કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ ફરી એક વાર આર્મીને બનાવી ‘ટાર્ગેટ’
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓએ આર્મીની ટ્રક પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ફરી કાશ્મીરમાં શાંતિ હણવાનો પ્રયાસ કરતા તેના જવાબમાં આર્મીએ પણ વળતો જવાબ આપ્યો હતો.
શુક્રવારે સાંજે જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાં ફરી એક વખત આતંકવાદીઓએ આર્મીને ટાર્ગેટ કરી હતી. આ હુમલા પછી આર્મીના જવાનોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરવામાં આવી હતી, જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બંને તરફથી આમનેસામને ગોળીબાર ચાલુ છે. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર જાણવા મળ્યા નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ અગાઉ ગયા મહિના દરમિયાન પૂંચના બફલિયાજ વિસ્તારમાં આર્મીની બે ટ્રક પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. કાશ્મીરમાં પીર પંજાલ ક્ષેત્ર (રાજોરી અને પૂંચ) 2003થી આતંકવાદથી મુક્ત હતું, પરંતુ ઓક્ટોબર 2021થી આ વિસ્તારમાં ફરીથી આતંકવાદી હુમલાઓ શરૂ થયા છે. છેલ્લા સાત મહિનામાં અધિકારીઓ અને કમાન્ડો સહિત 20 જવાન શહીદ થયા છે. છેલ્લા બે વર્ષમાં આ વિસ્તારોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન 35થી વધુ જવાન શહીદ થયા છે.