તૂને મારી એન્ટ્રી… વોર્નર હેલિકોપ્ટરમાં બેસીને પહોંચી ગયો ગ્રાઉન્ડ પર!: જોકે મેચ હારી ગયો
સિડની: ઈમેજિન કરો કે કોઈ ક્રિકેટર ગ્રાઉન્ડ પર રમવા આવે અને એકદમ હોલીવૂડ, બોલીવૂડ કે ટિપિકલ રોહિત શેટ્ટી સ્ટાઈલમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર, બાઈક કે હેલિકોપ્ટરમાં ગ્રાન્ડ એન્ટ્રી લે તો? તમે કહેશો કે હજી સુધી તો આવું કોઈએ કર્યું નથી, ભાઈ એટલે ખબર નહીં કેવું લાગે અને કેવી રીતે શક્ય છે.
પણ ભાઈ ઓસ્ટ્રેલિયન ટીમના બેટ્સમેન અને પુષ્પા ફેન ડેવિડ વોર્નરે આ અશક્ય લાગતી એન્ટ્રી શક્ય કરી દેખાડી છે અને તેણે સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકદમ ફિલ્મી સ્ટાઈલમાં હેલિકોપ્ટરમાં એન્ટ્રી લીધી હતી. ડેવિડે આવું કેમ કર્યું એવો સવાલ થાય એ સ્વાભાવિક છે તો ચાલો તમને આખો ઘટનાક્રમ જણાવીએ.
વાત જાણે એમ છે કે ડેવિડ વોર્નર સિડની સિક્સર્સ સામેની સિડની થંડરની બિગ બેશ લીગ મેચ પહેલાં હેલિકોપ્ટરથી પહોંચ્યો હતો અને તેના હેલિકોપ્ટરે સીધું મેદાન પર જ લેન્ડિંગ કર્યું હતું.
વોર્નરે હાલમાં જ ટેસ્ટ અને વન-ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ૩૭ વર્ષીય આ બેટ્સમેને પોતાની લાસ્ટ ટેસ્ટ મેચ પાકિસ્તાન સામે રમી હતી અને એ મેચમાં તેણે ૫૭ રન બનાવીને ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ કરવામાં મદદ કરી હતી.
ડેવિડ વોર્નરે પોતાની ૧૩ વર્ષ લાંબી કારકિર્દીમાં ૧૧૨ ટેસ્ટ અને ૧૬૧ વન-ડે મેચ રમીને અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે અને તે મેદાનની બહાર પણ ફેન્સને એન્ટરટેઈન કરતો રહે છે. હવે સીધું મેદાન પર હેલિકોપ્ટરમાં એન્ટ્રી લેતો ડેવિડ વોર્નરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો છે. વોર્નર તેના ભાઈના લગ્નમાં હાજરી આપીને મેચ પહેલા ખૂબ ઓછો સમય બાકી હોવાથી હેલિકોપ્ટરમાં બેસીને ગ્રાઉન્ડ પર આવ્યો હતો. તેણે અગાઉથી જ આવી એન્ટ્રીનો પ્લાન બનાવ્યો હતો. આ એ જ મેદાન છે જ્યાં તે તાજેતરમાં છેલ્લી ટેસ્ટ રમ્યો હતો. તેનું હેલીકોપ્ટર મેદાન પર જ્યાં લેન્ડ થયું એની બાજુમાં તેની ફેરવેલ ટેસ્ટ સમયનું લખાયું હતું, ’થેન્ક્સ ડેવ.’
તેના ફેન્સ તેની આ ગ્રેટ ગ્રાન્ડ એન્ટ્રી જોઈને એકદમ ખુશ
થઈ ગયા હતા. આ મેચની બધી ટિકિટો અગાઉથી જ વેચાઈ ગઈ હતી.
જોકે, વોર્નર જે મેચમાં હતો એ ટીમ (સિડની થન્ડર) ૧૯ રનથી હારી ગઈ હતી. આ ટીમ ૧૫૨ રનના ટાર્ગેટ સામે ૧૩૨ રન બનાવી શકી હતી જેમાં વોર્નરે ૩૯ બોલમાં બે સિક્સર અને એક ફોરની મદદથી બનાવેલા ૩૭ રન હાઈએસ્ટ હતા. સ્ટીવ સ્મિથ સામેની ટીમમાં હતો અને તે પહેલા જ બોલમાં આઉટ થયો હતો.