ઇન્ટરનેશનલવેપાર અને વાણિજ્ય

સ્થાનિક Goldમાં ₹71નો સુધારો, Silver ₹294 ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની માગ ખૂલતા ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાર પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦થી ૭૧ સુધી મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૯૪ ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક
બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૯૪ના ઘટાડા સાથે રૂ. ૭૧,૨૩૮ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની પાંખી માગ તેમ જ રૂપિયામાં મજબૂત વલણ રહ્યું હોવાથી મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦ વધીને રૂ. ૬૨,૦૮૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧ વધીને રૂ. ૬૨,૩૩૩ના મથાળે રહ્યા હતા.

મધ્યપૂર્વના દેશોમાં ખાસ કરીને રાતા સમુદ્રમાં રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાથી રોકાણકારોની સલામતી માટેની માગનો ટેકો મળતાં આજે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ ૫૦ દિવસની દૈનિક સરેરાશ સપાટી કરતાં ઊંચા ક્વૉટ થઈ રહ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૪.૮૪ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૦૩૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


વધુમાં ગઈકાલે અમેરિકા ખાતે જાહેર થયેલા ડિસેમ્બર મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ થઈ હતી, પરંતુ ખાદ્ય ચીજો અને ઈંધણના ભાવમાં ભારે ચંચળતા રહેવાથી ભાવમાં વૃદ્ધિની ગતિ જે વર્ષાનુવર્ષ ધોરણે ચાર ટકા હતી તે ઘટીને ૩.૯ ટકાના સ્તરે રહી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ પર અને ત્યાર બાદ ૩૦-૩૧ જાન્યુઆરીની અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાનું વિશ્લેષકોએ
જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી…