આમચી મુંબઈ

કાંદિવલીમાં બનશે લિફ્ટ અને એસ્કેલેટર સહિતનો પ્રથમ એફઓબી

મુંબઈ: મુંબઈના કાંદિવલી પશ્ચિમ વિસ્તારમાં આવેલા લાલજી પાડા ખાતે મહાપાલિકા દ્વારા ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) બનાવવામાં આવવાનો છે. આ એફઓબી પર દાદરા, એસ્કેલેટરની સાથે લિફ્ટની પણ સુવિધા હશે. મુંબઈનો આ પહેલો બ્રિજ છે જ્યાં દાદરા, એસ્કેલેટરની સાથે લિફ્ટ પણ હશે. છ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવતા આ એફઓબીનો ફાયદો અનેક પ્રવાસીઓને થશે.

કાંદિવલીમાં બનેલા એફઓબી માટે કોન્ટ્રેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. આ પહેલા પાલિકા દ્વારા કિંગ સર્કલમાં શહેરનો પહેલો એસ્કેલેટરની સુવિધાવાળો એફઓબી તૈયાર કરવામાં આવ્યો હતો. કાંદિવલીનો આ બ્રિજ શહેરનો પ્રથમ બ્રિજ બન્યો છે જ્યાં દાદરા, એસ્કેલેટરની સાથે લિફ્ટની પણ સુવિધા હશે.

એફઓબી માટે શહેરની મહાપાલિકા દ્વારા ન્યુ લિન્ક રોડ અને વાડીલાલ ગોસાલિયા રોડ આ વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કેટલા પ્રવાસીઓ પગે ચાલીને પ્રવાસ કરે છે તેની માહિતી મેળવવામાં આવી હતી, જેમાં આ માર્ગથી અંદાજે 27,000 જેટલા લોકો રસ્તો કોર્સ કરીને જાય છે, એવું જાણવા મળ્યું હતું. શહેરના આ વિસ્તારમાં પ્રવાસીઓના ઘસારાને લીધે સ્થાનિક વિધાનસભ્યએ પુલ બાંધવાની માગણી કરી હતી.

આ પુલ અને લિફ્ટના મેન્ટેનન્સની પાંચ વર્ષ માટેની જવાબદારી કોન્ટ્રેક્ટરને આપવામાં આવી છે. આ દરેક કામો માટે 5.69 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, અને આ એફઓબી આગામી બે વર્ષમાં બનીને પૂર્ણ થઈ જશે. આ વિસ્તારમાં અનેક શાળાઓ પણ આવેલી છે. આ રોડ પરથી રોજ હજારો વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે. વિદ્યાર્થીઓની રસ્તો ઓળંગવાની સમસ્યાને દૂર કરવા માટે આ પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ તૈયાર થયા બાદ લાલજી પાડા, ગણેશ નગર, ઈન્દિરા નગર, સંજય નગર, જનતા કોલોની, અભિષેક નગરના રહેવાસીઓને થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button