ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

નાશિક રોડ શોમાં જોવા મળ્યું મોદી સરકારનું ટ્રિપલ એન્જિન

નાશિકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે શુક્રવારે નાશિક પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સવારે જ નાસિક પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ નીલગીરી બાગથી રામકુંડા સુધી રોડ શો કર્યો હતો. સામાન્ય રીતે દરેક રોડ શો કે અન્ય કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ખુલ્લી કાર કે જીપના મંચ પર એકલા હોય છે. જોકે, નાશિકમાં રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર એમ ત્રણે જણ ખુલ્લી જીપમાં હાજર હતા. રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી અને શિંદે-ફડણવીસ-પવાર ત્રિમૂર્તિની તસવીર જોવા મળી હતી.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ રોડ શોના માધ્યમથી એક રાજકીય સંદેશ આપવામાં આવ્યો છે. આ રાજકીય સંદેશ એ છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પક્ષો સાથે મળીને લડશે. આ વાહનમાં મોદીની એક તરફ એકનાથ શિંદે, બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ હતા. અજિત પવાર અને પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે તેમની પાછળ ઉભા હતા, જેને લઈને અનેક રાજકીય તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. અજિત પવાર બીજેપી સાથેના કાર્યક્રમોમાં હાજરી આપતા નથી તેવી ચર્ચા ઘણીવાર થાય છે. જોકે, અજિત પવારે વડાપ્રધાન મોદીની નાસિક મુલાકાતમાં હાજરી આપવાનો આગ્રહ રાખ્યો હતો.


આ અગાઉ નાશિકમાં રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વડા પ્રધાનનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રધાન ચંદ્રશેખર બાવનકુલે, કલેક્ટર જલજ શર્મા, પોલીસ કમિશનર (નાશિક સિટી) સંદીપ કર્ણિક હાજર હતા. વડાપ્રધાન મોદીએ કાલારામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. આ પહેલા મોદીએ રામકુંડા વિસ્તારમાં પ્રતીકાત્મક સ્નાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે તપોવન વિસ્તારમાં રોડની બંને બાજુએ નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button