ભુવીએ આ પહેલાં ક્યારેય એક દાવમાં સાત વિકેટ પણ નહોતી લીધી. 77 રનમાં છ વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ હતો.
ભુવી ભારત વતી કુલ 229 મૅચ રમ્યો છે જેમાં તેણે 294 વિકેટ લીધી છે. આઇપીએલમાં તે બેન્ગલૂરુ, હૈદરાબાદ અને પુણે વતી રમી ચૂક્યો છે.