Kachchhi Kharek: કચ્છી ખારેક પકવતા ખેડૂતો માટે ખુશ ખબર, કચ્છની દેશી ખજૂરને મળી આગવી ઓળખ
![](/wp-content/uploads/2024/01/Kachchhi-Kharek.webp)
મુન્દ્રા: કચ્છના ખેડૂતો માટે આનંદના સમાચાર છે, કચ્છના અર્ધ-શુષ્ક વાતાવરણમાં ઉગતી ખજૂરની સ્વદેશી જાત ‘કચ્છી ખારેક’ને ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડ માર્કસ (CGPDT) તરફથી જીઓગ્રાફીક ઇન્ડિકેશન(GI) ટેગ મળ્યો છે, આ સાથે કચ્છી ખારેક આ ટેગ મેળવનાર ગુજરાતનું બીજું ફળ બની ગયું છે.
એક અખબારી અહેવાલ અનુસાર કચ્છના ખેડૂત ઉત્પાદક સંગઠન યુનિડેટ્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (UFPCL) દ્વારા દાખલ કરાયેલ અરજીને મંજૂર કર્યા પછી CGPDTની કચેરીએ આ મહિનાની શરૂઆતમાં 2 જાન્યુઆરીએ કચ્છી ખારેકને GI નું પ્રમાણપત્ર આપ્યું હતું.
કચ્છના ખજૂર ઉત્પાદકો માટે આ એક સારા સમાચાર છે કારણ કે ખારેક માટે GI ટેગ ખારેકને એક આગવી ઓળખ આપશે. હવે આ આ સ્વાદિષ્ટ ફળોના માર્કેટિંગ અને પ્રોસેસિંગ માટે નવા રસ્તાઓ ખુલશે.
અહેવાલમાં જણાવ્યા મુજબ મુન્દ્રામાં આવેલી સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી (SDAU)ના ખજૂર સંશોધન સ્ટેશનના તત્કાલીન સંશોધન વૈજ્ઞાનિક સી એમ મુરલીધરન દ્વારા એપ્લિકેશનની દાખલ કરવામાં આવી હતી. જો કે, પાછળથી SDAU એક ફેસિલિટેટર બન્યું અને UFPCLને અરજદાર બનાવ્યું.
કચ્છની ખારેક GI ટેગ મેળવનાર ગુજરાતનું બીજું ફળ બની ગયું છે. અગાઉ વર્ષ 2011 માં ગીર વિસ્તારની કેસર કેરીને આ ટેગ મળ્યો હતો. કેસર કેરી સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ઉગાડવામાં આવે છે. ભાલ પ્રદેશમાં ઉગાડવામાં આવતા ભાલીયા ઘઉંને પણ ટેગ આ આપવામાં આવ્યો હતો.
GI જર્નલમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છમાં ખારેકની હાજરી લગભગ 400-500 વર્ષ પહેલા પણ હોવાનંં માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદે ખજૂરનાં ઝાડ પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલા બીજમાંથી વિકસિત થયા હતા, પ્રવાસીઓ હજ માટે મધ્ય-પૂર્વના દેશોની મુલાકાત લેતા હતા અને વેપાર માટે પણ જ્યાંથી તેઓ બીજ સાથે ઘણી સામગ્રી લાવતા હતા. એ પણ સંભવ છે કે કચ્છના ભૂતપૂર્વ શાસકોના મહેલોમાં કામ કરતા આરબ માળીઓએ પણ અરબ દેશોમાંથી ખજૂરના બીજ લઇ આવ્યા હોય.
કચ્છમાં ઉગાડવામાં આવતી ખજૂરની કાપણી ખલાલ અવસ્થાએ કરવામાં આવે છે, તે તબક્કામાં જ્યારે ફળ પરિપક્વ થઇ ગયુ હોય છે. ફળ લાલ કે પીળા થઈ જાય છે પરંતુ હજુ પણ કડક હોય છે. અન્ય દેશોમાં, જ્યાં સુધી ફળ નરમ અને ઘેરા બદામી અથવા કાળા રંગના ન થાય ત્યાં સુધી તેમને વધુ પાકવા દેવામાં આવે છે.
GI જર્નલે નોંધ્યું છે કે, ‘કદાચ, સમગ્ર વિશ્વમાં કચ્છ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં તાજી ખજૂરની ખેતી, માર્કેટિંગ અને ઉપયોગ થાય છે. આ વિસ્તાર ભારતમાં ખજૂરની કુલ ખેતીમાં 85% થી વધુ હિસ્સો ધરાવે છે.”
ગુજરાત સરકારના જણાવ્યા મુજબ, કચ્છમાં 19,251 હેક્ટર જમીનમાં ખજૂરની ખેતી થાય છે, જે રાજ્યના કુલ 20,446 હેક્ટર ખજૂરના વાવેતર વિસ્તારના 94 ટકા છે.
GI મળવા અંગે ખુશી વ્યકત કરતા ખજૂરના ખેડૂતો જણાવ્યું હતું કે હવે અમે ગીર કેસર કેરીની તર્જ પર અમારી તાજી ખારેકનું બ્રાન્ડિંગ કરી શકીશું. GI ટેગ અમારા ફળોમાં ઉપભોક્તાનો વિશ્વાસ વધારશે અને તે બદલામાં ખેડૂતોને વધુ સારી કિંમતો પ્રાપ્ત કરવામાં મદદ મળશે.