બિગ બેશ લીગમાં ફિલ્મી અંદાજમાં સ્ટેડિયમમાં થશે વોર્નરની એન્ટ્રી, હેલિકોપ્ટરમાં રમવા પહોંચશે
સિડની: ઑસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ગયા અઠવાડિયે જ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. હવે ડેવિડ વોર્નર શુક્રવારે સિડની થંડર અને સિડની સિક્સર્સ વચ્ચેની મોટી મેચ રમવા માટે તેના ભાઈના લગ્નમાંથી હેલિકોપ્ટર દ્વારા સીધો મેદાન પર ઉતરશે.
ડેવિડ વોર્નરનું હેલિકોપ્ટર મેદાનની મધ્યમાં ઉતરવાનું છે. જો હવામાન વિભાગની મંજૂરી મળશે તો લગ્ન પછી તે હન્ટર વેલીથી સીધો સેસનોક એરપોર્ટ જશે અને સાંજે પાંચ વાગે મેદાન પર પહોંચશે. સ્થાનિક સમય અનુસાર મેચ સાંજે ૭.૧૫ કલાકે શરૂ થશે. સિડની થંડર અને સિડની સિક્સર્સ વચ્ચેની મેચ બિગ બેશની સૌથી મોટી મેચોમાંથી એક માનવામાં આવે છે.
આ અંગે સિડની થંડરના બોલર ગુરિન્દર સંધુએ કહ્યું હતું કે તે અમારા માટે રમવા ખૂબ મહેનત કરી રહ્યો છે, તે અદ્ભુત છે. ગયા વર્ષે પણ તે શાનદાર ફોર્મમાં હતો. ટીમના વાતાવરણને જાળવવામાં અને પ્રોત્સાહિત કરવામાં તેને કોઇ ટક્કર આપી શકે નહીં. તમામ ચાહકો ડેવિડને ક્રિકેટ રમતા જોવાનો આનંદ માણશે.
બિગ બેશ લીગની આ સીઝનમાં સિડની થંડર પાસે અત્યાર સુધી માત્ર એક જ જીત છે. થંડરની ટીમ સાત મેચમાં પાંચ મેચ હારી છે. તે આઠ ટીમોની લીગમાં સાતમાં નંબર પર છે. હવે સિડની થંડર માટે નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવું સરળ નથી. પરંતુ વોર્નર ટી-૨૦ રમીને પોતાનું લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ કરશે.