નેશનલ

જ્યારે બેડમિન્ટન રમવા લાગ્યા યોગી… , લોકો જોતા જ રહી ગયા

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે હાલમાં જ બરેલીના ઇનડોર સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું છે. યુપીના બરેલીમાં સીએમ યોગી આદિત્યનાથનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેઓ ડોરી લાલ સ્પોર્ટ્સ સ્ટેડિયમના મલ્ટીપર્પઝ હોલનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. સામાન્ય રીતે ગંભીર મુદ્રામાં જણાતા સીએમ યોગી જ્યારે બેડમિન્ટન કોર્ટ પહોંચ્યા ત્યારે કંઇક અલગ જ દૃશ્ય જોવા મળ્યું હતું. તેમણે રેકેટ હાથમાં લઈને રાજ્યના નાણા પ્રધાનને આગળ આવીને રમવાનો ઈશારો કર્યો હતો. જે બાદ સીએમ અને નાણા પ્રધાન બંનેએ બેડમિન્ટન પર હાથ અજમાવ્યો હતો.

એક તરફ સીએમ યોગીના હાથમાં રેકેટ હતું અને બીજી તરફ નાણા પ્રધાન સુરેશ ખન્નાના હાથમાં રેકેટ હતું. બંનેની ગેમ જોરદાર જામી ગઇ હતી. બંનેએ જોરદાર શોટ માર્યા હતા. જ્યારે સીએમ યોગી અને નાણા પ્રધાન સુરેશ ખન્ના રમી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર રહેલા બધાની નજર તેમના પર જ હતી. લોકોના ચહેરા પર સ્મિત હતું. લોકો સીએમ યોગીનો શટલર લુક જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સમયે તેમની આસપાસ ખેલાડીઓ, નેતાઓ અને સુરક્ષા સંબંધિત લોકો પણ હાજર હતા.


આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સ્ટેડિયમમાં હાજર ખેલાડીઓ, કોચ વગેરેને મળ્યા હતા અને તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા. તેમણે સ્ટેડિયમમાં રમતગમતની આધુનિક સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર, આ ડોરી લાલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં બનેલા આધુનિક હોલ પર 10 કરોડ 8 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ આખો હોલ એરકન્ડિશન્ડ છે. તેમાં 2 બાલ્કનીઓ બનાવવામાં આવી છે. આ હોલમાં લગભગ 350 લોકો એકસાથે આરામથી બેસી શકે છે. અહીં ખેલાડીઓને રહેવા માટે રેસ્ટ રૂમ, ટ્રેકિંગ રૂમ, મેડિકલ રૂમ અને લિફ્ટ વગેરે જેવી સુવિધાઓ પણ છે. આ હોલની અંદર કુસ્તી, ટેબલ ટેનિસ, કબડ્ડી, બેડમિન્ટન જેવી ઘણી રમતો રમી શકાય છે.


જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ખેલાડીઓએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વિમર આધ્યા બંસલે મુખ્ય પ્રધાનને એક પેઇન્ટિંગ ભેટમાં આપી હતી. જે બાદ સીએમ યોગીએ ખેલાડીઓ સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા અને તેમની પાસેથી સ્પોર્ટ્સ વિભાગ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે માહિતી પણ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button