બંગાળમાં સાધુઓની મારપીટઃ કાયદો અને વ્યવસ્થા મુદ્દે અનુરાગ ઠાકુરે ઉઠાવ્યા સવાલ
કોલકત્તા: પશ્ચિમ બંગાળના પુરુલિયામાં ત્રણ સાધુઓ પર હુમલાના કેસમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળના પ્રસિદ્ધ યાત્રાધામ ગંગાસાગર મેળામાં જઈ રહ્યા હતા. ત્યારે એક ટોળાએ આ લોકોને અપહરણકર્તા સમજીને માર માર્યો હતો.
આ ઘટના બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જી સરકાર પર તીખી પ્રતિક્રિયાઓ આપી હતી. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર સીધા પ્રહારો કર્યા હતા. તેમણે પૂછ્યું હતું કે બંગાળમાં આવું વાતાવરણ કેમ છે? આ ઉપરાંત તેમણે મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર તુષ્ટિકરણનો આરોપ પણ લગાવ્યો હતો અને પશ્ચિમ બંગાળના કાયદા અને વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
અનુરાગ ઠાકુરે પુરુલિયાની ઘટના બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે આખરે બંગાળમાં આવું વાતાવરણ કેમ છે? તુષ્ટિકરણની રાજનીતિના કારણે બંગાળનું વાતાવરણ ખરાબ થયું છે. જ્યારે રામજન્મભૂમિનો પાયો નંખાવા જઈ રહ્યો છે ત્યારે જ બંગાળમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો. સાધુઓને મારવાના પ્રયાસો થયા. આ તુષ્ટિકરણની રાજનીતિ બંગાળને ક્યાં લઈ જશે? આ હિંદુ વિરોધી વિચારસરણી કેમ રાખે છે?
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતા અનુરાગ ઠાકુરે એમ પણ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સાવ મરી પરવારી છે. જનતાના પૈસાની સીધી ઉચાપત કરવામાં આવે છે. બંગાળમાં ભ્રષ્ટાચાર તેની ચરમસીમાએ છે. અને જ્યારે પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે તો ઇડીની ટીમ પર પણ પથ્થરમારો કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ સરકાર શા માટે ભ્રષ્ટાચારીઓને છાવરી રહી છે? ભ્રષ્ટાચારીઓને જનતાને લૂંટવા માટે ખુલ્લો દોર આપી રહી છે.
ત્યારે મહત્વની બાબત એ છે કે પાલઘર જેવી ઘટના બન્યા બાદ હવે મમતાની સરકાર પાસે પોતાનો પક્ષ રાખવા માટે કોઈ શબ્દો છે કે પછી 2024ની આવનારી ચૂંટણીમાં સાધુઓ સાથે થયેલી મારપીટના કારણે મમતાની સરકાર પર તેની સીધી અસર જોવા મળશે.