આમચી મુંબઈમહારાષ્ટ્ર

કાંદિવલીની હૉસ્પિટલમાંથી 20 દિવસના બાળકનું અપહરણ કરનારી મહિલા પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કાંદિવલીની હૉસ્પિટલમાંથી 20 દિવસના બાળકનું કથિત અપહરણ કરનારી મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. પરિવારજનોનાં મહેણાં-ટોણાથી કંટાળીને સંતાનની લાલસામાં મહિલાએ આવું પગલું ભર્યું હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

વિરારમાં રહેતી રિંકી જૈસ્વાલ (26)ની ફરિયાદને આધારે કાંદિવલી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રિંકીના 20 દિવસના બાળકને સારવાર માટે કાંદિવલી પશ્ર્ચિમમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે કાંદિવલીના પોઈસર વિસ્તારમાં રહેતી 21 વર્ષની મહિલા હૉસ્પિટલમાં આવી હતી. તેણે રિંકીને વાતોમાં પરોવી રાખી તેનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. બાદમાં તેની જાણબહાર બાળકને એક કપડામાં વીંટાળી આરોપી મહિલા ત્યાંથી પસાર થઈ ગઈ હતી.

બનાવની જાણ થતાં કાંદિવલી પોલીસે હૉસ્પિટલ બહારના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં બુરખો પહેરેલી શંકાસ્પદ મહિલા બાળકને લઈ જતી નજરે પડી હતી. હૉસ્પિટલ બહારથી રિક્ષામાં બેસી મહિલા મલાડના દિશામાં જતી ફૂટેજમાં દેખાતાં પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે લગભગ 150 જેટલા કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં.

મહિલા બાળકને લઈ પહેલાં મલાડના માલવણી વિસ્તારમાં અને પછી ગોરેગામ પૂર્વમાં ગઈ હતી. પોલીસ શોધ ચલાવી રહી હતી ત્યારે મહિલા બાળક સાથે વનરાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. ધરપકડના ડરે બાળક ફૂટપાથ પર મળ્યું હોવાનું જુઠ્ઠાણું મહિલાએ ચલાવ્યું હતું. જોકે શંકા જતાં પોલીસે તેની આકરી પૂછપરછ કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મહિલાનાં લગ્ન દોઢેક વર્ષ અગાઉ થયાં હતાં. તેને સંતાન ન હોવાથી પરિવારજનો ટોણા મારતા હતા. મહેણાં-ટોણાથી કંટાળી મહિલાએ બાળકનું અપહરણ કર્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button