રોહિત શર્મા રનઆઉટથી હતાશ, ગિલની ટૂંકી ઇનિંગ્સથી નિરાશ
કૅપ્ટન-ઓપનરે કહ્યું, ‘ક્યારેક ખૂબ હતાશ થઈ જવાય એવું બની જતું હોય છે’
મોહાલી: કૅપ્ટન રોહિત શર્માએ ગુરુવારે ૧૪ મહિને ફરી એકવાર ટી-૨૦ ઇન્ટરનૅશનલ્સમાં રમવાની શરૂઆત કરી અને અફઘાનિસ્તાન સામેની સિરીઝની પહેલી જ ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન ભેગો થઈ ગયો એનાથી તેના કરોડો ચાહકો નિરાશ હશે જ, ખુદ રોહિતે પણ અલગ શબ્દોમાં હતાશા વ્યક્ત કરી હતી.
રોહિતની સાથે શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યો હતો. રોહિત હજી તો ક્રીઝમાં સેટ થાય એ પહેલાં પોતાના બીજા જ બૉલમાં રનઆઉટ થઈ ગયો હતો. તેણે મૅચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું, ‘આવું (રનઆઉટ) બન્યા કરતું હોય છે. આવું બને ત્યારે ખૂબ હતાશ થઈ જવાય. ક્રીઝ પર બને એટલો વધુ સમય રહીને ટીમ માટે રન બનાવવાની ખૂબ ઇચ્છા થાય, પણ ક્યારેક આવું બની જાય એટલે નિરાશા આવી જાય. બધુ આપણે ઇચ્છીએ એવું નથી થતું. અમે મૅચમાં વિજય મેળવ્યો એ વધુ મહત્ત્વપૂર્ણ છે.’
ફઝલહક ફારુકીની પહેલી ઓવરનો પ્રથમ બૉલ ડૉટ બૉલ રહ્યા પછી બીજા બૉલને રોહિતે આગળ આવીને મિડ-ઑન તરફ મોકલ્યો હતો. નૉન-સ્ટ્રાઇક પર ઊભેલો શુભમન ગિલ બૉલને જોતો રહ્યો હતો અને ઝડપથી સિંગલ લઈ લેવાના રોહિતના કૉલ પર તે પૂરતું ધ્યાન નહોતો આપી શક્યો. ગિલે રોહિતને પાછો મોકલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ રોહિત ખૂબ આગળ આવી ગયો હતો અને ગિલની ભૂલ સહિતની એ ગેરસમજને કારણે રોહિતે રનઆઉટમાં વિકેટ ગુમાવવી પડી હતી.
મોહાલીની શ્રેણીની આ પ્રથમ મૅચમાં ભારતે અફઘાનિસ્તાન સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. અફઘાનિસ્તાને બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા જેમાં મોહમ્મદ નબીના ૪૨ રન હાઇએસ્ટ હતા. મુકેશ કુમાર તથા અક્ષર પટેલે બે-બે અને શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી. ભારતે ૧૭.૩ ઓવરમાં ચાર વિકેટે ૧૫૯ રન બનાવીને છ વિકેટના માર્જિનથી જીત મેળવી હતી. શિવમ દુબે ૬૦ રન બનાવીને અણનમ રહ્યો હતો.
ગિલ ફક્ત ૧૨ બૉલની ઇનિંગ્સમાં ૨૩ રન બનાવીને મુજીબ ઉર રહમાનના બૉલમાં સ્ટમ્પ-આઉટ થયો હતો. રોહિતે મૅચ પછી ગિલનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘હું ઇચ્છતો હતો ગિલ તેની ઇનિંગ્સમાં ઘણો આગળ વધે, પરંતુ કમનસીબે તે બહુ થોડું રમીને વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે આ મૅચમાં ઘણી સકારાત્મકતા પણ જોવા મળી. શિવમ દુબે અને જિતેશ વર્માએ પૉઝિટિવ અપ્રોચથી બૅટિંગ કરી હતી. તિલક વર્મા પણ સારું રમ્યો અને રિંકુ સિંહ ફૉર્મમાં છે. અમે અલગ-અલગ બાબતો અજમાવવાનું પસંદ કરીએ છીએ.
બોલરોને અમે વિભિન્ન પરિસ્થિતિઓમાં બોલિંગ કરવા પ્રેરિત કરીએ છીએ. આ મૅચમાં ૧૯મી ઓવરમાં વાશી (વૉશિંગ્ટન સુંદર)ને અજમાવ્યો. અમે જેમાં થોડા નબળા છીએ અને જે બોલરને જેમાં ફાવટ નથી એમાં પોતાને ચૅલેન્જ આપીએ છીએ. હા, મૅચની કિંમત પર આવું ક્યારેય નથી કરતા. એકંદરે, અમારા માટે આ દિવસ સારો રહ્યો.’
શિવમ દુબેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.