ભારતે પ્રથમ ટી-૨૦ મેચમાં અફઘાનિસ્તાનનેછ વિકેટે હરાવ્યું, શિવમ દુબેની તોફાની ઇનિંગ
ભારતના વિજયના શિલ્પી:અફઘાનિસ્તાનમાં રમાયેલી પહેલી ટી-૨૦માં ભારત તરફથી શિવમ દુબે અને જીતેશ શર્માએ ફટકાબાજી કરી મેચ જીતાડી હતી.
મોહાલી: ભારતે પ્રથમ ટી-૨૦ મેચમાં અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતુ. મોહાલીમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૫૮ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતે ૧૭.૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શિવમ દુબેએ ૪૦ બોલમાં ૬૦ રનની અણનમ ઇનિંગ રમી હતી. રિંકુ સિંહ નવ બોલમાં ૧૬ રન કરીને અણનમ રહ્યો હતો. ભારતે ત્રણ મેચની ટી-૨૦ સીરિઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ ૧૪ જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.
મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૫૮ રન કર્યા હતા. ટીમ તરફથી મોહમ્મદ નબીએ ૪૨ રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ટીમ તરફથી ઓપનર બેટ્સમેન ગુરબાઝે ૨૩ રન કર્યા હતા જ્યારે કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને ૨૫ રન ફટકાર્યા હતા. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા અઝમતુલ્લા ઉમરઝઈએ ૨૯ રન કર્યા હતા. ભારત માટે પ્રથમ દાવમાં મુકેશ કુમાર અને અક્ષર પટેલે ૨-૨ જ્યારે શિવમ દુબેએ ૨ ઓવરમાં ૯ રન આપીને એક સફળતા હાંસલ કરી હતી.
૧૫૯ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઈનિંગની પહેલી ઓવરના બીજા બોલ પર કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો. ત્યારબાદ બીજી વિકેટ માટે શુભમન ગીલે તિલક વર્મા સાથે ૨૮ રનની ભાગીદારી કરી હતી. પરંતુ ગિલ પણ ક્રિઝ પર વધુ સમય વિતાવી શક્યો ન હતો અને ચોથી ઓવરમાં મુજીબ ઉર રહેમાનનો શિકાર બન્યો હતો.
ત્યારબાદ ત્રીજી વિકેટ માટે તિલક વર્મા અને શિવમ દુબેએ ૪૪ રન (૨૯ બોલ)ની ભાગીદારી કરી હતી. તિલક વર્માએ ૨૨ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૨૬ રન કર્યા હતા.