Amreli: એક દિવસમાં બે અકસ્માત, એક સિંહનું મોત અને એક સિંહણ ઘાયલ
અમરેલી: અમરેલી જિલ્લાના અમૃતવેલ ગામમાં શુક્રવારે માલગાડીની ટક્કરથી એક એશિયાટીક સિંહનું મોત થયું હતું. આ મહિનામાં જ ગીર વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર આ પ્રકારનું બીજું મૃત્યુ છે અને પાછળના એક વર્ષમાં આવી છઠ્ઠી ઘટના છે. આ ઉપરાંત અમરેલીના બગસરા પાસે નેશનલ હાઈવે-351 પર કારની ટક્કરથી સિંહણ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. સુત્રોના જણાવ્યા મુજબ ટ્રેન અકસ્માત પીપાવાવ-સુરેન્દ્રનગર રેલવે લાઇન પર અમૃતવેલ ગામ પાસે સર્જાયો હતો. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “સિંહને માલગાડીની ટક્કરથી ઈજા થઈ હતી. ત્યારથી અમારો સ્ટાફ તેને ટ્રેક કરી રહ્યો હતો. રેલ્વે લાઇન પાસેના કપાસના ખેતરમાં સવારે 7:45 વાગ્યે સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો, માર્યા ગયેલા સિંહની ઉંમર લગભગ ત્રણથી ચાર વર્ષની હતી.”
બગસરા શહેર નજીકના મુંજીયાસર મોટા ગામમાં બનેલા અન્ય અકસ્માતમાં સિંહણને ઈજા થઇ હતી, અમરેલી સામાજિક વનીકરણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો કારમાં બેસી જૂનાગઢ જઈ રહ્યા હતા. એક નીલગાય અચાનક દોડતી આવી અને કાર સામેથી હાઇવે ઓળંગી જતી રહી. ડ્રાઈવરે બ્રેક લગાવી છતાં નીલ ગાયનો પીછો કરી રહેલી સિંહણ કાર સાથે અથડાઈ હતી.”
વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કારની ટક્કરથી સિંહણના ત્રણ પગમાં ફ્રેક્ચર થયું હતું. તેનું લાયન હોસ્પિટલમાં રાતોરાત ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હાલમાં તે નિરીક્ષણ હેઠળ છે.