મુંબઈના મૅચ-વિનર શિવમ દુબેએ ધોની વિશે શું સ્ટેટમેન્ટ આપ્યું?: રોહિતે તેને શું વચન આપ્યું છે?
મોહાલી: સામાન્ય રીતે બૅટર કે બોલર કે ઑલરાઉન્ડરને આઇસીસીના રૅન્કિંગમાં ઊંચા રેટિંગ મળે ત્યારે તે બેહદ ખુશ થઈને પછીની મૅચોમાં વધુ સારું રમવાનો પ્રયાસ અચૂક કરે છે, કારણકે એ રેટિંગથી તેનો આત્મવિશ્ર્વાસ વધુ ઊંચાઈએ પહોંચી ગયો હોય છે.
જોકે ગુરુવારે મોહાલીમાં અફઘાનિસ્તાનને સિરીઝના પહેલા જ મુકાબલામાં પરાસ્ત કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મુંબઈકર શિવમ દુબેને જેના તરફથી જે રેટિંગ મળ્યું એ વાત સાવ નોખી છે. તે મહેન્દ્રસિંહ ધોનીને ગુરુ માને છે અને તેના તરફથી જે પ્રોત્સાહન મળી રહ્યું છે એની વાત તેણે (શિવમે) ગુરુવારે મૅચ પછીના ઇન્ટરવ્યૂમાં કરી હતી.
શિવમે એ મૅચમાં હરીફ ટીમના કૅપ્ટન ઇબ્રાહિમ ઝડ્રાન (બાવીસ બૉલમાં પચીસ રન)ની પ્રાઇઝ વિકેટ લીધી હતી અને પછી 40 બૉલમાં બે સિક્સર અને પાંચ ફોરની મદદથી અણનમ 60 રન બનાવીને યાદગાર ફિનિશ સાથે ભારતને વિજય અપાવ્યો હતો. ત્રણ મૅચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. જિતેશ શર્માએ 20 બૉલમાં પાંચ ફોર સાથે 31 રન બનાવ્યા હતા, જ્યારે વનડાઉનમાં તિલક વર્માએ બાવીસ બૉલમાં એક સિક્સર, બે ફોર સાથે 26 રનનો ફાળો આપ્યો હતો. રિન્ક સિંહ બે ફોરની મદદથી 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાનના મુજીબ-ઉર-રહમાને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
30 વર્ષનો શિવમ દુબે 2019થી નૅશનલ સિલેક્ટરોના રડારમાં હતો, પરંતુ કોઈક કારણસર તેની બૅટિંગ નબળી થતાં તેને ટીમમાં સ્થાન નહોતું મળ્યું. જોકે 2022માં આઇપીએલના મેગા ઑક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ તેને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યોગાનુયોગ, એ જ દિવસે તે પિતા બન્યો હતો. શિવમે એ સીઝનમાં 156.22ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવીને પોતાની કિંમત યથાર્થ ઠરાવી હતી.
2023ની આઇપીએલમાં તેણે 16 મૅચમાં 35 સિક્સરની મદદથી અને 158.00ના સ્ટ્રાઇક-રેટ સાથે 418 રન બનાવ્યા હતા. ભારત વતી એક વન-ડે અને 19 ટી-20 સહિત કુલ 20 ઇન્ટરનૅશનલ મૅચ રમનાર શિવમ દુબેએ ગુરુવારની મૅચ પછી એક મુલાકાતમાં કહ્યું, ‘હું સમયાંતરે માહીભાઈ (એમએસ ધોની) સાથે ફોન પર વાત કરતો રહું છું.
તેઓ એટલા બધા મોટા પ્લેયર અને લેજન્ડ છે કે તેમની પાસેથી મને દર વખતે કંઈકને કંઈક નવું શીખવા મળે છે. અલગ પરિસ્થિતિમાં કેવી રીતે બૅટિંગ કરવી એ વિશે તેઓ મને શીખવતા હોય છે. તેમણે મને બે-ત્રણ ટિપ્સ આપી છે જે મને ખૂબ કામ લાગી રહી છે. તેમણે મને ઘણી વાર વેરી ગૂડ પ્લેયર તરીકેનું રેટિંગ આપ્યું છે. તેમના જેવી હસ્તી મને આવું રેટિંગ આપે તો સારું રમવાનો મારામાં આત્મવિશ્ર્વાસ આવી જ જાયને. મારો આત્મવિશ્ર્વાસ પણ બુલંદ થઈ ગયો છે.’
શિવમ દુબેએ કૅપ્ટન રોહિત શર્માની વાત પણ કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે ‘રોહિતે મને ખાતરી આપી છે કે તે દરેક મૅચમાં મને મૅચની પરિસ્થિતિને આધારે બેથી ત્રણ ઓવર આપશે જ. મારા માટે આ વચન ખૂબ સકારાત્મક કહેવાય.’