ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે તેજીનું વલણ જળવાઈ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં સતત આઠમાં સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં રૂપિયો ૧૧ પૈસાના ઉછાળા સાથે ૮૨.૯૦ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૦૧ના બંધ સામે નરમાઈના ટોને ૮૩.૦૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૦ અને ઉપરમાં ૮૩ની સપાટી તોડીને ૮૨.૮૬ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૧ પૈસાના સુધારા સાથે ૮૨.૯૦ના મથાળે બંધ રહ્યો હતો.
બીએનપી પારિબાસનાં રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૪૭.૨૭ પૉઈન્ટનો અને ૨૪૭.૩૫ પૉઈન્ટનો ઉછાળો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે મોડી સાંજે ફુગાવાની તેમ જ ઔદ્યોગિક ઉત્પાદનનાં ડેટાની જાહેરાત પૂર્વે ટ્રેડરોનો સાવચેતીનો અભિગમ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૦૯ ટકા વધીને ૧૦૨.૩૮ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૨.૯૫ ટકા ઉછળીને બેરલદીઠ ૭૯.૬૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.