Suchana Seth murder case: ગુનાના દ્રશ્યને રિક્રિએટ કરવા સુચના શેઠને ગોવા લઇ ગઇ પોલીસ
પણજીઃ ગોવાની એક હોટલમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરવાના આરોપમાં બેંગલુરુ સ્થિત ટેક સ્ટાર્ટ-અપની સીઈઓ સુચના સેઠે પોલીસને તેના ડિસ્ક્લોઝર સ્ટેટમેન્ટમાં કેસની “મહત્વપૂર્ણ વિગતો” આપી છે, જો કે તે હજી પણ એ વાતનું રટણ ચાલુ રાખે છે કે તેણે તેના પુત્રની હત્યા કરી નથી, તેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે સુચના સેઠના નિવેદનો વિરોધાભાસી અને માની નહી શકાય એવા છે. હોટેલમાં તેના 24 કલાકના સ્ટે દરમિયાન શું બન્યું તેની વિગતો તેણે પોલીસને આપી નથી અને તેણે હજી સુધી હત્યાની કબુલાત કરી નથી. સુચના શેઠે એવો પણ દાવો કર્યો હતો કે તેણે હોટલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, તેના કાંડાને કાપવા માટે રસોડામાં કટલરીનો ઉપયોગ કર્યો હતો.
ગુનાના દ્રશ્યને રિક્રિએટ કરવા માટે સુચનાને ગોવાની હોટેલ સોલ બનિયાન ગ્રાન્ડે લઈ જવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેણે કેટલાક સાક્ષીઓની સામે પંચનામા પર સહી કરી હતી. કોલ ડીટેઈલ રેકોર્ડ મુજબ, શેઠે હોટલમાં તેના રોકાણ દરમિયાન કોઈ ફોન કોલ રીસીવ કર્યો ન હતો.
સુચનાના ચાર વર્ષીય બાળક ચિન્મયની હત્યા કયા સમયે થઇ એ હજી પોલીસ નક્કી કરી શકી નથી, એમ જણાવતા પોલીસે ઉમેર્યું હતું કે સુચનાએ હવે થોડો સહકાર આપવાનું શરૂ કર્યું છે. પોલીસને જાણવા મળ્યું છે કે સુચનાએ ગોવા આવવાનો “છેલ્લી ઘડીનો” પ્લાન બનાવ્યો હતો . તેણે શરૂઆતમાં દક્ષિણ ગોવાનાપાલોલેમમાં રહેવાની યોજના બનાવી હતી, પરંતુ તે વિસ્તારમાં તેને હોટેલ મળી ન હતી. સુચનાએ હોટેલનો રૂમ 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી બુક કરાવ્યો હતો, પરંતુ 7 જાન્યુઆરીની રાત્રે, તેણે બેંગલુરુમાં તાકીદનું કામ હોવાનું કહીને હોટેલમાંથી ચેકઆઉટ કર્યું હતું. જ્યારે તે કથિત રીતે તેના પુત્રના મૃતદેહને બેગમાં ભરીને કેબમાં ભાગવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેને કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાંથી પકડવામાં આવી હતી.
સુચનાએ 2010માં વેંકટરમન સાથે લવમેરેજ કર્યા હતા. 2019માં તેમને એક પુત્ર થયો, પરંતુ ત્યાર બાદ પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ આવી અને બંને અલગ થઇ ગયા અને છૂટાછેડાો કેસ દાખલ કર્યો હતો. પોલીસનું માનવું છે કે પતિ સાથેના વણસેલા સંબંધો અને પુત્રની કસ્ટડીની લડાઈને કારણે સુચનાએ કથિત રીતે હત્યાનો ગુનો કર્યો હોઈ શકે છે.