Vibrant Gujarat 2024: ‘પીએમ મોદીએ વેસ્ટનો ઉપયોગ કરીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું’ ભૂપેન્દ્ર પટેલ
![Prime Minister Narendra Modi, Chief Minister Bhupendra Patel, Vibrant Gujarat, Climate Change, Clean Energy Slug Suggestions:](/wp-content/uploads/2024/01/CM-Shri-Bhupendra-Patel-Participates-In-A-Seminar-On-Renewable-Energy.webp)
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ત્રીજા દિવસે આયોજીત સેમીનાર ‘‘ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સરક્યુલર ઈકોનોમીઃ રિસાયક્લીંગ વેસ્ટ-વૉટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી’’ ને સંબોધતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ વેસ્ટનો સારી રીતે યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છે.
મુખ્ય પ્રધાને જણવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા માટે શરૂ કરાવેલા ગોબરગેસ અને બાયોગેસ પ્રોજેક્ટને કારણે ગ્રામ્ય અર્થતંત્રમાં સકારાત્મક બદલાવ આવ્યા છે.
સ્વચ્છ સર્વેક્ષણમાં સુરતને ભારતના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્યનું દરેક શહેર સ્વચ્છતામાં નંબર વન બને તેવા વાતાવરણનું આપણે સર્જન કરવું છે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વેસ્ટનું યોગ્ય મેનેજમેન્ટ કરીને આપણે સરક્યુલર ઇકોનોમી બનાવી છે.
મુખ્ય પ્રધાને કહ્યું કે કે જો ઇચ્છાશક્તિ હોય તો ટેકનોલોજીનાં મદદથી આપણે ઘણું સારૂં કામ કરી શકીએ છીએ. સુરત શહેરી સત્તાતંત્ર દ્વારા વેસ્ટ વોટર ટ્રીટ કરીને ઇન્ડસ્ટ્રીઝને આપીને તેમાંથી વર્ષ 140 કરોડ જેટલી આવક મેળવી છે તે સરક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્રસંગે કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્ય પ્રધાન કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, ભારત જેવા ઝડપથી વિકસતા રાષ્ટ્ર માટે શહેરીકરણની સાથે ઉદ્દભવતા પ્રશ્નોનું સમાધાન લાવવું આવશ્યક છે. આજે દેશમાં ઉત્પન્ન થતા કચરામાંથી બાયોગેસ, બાયો સીએનજી, હાઈબ્રિડ ફ્યુઅલ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતે ‘વેસ્ટ ટુ એનર્જી’ એટલે કે કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવા માટે પોલીસી અમલી બનાવી, સર્ક્યુલર ઇકોનોમીની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યા છે.
સમિટમાં ઉપસ્થિત વર્લ્ડ બેંકના કંટ્રી ડાયરેક્ટર ઓગસ્તો ટેનો કોમોએ જણાવ્યું હતું કે, પૃથ્વી પરથી કોઈ ચીજવસ્તુનો નાશ કરી શકાતો નથી. ફક્ત તેને રિસાયકલ- રીયુઝ- રીસ્ટોર કરી શકાય છે. સર્ક્યુલર ઇકોનોમીનો ઉદ્દેશ્ય પૃથ્વી પર ઉત્પન્ન થતા કચરાને રિસાયકલ કરી, તેનો પુન: ઉપયોગ કરવાનો તથા માનવજાત માટે ટકાઉ ભવિષ્યના નિર્માણનો છે.