‘સાધુઓને હેરાન કરવા માટે ભાજપે ઉપદ્રવીઓને આયાત કર્યા’, સાધુઓ સાથે હિંસા મામલે તૃણમૂલનું નિવેદન

પશ્ચિમ બંગાળ: પુરુલિયામાં ગંગાસાગર મેળામાં ભાગ લેવા જઇ રહેલા 3 સાધુઓ સાથે મોબ લિંચિગની ઘટના અંગે આખરે તૃણમૂલ સરકારે મૌન તોડ્યું છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપે સતત મમતા બેનરજી સરકાર પર પ્રહારો કર્યા હતા. જે અંગે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા દેબાંગ્શુ ભટ્ટાચાર્યએ જવાબ આપ્યો હતો.
ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ વીડિયોને સોશિયલ મીડિયા એક્સ પર શેર કરતા લખ્યું હતું કે ‘મમતા બેનરજીએ તેમના મૌન પર શરમ આવવી જોઈએ’. તેમણે સવાલો કરતા આગળ લખ્યું કે શું આ સાધુઓનું કોઈ મહત્વ નથી? અમારે આ અત્યાચારનો જવાબ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે 30 સેકેન્ડના વીડિયોમાં લોકોનું ટોળું સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારતા જોવા મળી રહ્યું છે. આ ઘટનાને અમિત માલવિયાએ મહારાષ્ટ્રના પાલઘરમાં 2020માં બનેલી ઘટના સાથે સરખામણી કરી હતી.
જે પછી TMCના આઇટી સેલના દેબાંગ્શુ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે “પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા સફળતાપૂર્વક ગંગાસાગર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે, લોકસભા ચૂંટણીઓ યોજાય તે પહેલા ભાજપે પાડોશી રાજ્યોમાંથી ઉપદ્રવીઓને આયાત કર્યા છે જેઓ યાત્રાળુઓ અને સાધુસંતોને હેરાન કરી રહ્યા છે. આ ઘટના તેમની ભૂતકાળની પ્રવૃત્તિઓની યાદ અપાવે છે, જેમ કે પંચાયતની ચૂંટણીઓ પહેલા રામ નવમીની શોભાયાત્રાઓ દરમિયાન અંધાધૂંધી ફેલાવવા માટે 19 વર્ષીય સુમિત શૉને ભાડે રાખવો.”
ત્યારબાદ તેણે આગળ ટિપ્પણીમાં ઉમેર્યું હતું કે, “પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરશે, અને આ વિઘટનકારી રાજકીય વ્યૂહરચના માટે જવાબદારોને ન્યાય અપાશે!”
દેબાંગ્શુ ભટ્ટાચાર્યએ તેમની પોસ્ટમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે ગયા વર્ષે હાવડામાં બનેલી ઘટના છે, જેમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન એક 19 વર્ષીય યુવકે ગોળીબાર કરતા ઠેરઠેર સાંપ્રદાયિક હિંસા ફેલાઇ ગઇ હતી. સુમિત શૉ તરીકે ઓળખાતા યુવકની બાદમાં બિહારના મુંગેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.