પપૂઆમાં રમખાણ: ૧૫નાં મોત
પૉર્ટ મૉર્સબી (પપૂઆ ન્યૂ ગુયાના): પપૂઆ ન્યૂ ગુયાનામાં થયેલા રમખાણો અને લૂંટફાટમાં ૧૫ જણનાં મોત થયા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પૂર્વવત કરવા સરકારે ગુરુવારે આદેશ બહાર પાડ્યો હતો. વેતન અંગેના વિવાદને મામલે વિરોધ કરવા બુધવારે સેંકડો પોલીસ અધિકારી, સૈનિકો, જેલના કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ ફરજ પરથી ઉતરી ગયા બાદ રાજધાની પૉર્ટ મૉર્સબીમાં અશાંતિ ઊભી થઈ હતી.
વહીવટી સમસ્યાને કારણે વેતનમાં ઘટાડો કરવાની ફરજ પડી હોવાનું સરકારે કહ્યું હતું. લૅમાં પણ આ જ પ્રકારના રમખાણોને કારણે નુકસાન થયું હતું. આ બંને જગ્યાએ થયેલા રમખાણોમાં પંદર જણનાં મોત થયાં હોવાનું વહીવટીતંત્રએ કહ્યું હતું. ગુરુવારે વધુ ૧૮૦ સુરક્ષા અધિકારીઓ વિમાન મારફતે પૉર્ટ મોર્સબી પહોંચ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
બેરોજગારી અને વધેલી મોંઘવારીને કારણે દેશમાં તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ પામી હોવાનું તેમણે કહ્યું હતું.
પપૂઆ ન્યૂ ગુયાનાના વડા પ્રધાન જૅમ્સ મારાપૅએ કહ્યું હતું કે પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ રમખાણો બંધ થઈ ગયા છે.
ઘટનાને પગલે ગુરુવારે મોટાભાગની દુકાનો અને બૅન્કિંગ સેવા બંધ રહી હતી.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનૅસે લોકોને શાંતિ જાળવવાની અને પડોશી સહિત આસપાસના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની અપીલ કરી હતી. (એજન્સી)