નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વધુ એક સમન્સ મેકલ્યું છે. દિલ્હીના મુખ્ય પ્રધાને EDનું આ ચોથું સમન્સ છે. અગાઉ આપવામાં આવેલી નોટિસ પર કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા. કેજરીવાલે સમન્સને ગેરકાયદે ગણાવ્યા હતા. હવે ચોથું સમન્સ મોકલીને ઈડીએ અરવિંદ કેજરીવાલને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે દિલ્હીનું કથિત દારૂ કૌભાંડમાં કોઈ તથ્ય નથી. તેમણે કહ્યું કે જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હીના મુખ્ય પ્રધાનને અરવિંદ કેજરીવાલને ‘કાયદેસર’ સમન્સ મોકલે, તો તેઓ તેને સહકાર આપશે. AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ત્રીજા સમન્સ પર ED સમક્ષ હાજર થયા ન હતા અને સમન્સને ‘ગેરકાયદેસર’ અને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવ્યા હતા.
ત્યાર બાદ ED અરવિંદ કેજરીવાલના ઘરે દરોડો પડીને તેમની ધરપકડ કરે તેવી અફવાઓ શરુ થઇ હતી, જેને EDના અધિકારીઓએ નકારી કાઢી હતી.