સ્પોર્ટસ

જાણો, રોહિત શર્માએ પોતાના રનઆઉટ વિશે શું કહ્યું

મોહાલી: કૅપ્ટન રોહિત શર્માએ ગુરુવારે 14 મહિને ફરી એકવાર ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં રમવાની શરૂઆત કરી અને અફઘાનિસ્તાન સામેની સિરીઝની પહેલી જ ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન ભેગો થઈ ગયો એનાથી તેના કરોડો ચાહકો નિરાશ હશે, જ ખુદ રોહિતે પણ અલગ શબ્દોમાં નિરાશા વ્યક્ત કરી હતી.

રોહિતની સાથે શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યો હતો. રોહિત હજી તો ક્રીઝમાં સેટ થાય એ પહેલાં પોતાના બીજા જ બૉલમાં રનઆઉટ થઈ ગયો હતો. તેણે મૅચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું, ‘આવું (રનઆઉટ) બન્યા કરતું હોય છે. આવું બને ત્યારે નિરાશા ખૂબ થાય, ક્રીઝ પર બનેએટલો વધુ સમય રહીને ટીમ માટે રન બનાવવાની ખૂબ ઇચ્છા થાય, પણ ક્યારેક આવું બની જાય એટલે નિરાશા આવી જાય. બધુ આપણે ઇચ્છીએ એવું નથી થતું. અમે મૅચમાં વિજય મેળવ્યો એ વધુ મહત્ત્વપૂર્ણ છે.’

મોહાલીની શ્રેણીની આ પ્રથમ મૅચમાં ભારતે અફઘાનિસ્તાન સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. અફઘાનિસ્તાને બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે 158 રન બનાવ્યા હતા જેમાં મોહમ્મદ નબીના 42 રન હાઇએસ્ટ હતા. મુકેશ કુમાર તથા અક્ષર પટેલે બે-બે અને શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી. ભારતે 17.3 ઓવરમાં ચાર વિકેટે 159 રન બનાવીને છ વિકેટના માર્જિનથી જીત મેળવી હતી. શિવમ દુબે અણનમ 60 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ગિલ ફક્ત 12 બૉલની ઇનિંગ્સમાં 23 રન બનાવીને મુજીબ ઉર રહમાનના બૉલમાં સ્ટમ્પ-આઉટ થયો હતો. રોહિતે મૅચ પછી ગિલનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘હું ઇચ્છતો હતો ગિલ તેની ઇનિંગ્સમાં ઘણો આગળ વધે, પરંતુ તે બહુ થોડું રમીને વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે આ મૅચમાં ઘણી સકારાત્મકતા પણ જોવા મળી.

શિવમ દુબે અને જિતેશ વર્માએ પૉઝિટિવ અપ્રોચથી બૅટિંગ કરી હતી. તિલક વર્મા પણ સારું રમ્યો અને રિંકુ સિંહ ફૉર્મમાં છે. અમે અલગ-અલગ બાબતો અજમાવવાનું પસંદ કરીએ છીએ. બોલરોને અમે વિભિન્ન પરિસ્થિતિઓમાં બોલિંગ કરવા પ્રેરિત કરીએ છીએ. આ મૅચમાં 19મી ઓવરમાં વાશી (વૉશિંગ્ટન સુંદર)ને અજમાવ્યો. અમે જેમાં થોડા નબળા છીએ અને જે બોલરને જેમાં ફાવટ નથી એમાં પોતાને ચૅલેન્જ આપીએ છીએ.

હા, મૅચની કિંમત પર આવું ક્યારેય નથી કરતા. અમે હરીફો કરતાં સારું રમીએ એવો તેમ જ જીતવાનો હંમેશાં પ્રયાસ કરતા હોઈએ છીએ. એકંદરે, અમારા માટે આ દિવસ સારો રહ્યો.’

30 વર્ષીય મુંબઈકર ઑલરાઉન્ડર શિવમ દુબેને એક વિકેટ લેવા બદલ અને અણનમ 60 રન બનાવવા બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button